સમયસાર ગાથા-૬૧ ] [ ૧પ૩
અહાહા! આત્મા જે શુદ્ધ ચિદ્રૂપ વસ્તુ છે તેના તરફ ઢળવાના ભાવમાં તો આત્મા અભેદપણે દ્રષ્ટિમાં લેવા યોગ્ય છે. જ્યારે આ બધા ભેદ-ભાવો, કે જે પુદ્ગલના સંબંધે થાય છે તેની દ્રષ્ટિ છોડી દેવા યોગ્ય છે. માટે તો તેઓ આત્માના નથી એમ કહ્યું છે. આ વર્ણથી શરૂ કરીને માર્ગણાસ્થાન-ગુણસ્થાન આદિ જે ભેદો કહ્યા છે તે બધાય પુદ્ગલની સાથે સંબંધવાળા છે. જ્યાં જ્યાં તેઓ છે ત્યાં ત્યાં તેઓને પુદ્ગલની સાથે સંબંધ છે. પરંતુ જ્યાં જ્યાં ભગવાન આત્મા છે ત્યાં ત્યાં તેઓની સાથે સંબંધ છે નહીં, કારણ કે સંસાર અવસ્થામાં એક સમય પૂરતો પર્યાયમાં સંબંધ છે તોપણ મોક્ષ અવસ્થામાં સર્વથા સંબંધ નથી. તેથી ધર્મીએ એક અભેદસ્વભાવની જ દ્રષ્ટિ કરવી એમ અભિપ્રાય છે. આ જીવ-અજીવ અધિકાર છે. તેથી રંગ, રાગ, પુણ્ય, પાપ, ગુણસ્થાન આદિ સર્વ ભાવોને અહીં અજીવમાં નાખ્યા છે. આશય એ છે કે અભેદ એક ચિન્માત્ર અખંડ વસ્તુનો આશ્રય કરવો અર્થાત્ સમ્યગ્દર્શન અને નિર્વિકલ્પ શાંતિની પર્યાય દ્વારા તે એકને જ ગ્રહણ કરવો, અનુભવવો.