સમયસાર ગાથા-૬૨ ] [ ૧પ૯ છે તો તેણે પુદ્ગલને જ જીવ માન્યો છે. તેની માન્યતા પ્રમાણે જીવદ્રવ્ય ભિન્ન રહ્યું નહિ પણ તે પુદ્ગલરૂપ થઈ ગયું એમ કહે છે. સૂક્ષ્મ વાત, ભાઈ! જે આત્માએ એવો અભિપ્રાય રાખ્યો છે કે મારી (આત્માની) સાથે રાગની ઉત્પત્તિ અને રાગનો વ્યય થાય છે તેણે પુદ્ગલને જ આત્મા માન્યો છે, પુદ્ગલથી ભિન્ન પોતાના ચૈતન્યસ્વરૂપને એણે માન્યું જ નથી.
પ્રશ્નઃ– પરંતુ આવો ધર્મ પામવાનું સાધન શું? ભક્તિ આદિ કરીએ તે સાધન ખરું કે નહિ?
ઉત્તરઃ– અરે ભગવાન! દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિ તો રાગ છે. અને રાગની ઉત્પત્તિ અને તેના વ્યયનો સંબંધ તો નિશ્ચયથી પુદ્ગલ સાથે છે. તેથી જો ભક્તિ આદિના રાગને જ તું સાધન માનીશ તો પુદ્ગલને જ તું જીવ માને છે એમ નિશ્ચિત થતાં મિથ્યાત્વ જ થશે.
વ્યવહારથી એક સમયની પર્યાયમાં-સંસાર અવસ્થામાં તે હો ભલે, પણ જીવને તેની સાથે તાદાત્મ્ય સંબંધ નથી. એ જ વાત હવે પછીની ગાથામાં કહેશે કે-ભાઈ! જો તું સંસાર અવસ્થામાં પણ રાગાદિ મારાં છે એમ માનીશ તો જીવ પુદ્ગલસ્વરૂપ થઈ જશે અને પુદ્ગલની જ મુક્તિ થશે. ગજબ વાત છે. અન્યમતનાં કરોડો પુસ્તકો વાંચે તોપણ આ વાત નીકળે નહીં. કયાંથી નીકળે? આ તો જેઓ ત્રિલોકનાથ જિનેશ્વરદેવ પાસે ગયેલા અને અંતરમાં બિરાજમાન નિજ જિનેશ્વરદેવ ચૈતન્ય ભગવાન પાસે ગયેલા તેવા સંતોની વાણી છે. એ સંતો કહે છે કે જ્યાં અમે ગયા હતા ત્યાં તો રાગાદિ છે જ નહિ ને. અહાહા! શુદ્ધ ચિદાનંદમય ચૈતન્યમૂર્તિ ભગવાન અમારો જિનદેવ છે. ત્યાં અમે ગયા હતા. ત્યાં રાગ-દ્વેષ-સંસાર છે જ નહિ. રાગાદિનો સંબંધ આત્મા સાથે છે જ નહિ. આવી સંતોની વાણી સાંભળવા મળવી પણ દુર્લભ છે.
એક બાજુ એમ કહે કે પુણ્ય-પાપ આદિ ભાવ જીવની પર્યાયમાં થાય છે અને જીવ તેનો ર્ક્તા-ભોક્તા છે. એ તો પર્યાયનું જ્ઞાન કરાવવા જ્ઞાનની અપેક્ષાએ કથન છે. જ્યારે અહીં દ્રષ્ટિની અપેક્ષાથી એમ કહે છે કે રાગ-દ્વેષાદિની ઉત્પત્તિ અને વ્યય પુદ્ગલની સાથે સંબંધ રાખે છે. સ્વભાવની દ્રષ્ટિએ જોતાં તે રાગ-દ્વેષાદિ પરનાં છે. જો તે રાગ-દ્વેષાદિ ભાવો જેમ પુદ્ગલની સાથે ઉત્પાદ-વ્યયપણે વ્યાપ્ત થતાં દેખાય છે તેમ આત્માની સાથે પણ એકપણે દેખાય તો આત્મા પુદ્ગલમય થઈ જાય, જીવપણે રહે નહિ, અર્થાત્ રાગ વિનાનો અખંડ આનંદકંદસ્વરૂપ જે આત્મા તેનો નાશ થઈ જાય. તેથી પુદ્ગલની જ પ્રસિદ્ધિ થાય. અહાહા! અતીન્દ્રિય જ્ઞાન અને આનંદનો સાગર ભગવાન આત્મા અંદર શાશ્વત બિરાજે છે ને નાથ! તેને જો તું રાગવાળો માને તો તું પુદ્ગલમય થઈ જાય, જીવપણે ન રહે. જો તું શુભભાવના રાગથી ધર્મ માને તો ત્યાં આત્મા ન રહે, પ્રભુ! એકલા પુદ્ગલની જ પ્રસિદ્ધિ થાય. ભાઈ! આ તો ખૂબ ધીરજ અને ન્યાયથી પ્રાપ્ત થાય એવો માર્ગ છે.