સમયસાર ગાથા-પ૮ થી ૬૦ ] [ ૧૪પ અર્થાત્ બંધમાર્ગની પર્યાય મોક્ષના માર્ગને પ્રગટ કરે છે એમ ન માનવું. વ્યવહાર, નિશ્ચયનું કારણ છે એમ અહીં સિદ્ધ નથી કરવું. અહીં તો વ્યવહાર છે એટલે કે પર્યાય છે, બંધની પર્યાય છે તેમ જ મોક્ષમાર્ગ અને મોક્ષની પર્યાય છે એમ સિદ્ધ કરવું છે. અહીં વ્યવહાર એટલે રાગની નહીં પણ પર્યાયની (સમુચ્ચય) વાત છે.
અહીં કહે છે કે પહેલાં જે વ્યવહારનયને જૂઠો કહ્યો છે તેનો અર્થ એ છે કે પર્યાય- સંસાર કે મોક્ષ-દ્રવ્યમાં નથી. દ્રવ્યની અપેક્ષાએ વ્યવહારનયને જૂઠો કહ્યો છે. તેથી કરીને તે સર્વથા નથી એમ ન સમજવું. વર્તમાન પર્યાયની અપેક્ષાએ તો એ વ્યવહારનય છે. તેથી એ કથંચિત્ સત્યાર્થ છે. સંસાર છે, ઉદયભાવ છે, એમ જે ભાવો ૨૯ બોલ દ્વારા કહ્યા છે તે સઘળાય પર્યાયપણે છે. એક સમયના સંબંધવાળી પર્યાય અસ્તિપણે છે. પરંતુ આનંદકંદ નિત્યાનંદ પ્રભુ ધ્રુવ જે અનાદિ-અનંત ચૈતન્યપ્રવાહ છે તેની દ્રષ્ટિમાં તે ભેદો પ્રતિભાસતા નથી તેથી તેઓ દ્રવ્યમાં નથી એમ કથંચિત્ નિષેધ કરવામાં આવ્યો છે. જો તે ભેદ-ભાવોને, કે જે પર્યાયમાં છે તેમને, દ્રવ્યના છે એમ કહેવું હોય તો વ્યવહારનયથી કહી શકાય છે; નિશ્ચયથી તેઓ દ્રવ્યમાં નથી. આમ નિશ્ચય-વ્યવહાર યથાર્થ સમજવા જોઈએ. બીજી રીતે સમજે તો ભ્રમ જ ઉત્પન્ન થાય.
પ્રશ્નઃ– વ્યવહાર સત્ય છે કે નહીં? જો વ્યવહાર સત્ય છે તો વ્યવહાર મોક્ષમાર્ગ સત્ય છે કે નહીં? અને તેથી તે નિશ્ચય મોક્ષમાર્ગનું કારણ છે કે નહીં?
ઉત્તરઃ– ભાઈ! એમ નથી. અહીં તો એમ કહે છે કે-પર્યાયમાં એક સમય પૂરતો બંધ વગેરે છે તે સત્ય છે. આખી ચીજ પ્રભુ ધ્રુવ ચૈતન્યનું દળ જે પરમસ્વભાવભાવ છે તેની એક સમયની દશામાં આ બધા ભેદો છે માટે ‘છે’ એમ કહ્યું છે. પરંતુ એ ત્રિકાળી ધ્રુવની દ્રષ્ટિમાં આવતા નથી તેથી દ્રવ્યદ્રષ્ટિ કરાવવા ‘તેઓ નથી’ એમ નિષેધ કર્યો છે. તેઓ ત્રિકાળી સત્ય નથી. છતાં વ્યવહારથી કહીએ તો તેઓ સત્ય છે કેમકે તેઓ વર્તમાન પર્યાયમાં અસ્તિ છે. ભાઇ! જો વ્યવહારનય છે તો તેનો વિષય પણ છે. તેથી તો કહ્યું છે કે વ્યવહારને પણ છોડીશ નહિ. એટલે કે વ્યવહારનય નથી એમ ન માનીશ. વ્યવહારને જો નહિ માને તો ચોથું પાંચમું આદિ ગુણસ્થાનો રહેશે નહિ, તીર્થ-ભેદો અને તીર્થફળ રહેશે નહિ. પણ તેથી કરીને એવો અર્થ નથી કે વ્યવહારથી નિશ્ચય પમાય છે. એ વ્યવહારને લઈને (વ્યવહારના આશ્રયે) તીર્થ એટલે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર થાય છે એમ નથી. અહીં કહે છે કે-આ ભેદ-ભાવો ત્રિકાળી શુદ્ધ દ્રવ્યમાં નથી એ નિશ્ચય છે. પરંતુ તેઓ એક સમયની પર્યાયમાં છે તેથી, દ્રવ્યમાં છે એમ કહેવામાં આવે તો, વ્યવહારનયથી કહી શકાય છે. આવો નયવિભાગ છે.