Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 687 of 4199

 

સમયસાર ગાથા-૬૩-૬૪ ] [ ૧૬૯ કયારેય રહે નહિ. એટલે કે આત્મા આત્માપણે રહે નહિ અર્થાત્ જીવનો જરૂર અભાવ થાય. અહો! ટીકામાં અમૃતચંદ્રસ્વામીએ એકલાં અમૃત રેડયાં છે. કહે છે કે રંગ-રાગ-ભેદને જો તું આત્માનું લક્ષણ માને તો, લક્ષણ કયારેય હાનિ કે ઘસારો નહિ પામતું હોવાથી, તે (રંગ-રાગ- ભેદ) ત્રણેય કાળ આત્મામાં રહે અને તો પછી આત્મા આત્માપણેશુદ્ધ ચૈતન્યપણે રહે નહિ, તેનો અભાવ જ થાય.

* ગાથા ૬૩–૬૪ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

આ જીવ-અજીવ અધિકાર છે. જીવ કોને કહેવાય એની અહીં વાત છે. જીવ તો અનંત અનંત ગુણનો અભેદ શુદ્ધ ચૈતન્યમાત્ર પિંડ છે. રંગ-રાગ અને ભેદના સઘળાય ભાવો એમાં નથી. રંગમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, શરીર, મન, વાણી, ઇન્દ્રિય, કર્મ વગેરે આવી જાય. રાગમાં શુભાશુભભાવ અને અધ્યવસાન આવી જાય, તથા ભેદમાં જીવસ્થાન, માર્ગણાસ્થાન, ગુણસ્થાન, લબ્ધિસ્થાન ઇત્યાદિ ભેદો આવી જાય. હવે જીવ એને કહીએ કે જે આ બધાય રંગ-રાગ-ભેદના ભાવોથી નિરાળો-ભિન્ન ત્રિકાળી ધ્રુવ ચૈતન્યપણે છે. તથાપિ જો એમ માનવામાં આવે કે સંસાર-અવસ્થામાં જીવને રંગ-રાગ-ભેદની સાથે તાદત્મ્ય સંબંધ છે તો જીવ મૂર્તિક થઈ જાય કેમકે રંગ-રાગ-ભેદના ભાવો બધાય મૂર્તિક છે. તથા મૂર્તિકપણું તો પુદ્ગલનું જ લક્ષણ છે. તેથી જીવ અને પુદ્ગલ એક થઈ જાય. બહુ સૂક્ષ્મ વાત, ભાઈ! આ દયા, દાન, વ્રત, વ્યવહારરત્નત્રય આદિનો રાગ અને ગુણસ્થાન, માર્ગણાસ્થાન આદિ ભેદો મૂર્તિક-રૂપી છે. એનાથી જીવ જો અભિન્ન હોય તો જીવ મૂર્તિક પુદ્ગલમય થઈ જાય, ભેદાદિથી ભિન્ન કોઈ ચૈતન્યરૂપ જીવ રહે નહિ. અને તો પુદ્ગલદ્રવ્ય એ જ જીવ એમ ઠરે.

જુઓ, આ શાસ્ત્રજ્ઞાન છે એ પરજ્ઞેય છે, સ્વજ્ઞેય નથી. એને અહીં મૂર્તિક કહીને પુદ્ગલમય કહ્યું છે. જ્યારે ભગવાન આત્મા તો અખંડ, અભેદ, એક શુદ્ધ ચિદ્રૂપ વસ્તુ છે. એમાં ગુણભેદ કે પર્યાયભેદ પણ નથી તો પછી રંગ-રાગની તો વાત જ શી કરવી? આવા શુદ્ધ ચિન્માત્ર અમૂર્તિક જીવને રંગ-રાગ-ભેદથી અભિન્ન માનતાં તે મૂર્તિક પુદ્ગલમય થઈ જાય છે કેમકે રંગ-રાગ-ભેદનું સ્વરૂપ મૂર્તપણું છે, અને મૂર્તપણું પુદ્ગલનું જ લક્ષણ છે. ભારે સૂક્ષ્મ વાત! એક બાજુ પ્રવચનસારમાં એમ કહે કે રાગ-દ્વેષ આદિ જે પર્યાય છે તે પોતાની છે, નિશ્ચયથી જીવની છે, જીવમાં છે અને અહીં તેને મૂર્તિક પુદ્ગલમય કહે! ત્યાં પ્રવચનસારમાં પર્યાયને સિદ્ધ કરી છે. જ્ઞેય એવા આત્માની પર્યાયમાં રાગ-દ્વેષાદિ છે એમ ત્યાં પર્યાય સિદ્ધ કરી છે. જ્યારે અહીં ત્રિકાળી શુદ્ધ સ્વભાવ સિદ્ધ કરવો છે. દ્રષ્ટિનો વિષય જે અભેદ એકરૂપ ચૈતન્યમય દ્રવ્ય છે એને અહીં સિદ્ધ કરવો છે. ભાઈ! જ્યાં જે અપેક્ષા છે તે યથાર્થ સમજવી જોઈએ.