સમયસાર ગાથા-૬૧ ] [ ૧પ૧
દ્રવ્યનો તાદાત્મ્યસંબંધ કહેવાય છે. પુદ્ગલની સર્વ અવસ્થાઓને વિષે પુદ્ગલમાં વર્ણાદિભાવો વ્યાપે છે તેથી વર્ણાદિભાવો સાથે પુદ્ગલનો તાદાત્મ્યસંબંધ છે. સંસાર-અવસ્થાને વિષે જીવમાં વર્ણાદિભાવો કોઈ પ્રકારે કહી શકાય છે પણ મોક્ષ-અવસ્થાને વિષે જીવમાં વર્ણાદિભાવો સર્વથા નથી તેથી વર્ણાદિભાવો સાથે જીવનો તાદાત્મ્યસંબંધી નથી એ ન્યાય છે.
હવે પૂછે છે કે-વર્ણાદિને આત્મા સાથે ત્રિકાળ સંબંધ કેમ નથી? આપે આત્માની સાથે તેમનો એક સમયની પર્યાય પૂરતો ક્ષણિક-અનિત્ય સંબંધ કહ્યો. પરંતુ તે રંગ, રાગ, ગુણસ્થાન આદિ સાથે જીવને તાદાત્મ્યસંબંધ કેમ નથી? તેનો ઉત્તર આપે છેઃ-
જે નિશ્ચયથી બધીય અવસ્થાઓમાં જે-સ્વરૂપપણાથી વ્યાપ્ત હોય અને તે સ્વરૂપપણાની વ્યાપ્તિથી રહિત ન હોય, તેનો તેમની સાથે તાદાત્મ્યલક્ષણ સંબંધ હોય છે. જેમકે જ્ઞાન સાથે આત્માને જે સંબંધ છે તે તાદાત્મ્યલક્ષણ સંબંધ છે, કેમકે આત્માની સર્વ અવસ્થાઓમાં તે જ્ઞાનસ્વરૂપપણાથી વ્યાપ્ત છે અને જ્ઞાનસ્વરૂપપણાની વ્યાપ્તિથી કયારેય રહિત નથી. પરંતુ રાગ-ઉદયભાવ સાથે આત્માને તાદાત્મ્યલક્ષણ સંબંધ નથી, કેમકે આત્માની સર્વ અવસ્થાઓમાં ઉદયભાવ વ્યાપ્ત હોય અને કયારેય એની વ્યાપ્તિથી રહિત ન હોય એમ બનતું નથી. સંસાર અવસ્થામાં રાગ-ઉદયભાવ હોય છે પરંતુ મોક્ષ અવસ્થામાં તે સર્વથા નથી.
ખરેખર, જે બધી દશાઓમાં જે સ્વરૂપથી વ્યાપ્ત એટલે પ્રસરેલ હોય અને તે સ્વરૂપથી કયારેય રહિત ન હોય તેનો, તેમની સાથે તાદાત્મ્યસંબંધ હોય છે. અર્થાત્ જે વસ્તુ સર્વ અવસ્થાઓમાં જે ભાવોસ્વરૂપ હોય અને કોઈ અવસ્થામાં તે ભાવોસ્વરૂપપણું છોડે નહિ તે વસ્તુનો, તે ભાવો સાથે તાદાત્મ્યસંબંધ છે. માટે જેની બધીય અવસ્થાઓમાં વર્ણાદિ વ્યાપ્ત હોય છે તે પુદ્ગલની સાથે વર્ણાદિને તાદાત્મ્યસંબંધ છે. કાળો, રાતો આદિ જે વર્ણ છે તેનું પુદ્ગલની સાથે તાદાત્મ્ય છે, કેમકે તે વિના પુદ્ગલની કોઈ અવસ્થા હોતી નથી. તેવી રીતે જે ગુણસ્થાન આદિ ભેદ પડયા છે તેને પણ પુદ્ગલની સાથે તાદાત્મ્યસંબંધ છે કેમકે પુદ્ગલના નિમિત્ત વિના તે ભેદો હોતા નથી. અહો! આ સમયસાર તો કેવું અદ્ભુત શાસ્ત્ર છે! એમાં આખાય બ્રહ્માંડના ભાવો ભર્યા છે!
પુદ્ગલની બધીય અવસ્થાઓમાં તે વર્ણાદિ વ્યાપ્ત હોય છે અને તેની વ્યાપ્તિથી રહિત પુદ્ગલ હોતું નથી. માટે વર્ણાદિભાવોનો પુદ્ગલ સાથે તાદાત્મ્યસંબંધ છે પણ