૧૬૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૩ પ્રશ્નઃ– આ પંચમકાળમાં શુભભાવ જ હોય છે. તેથી વ્રત, તપ, ભક્તિ આદિ કરવાં એ ધર્મ છે.
ઉત્તરઃ– ભાઈ! એ વ્રત, તપ, ભક્તિ આદિના શુભભાવ તો પુદ્ગલની સાથે સંબંધ રાખે છે. એ આત્માની સાથે તાદાત્મ્ય સંબંધે વ્યાપતા જ નથી.
પ્રશ્નઃ– આપ આમ કહો છો તેથી એકલા પડી જશો.
ઉત્તરઃ– ભગવાન! કોણ એકલો અને કોણ બેકલો? અહીં તો જે સત્ય છે તે કહેવાય છે. અહા! શું દિગંબર સંતોએ કામ કર્યાં છે! કેવળજ્ઞાનીના વિરહ ભૂલાવ્યા છે! ભાઈ, તું એમ માને કે શુભરાગથી ધર્મ થાય તો એ તો પુદ્ગલની પ્રસિદ્ધિ થઈ, નાથ! તારી પ્રસિદ્ધિ એમાં ન આવી. ભાઈ! રાગનો તાદાત્મ્ય સંબંધ તો પુદ્ગલની સાથે છે, કેમકે જ્યાં જ્યાં કર્મ ત્યાં ત્યાં રાગ છે. આત્માવલોકનમાં પણ એ જ કહ્યું છે કે-જ્યાં સુધી નિમિત્ત-કર્મ છે ત્યાં સુધી રાગ છે; અને કર્મ નથી તો રાગ નથી. રાગ, પુદ્ગલના સંબંધમાં ઉત્પન્ન થાય છે માટે તે આત્માનું સ્વરૂપ નથી એમ અહીં કહેવું છે.
અહાહા! ભગવાન આત્મા તો અનંત અનંત જ્ઞાન, આનંદ અને શાન્તિનો ભંડાર છે. એ ભંડારમાંથી નીકળે તો શું રાગ નીકળે? એમાં રાગ છે કયાં કે નીકળે? રાગની ઉત્પત્તિ થાય એવો કોઈ ગુણ આત્મામાં નથી. અનંત ગુણરત્નોના ભંડાર ભગવાન આત્મામાં દ્રષ્ટિ સ્થાપતાં પર્યાયમાં અનંત આનંદ-શાંતિ આદિની પર્યાય પ્રગટ થાય છે અને એના ઉત્પાદ-વ્યયનો સંબંધ નિજ દ્રવ્ય સાથે છે અને એ ઉત્પાદ-વ્યય સિદ્ધમાં પણ અનંતકાળ રહેશે. આવી વસ્તુસ્થિતિ છે.
અહીં કહે છે કે-આ રાગાદિ ભાવો આત્માની સાથે સંબંધ રાખે છે એમ જો કોઈ જાણે- માને તો આત્મા પુદ્ગલમય થઈ જાય, કેમકે રાગાદિને તો પુદ્ગલ-અજીવની સાથે તાદાત્મ્ય સંબંધ છે. તેથી પુદ્ગલથી ભિન્ન જીવ તો કોઈ રહે નહિ. તેથી જીવનો જ અવશ્ય અભાવ થઈ જાય. ગજબ વાત, ભાઈ! જ્યારે ત્રિલોકીનાથ દિવ્યધ્વનિ દ્વારા આ અર્થો પ્રગટ કરે છે ત્યારે એ જ ભવે મોક્ષ જનારા ગણધરો અને એકાવતારી ઇન્દ્રો પણ વિસ્મય પામે છે. એ દિવ્યધ્વનિની શી વાત! એ દિવ્યધ્વનિનો આ સાર છે કે જો તું શુભરાગથી ધર્મ થવો માને છે, શુભરાગને પોતાનો માને છે તો તું પુદ્ગલને જ પોતાનો માને છે અર્થાત્ તું પોતાનો જ (જીવનો જ) અભાવ કરે છે.
દયા, દાન, વ્રત, તપ, આદિનો વિકલ્પ-રાગ જે પર્યાયમાં પ્રગટ થાય છે તે પુદ્ગલદ્રવ્યની સાથે તાદાત્મ્યરૂપ છે, પરંતુ આત્માની સાથે તાદાત્મ્યરૂપ નથી. આકરી વાત, ભાઈ. જીવ-અજીવ અધિકાર છે ને! જીવ તો અખંડ અભેદ પૂર્ણ જ્ઞાનાનંદસ્વરૂપ એકરૂપ છે. તેની પર્યાયમાં આ જે રાગ, ભેદ, આદિ થાય છે તે પુદ્ગલની સાથે સંબંધ રાખે છે