૧૬૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૩ અવસ્થામાં આત્માને એનાથી તન્મય માને તો આત્મા રૂપી પુદ્ગલ જ થઈ જાય. તો પછી સંસાર-અવસ્થા પલટીને મોક્ષ થાય ત્યારે કોનો મોક્ષ થાય? પુદ્ગલનો જ મોક્ષ થાય, અર્થાત્ મોક્ષમાં પુદ્ગલ જ રહેશે, જીવ નહિ. એક અવસ્થામાં જો રંગ-રાગ-ભેદ જીવથી તન્મય હોય તો બીજી અવસ્થામાં પણ તે જીવથી તન્મય એટલે એકમેક જ રહેશે. તેથી સંસાર-અવસ્થામાં પુદ્ગલથી તન્મય જીવ, મોક્ષ અવસ્થામાં પણ પુદ્ગલથી જ તન્મય રહેશે. અર્થાત્ પુદ્ગલનો જ મોક્ષ થશે. અહો! દિગંબર સંતોએ ગજબ કામ કર્યાં છે. એ કેવળીના કેડાયતીઓએ તો કેવળજ્ઞાનના ‘કક્કા’ ઘૂટાંવ્યા છે. ‘ક’ એટલે કેવળજ્ઞાની આત્મા. કહે છે કે આ આત્મા જો રંગ-રાગથી અભેદ થઈ જાય તો આત્મા જ રહેતો નથી, અર્થાત્ પુદ્ગલથી જુદો કોઈ જીવ જ સિદ્ધ થતો નથી.
અહા! આવી વાત બીજે કયાંય છે જ નહિ. સર્વજ્ઞ પરમાત્માએ જે દિવ્યધ્વનિમાં કહ્યું હતું તે સંતોએ કહ્યું છે. લોકો તો બસ બહારથી ત્યાગ કરો, પંચમહાવ્રત પાળો અને ભગવાનની ભક્તિ આદિ કરો એટલે ધર્મ થઈ ગયો એમ માને છે. તેઓ શુભભાવ વડે જ નિર્જરા થાય એમ માને છે. પરંતુ ભાઈ, શુભભાવને તો અહીં રૂપી અચેતન પુદ્ગલના પરિણામમય કહ્યો છે. તો પછી એનાથી નિર્જરા કેમ થાય? આચાર્ય કહે છે કે-આ ટીકા કરવાનો જે શુભ વિકલ્પ આવ્યો છે તે મારો નથી, કેમકે તે પુદ્ગલની સાથે તાદાત્મ્ય સંબંધ રાખે છે, મારી સાથે નહિ. અહાહા! ટીકાના શબ્દોની જે ક્રિયા છે તે તો મારી નથી પણ એનો જે વિકલ્પ આવ્યો છે તે પણ પુદ્ગલની સાથે સંબંધ રાખે છે તેથી મારો નથી એમ કહે છે. હું તો માત્ર તેનાથી ભિન્ન રહીને તેને જાણવાવાળો છું. અહાહા! મતિ, શ્રુત, અવધિ, મનઃપર્યય આદિ પર્યાયમાં જે ભેદ પડે છે તેનો હું માત્ર જાણવાવાળો છું. એ ભેદો મારી ચીજ નથી. નિમિત્તને, રાગને અને ભેદને હું જાણવાવાળો છું પણ જેને હું જાણું છું એ નિમિત્તરૂપ, રાગરૂપ કે ભેદરૂપ હું નથી. અહો! ભેદજ્ઞાનની શું અદ્ભુત અલૌકિક કળા આચાર્યોએ બતાવી છે! એ ભેદવિજ્ઞાનના બળે રંગ- રાગ-ભેદથી ભિન્ન પડીને પોતાના શુદ્ધ જ્ઞાયકસ્વભાવને દ્રષ્ટિમાં લઈ તેમાં જ એકાગ્ર થતાં સંવર-નિર્જરા થાય છે અને એ જ શુદ્ધ રત્નત્રયરૂપ ધર્મ છે. બાકી રંગ-રાગ-ભેદ સહિત આત્માની દ્રષ્ટિ કરવી એ મિથ્યાદર્શન છે.
અહીં કહે છે કે-રંગ-રાગ-ભેદના ભાવો સંસારદશામાં આત્માના છે એમ જો તું માને તો એનાથી ભિન્ન અન્ય કોઈ જીવ રહેશે નહિ, અને તો મોક્ષ અવસ્થામાં પણ પુદ્ગલ દ્રવ્ય જ જીવ ઠરશે, કારણ કે સદાય પોતાના લક્ષણથી લક્ષિત એવું દ્રવ્ય બધીય અવસ્થાઓમાં હાનિ અથવા ઘસારો નહિ પામતું હોવાથી અનાદિ-અનંત હોય છે. ભગવાન આત્મા જ્ઞાયકમાત્ર શુદ્ધ ચૈતન્યરસકંદ છે. તેની સાથે રંગ-રાગ-ભેદના ભાવોને તાદાત્મ્ય છે એમ જો તું માને તો આત્મદ્રવ્ય રંગ-રાગ-ભેદના લક્ષણથી લક્ષિત થાય. અને તે લક્ષણ કોઈપણ વખતે હાનિ કે ઘસારો પામે નહિ. તેથી કરીને આત્મા એનાથી ભિન્ન