૧પ૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૩ આત્માની સાથે નથી. તેઓ સંસાર અવસ્થામાં કથંચિત્ વ્યાપ્ત-પ્રસરેલા છે તોપણ મોક્ષ અવસ્થામાં સર્વથા હોતા નથી. માટે તેઓને જીવની સાથે તાદાત્મ્યલક્ષણ સંબંધ નથી. સંસાર અવસ્થામાં રાગ-ભેદથી વ્યાપ્તિ હોય છે અને ત્યારે વર્ણાદિરૂપપણાની વ્યાપ્તિથી રહિત જીવ હોતો નથી, તોપણ મોક્ષ અવસ્થામાં સર્વથા વ્યાપ્તિ હોતી નથી. માટે જીવને તે વર્ણાદિભાવો સાથે તાદાત્મ્યસંબંધ નથી. અહાહા! વર્ણાદિમાં એક પુદ્ગલ જ નાચે છે. ભગવાન આત્મા તો જ્ઞાયકસ્વરૂપે શુદ્ધ ચિદ્રૂપ એકરૂપ છે. તે એમાં કેમ નાચે? ન જ નાચે એમ કહે છે.
જોકે સંસાર અવસ્થામાં કથંચિત્ વર્ણાદિની વ્યાપ્તિ હોય છે તોપણ મોક્ષ અવસ્થામાં તેઓની વ્યાપ્તિ હોતી નથી, વ્યાપ્તિથી સર્વથા રહિત હોય છે. માટે વર્ણાદિભાવો સાથે જીવને કોઈપણ પ્રકારે તાદાત્મ્યલક્ષણ સંબંધ નથી. આત્માને જ્ઞાન, આનંદ સાથે તાદાત્મ્યલક્ષણ સંબંધ છે કારણ કે કોઈપણ અવસ્થામાં જ્ઞાનાનંદરૂપપણું આત્મામાં ન હોય એમ બનતું નથી. પરંતુ આ વર્ણાદિ ભાવો સંસાર અવસ્થામાં કથંચિત્ હોય છે તોપણ મોક્ષ અવસ્થામાં તેઓનો સર્વથા અભાવ છે. માટે વર્ણથી માંડીને ગુણસ્થાન પર્યંતના સર્વ ભાવો સાથે જીવને તાદાત્મ્યલક્ષણ સંબંધ નથી.
દ્રવ્ય જે વસ્તુ છે તેની બધી અવસ્થાઓમાં જે વ્યાપે તેને, તે દ્રવ્ય સાથે એકરૂપ સંબંધ કહેવાય છે. તેથી પુદ્ગલની સર્વ અવસ્થાઓમાં જે વર્ણાદિભાવો વ્યાપે છે તેને, પુદ્ગલની સાથે એકરૂપતાનો સંબંધ છે. ગુણસ્થાન, જીવસ્થાન, માર્ગણાસ્થાન આદિ ભેદો પુદ્ગલના (કર્મના) નિમિત્તે પડે છે. અહાહા! આત્મા વસ્તુ ત્રિકાળી ધ્રુવ અભેદ એકરૂપ ચૈતન્યમાત્ર છે. તેને કારણે ભેદ કેમ પડે? માટે પુદ્ગલના નિમિત્તથી જે આ વર્ણથી ગુણસ્થાન પર્યંત ભેદ પડે છે તે, આત્માની સર્વ અવસ્થાઓમાં વ્યાપતા નથી પણ પુદ્ગલની સર્વ અવસ્થાઓમાં વ્યાપે છે. તે કારણે તે બધા પુદ્ગલની સાથે તાદાત્મ્યલક્ષણ સંબંધ રાખે છે. અખંડ, અભેદ એક ચિન્માત્રસ્વરૂપ વસ્તુની દ્રષ્ટિએ રંગ-રાગ-જીવસ્થાન-માર્ગણાસ્થાન આદિ ભેદો પુદ્ગલની સાથે સંબંધ રાખે છે. જ્યાં જ્યાં પુદ્ગલ ત્યાં ત્યાં આ બધા ભાવો હોય છે. માટે તેઓને પુદ્ગલની સાથે તાદાત્મ્ય સંબંધ છે.
સંસાર અવસ્થામાં જીવમાં રંગ-રાગ આદિ ભાવો કોઈ અપેક્ષાએ કહી શકાય છે. પરંતુ મોક્ષ અવસ્થામાં તેઓ જીવમાં સર્વથા નથી. તેથી વર્ણાદિ સાથે જીવને એકરૂપતાનો સંબંધ નથી. ર્ક્તા-કર્મ અધિકારમાં પણ એ જ કહ્યું છે કે જે દયા, દાન, વ્રત, ભક્તિ, આદિનો ભાવ થાય છે તે સંયોગલક્ષણ છે. તેઓ સંયોગીભાવ છે, સ્વભાવભાવ નથી. માટે એ દયા, દાન, આદિ ભાવો સાથે આત્માને તાદાત્મ્યસંબંધ નથી. જેમ બીજી સંયોગી ચીજ છે તેમ તે પણ સંયોગી ચીજ છે. માટે વર્ણાદિ ભાવો સાથે ભગવાન આત્માને એકરૂપપણાનો તાદાત્મ્યલક્ષણ સંબંધ નથી એ ન્યાય છે.