સમયસાર ગાથા-૬૨ ] [ ૧૬૧ એમ કહે છે. અહીં તો ત્રિકાળી સ્વભાવ અને સ્વભાવની દ્રષ્ટિ બતાવવી છે ને? તેથી કહે છે કે-આ રાગ અને ભેદ આદિના ભાવ જેમ પુદ્ગલની સાથે સંબંધ રાખે છે તેમ જીવની સાથે પણ સંબંધ રાખે છે એમ માનો તો જીવ અને પુદ્ગલમાં કોઈ ભેદ ન રહે. ચૈતન્યમય ભગવાન આત્માના શુદ્ધ સ્વભાવમાં રાગાદિ છે જ નહીં. તેથી રાગાદિનો સંબંધ પુદ્ગલ સાથે ગણીને, પોતાનો અભેદસ્વભાવ ભિન્ન બતાવ્યો છે.
વર્ણથી માંડીને ગુણસ્થાન સુધીના બધાય ભાવોને જેમ પુદ્ગલની સાથે તાદાત્મ્ય સંબંધ છે તેમ જીવની સાથે પણ તાદાત્મ્યપણું હોય તો જીવ અને પુદ્ગલમાં કોઈ ભેદ રહેતો નથી. આમ થવાથી જીવનો જ અભાવ થાય. ચૈતન્યપ્રકાશની મૂર્તિ ઝળહળજ્યોતિ-સ્વરૂપ ભગવાન આત્મા અંદર શાશ્વત બિરાજે છે. તે જ્ઞાયક ચૈતન્યજ્યોતિને રાગાદિ સાથે તાદાત્મ્ય હોય તો આત્મા અચેતન થઈ જાય એમ કહે છે. જેમ શરીર, કર્મ, આદિ પુદ્ગલ અચેતન છે તેમ શુભરાગ પણ અચેતન છે. વ્યવહાર રત્નત્રયનો રાગ પણ અચેતન છે અને પુદ્ગલની સાથે તાદાત્મ્યરૂપે છે, કેમકે રાગમાં ચૈતન્યસ્વભાવનો અભાવ છે. છઠ્ઠી ગાથાની ટીકામાં પણ આવે છે કે જ્ઞાયકસ્વભાવી ચૈતન્યજ્યોત કદીય શુભાશુભભાવોના સ્વભાવે જડપણે થતી નથી. ગાથા ૭૨માં પણ એ શુભાશુભભાવરૂપ આસ્રવોને વિપરીત સ્વભાવવાળા એટલે જડ કહ્યા છે. આવી ચિન્માત્ર વસ્તુ એકરૂપ આત્મા છે તે રાગરૂપે કેમ થાય? રાગ છે તો જીવની પર્યાયમાં, અને તે ચારિત્રગુણની દોષરૂપ વિપરીત પર્યાય છે, પરંતુ સ્વભાવની દ્રષ્ટિથી ત્રિકાળી ઝળહળ ચૈતન્યજ્યોતિસ્વરૂપ ભગવાન આત્માને જોતાં તે ભિન્ન અચેતનપણે જણાય છે. માટે રાગ જેમ પુદ્ગલથી તદ્રૂપ છે તેમ જો આત્માથી તદ્રૂપ છે એમ માનો તો આત્મા અચેતન થઈ જાય. ભાઈ, જૈનદર્શન બહુ સૂક્ષ્મ છે.
અહાહા! ચૈતન્યપ્રકાશનું પૂર પ્રભુ આત્મા છે. તેમાં વ્યવહારરત્નત્રયનો રાગ પણ સમાતો નથી, વ્યાપતો નથી, કેમકે રાગ છે તે પુદ્ગલની સાથે તાદાત્મ્યપણે છે. તેથી જીવને રાગથી સંબંધ છે એમ જો કહો તો જીવ પુદ્ગલમય થઈ જાય, અચેતન થઈ જાય. સ્વપરપ્રકાશક ચેતન્યજ્યોતિસ્વરૂપ આત્મા રાગને પ્રકાશે છે, જાણે છે, પણ તે રાગરૂપ થતો નથી. ભાઈ! આ સમજવા માટે પરથી ઘણા ઉદાસીન થવું જોઈએ. અહીં કહે છે કે અચેતન રાગ પુદ્ગલથી એકરૂપ છે માટે એનાથી તું ઉદાસ થઈ જા. પ્રભુ! એ તારી ચીજ નથી તેથી અંતર્મુખ થઈ તારું આસન જ્ઞાયકસ્વરૂપ ચૈતન્યમૂર્તિ ભગવાનમાં જમાવી દે. જો તું રાગથી તાદાત્મ્ય સંબંધ કરવા જઈશ તો તું અચેતન થઈ જઈશ અને તેથી તારો-જીવનો જ અભાવ થઈ જશે એવો મહાદોષ આવશે. આકરી વાત, ભગવાન! પણ વાત તો આ જ છે.