૧૭૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૩
ભાવો છે તે બધાય [एकस्य पुद्गलस्य हि निर्माणम्] એક પુદ્ગલની રચના [विदन्तु] જાણો; [ततः] માટે [इदं] આ ભાવો [पुद्गलः एव अस्तु] પુદ્ગલ જ હો, [न आत्मा] આત્મા ન હો; [यतः] કારણ કે [सः विज्ञानघनः] આત્મા તો વિજ્ઞાનઘન છે, જ્ઞાનનો પુંજ છે, [ततः] તેથી [अन्यः] આ વર્ણાદિક ભાવોથી અન્ય જ છે. ૩૯.
આ રીતે એ સિદ્ધ થયું કે વર્ણાદિક ભાવો જીવ નથી-એમ હવે કહે છેઃ-
ઝીણી વાત છે, પ્રભુ! ધર્મ સમજવો એ સૂક્ષ્મ વાત છે, ભાઈ! અનંતકાળમાં એ (અજ્ઞાની) અનેકવાર ત્યાગી થયો, હજારો રાણીઓ છોડી નગ્ન દિગંબર સાધુ થઈને જંગલમાં રહ્યો, પરંતુ ચૈતન્યસ્વરૂપ પોતાનો આત્મા રાગની ક્રિયાથી રહિત છે એવું એણે કદીય ભાન કર્યું નથી. રાગની ક્રિયા કરતાં કરતાં આત્મા હાથ આવશે એમ માનનારે જડની ક્રિયા કરતાં કરતાં ચૈતન્ય પ્રાપ્ત થશે એમ માન્યું છે. આવું માનનારને અહીં કહે છે કે-નિશ્ચયનયે કર્મ અને કરણનું અભિન્નપણું છે. શું કહ્યું? કે સત્યાર્થદ્રષ્ટિએ કર્મ એટલે કાર્ય અને કરણ એટલે એનું કારણ- સાધન એ બે એકમેક છે, અભિન્ન છે. માટે જે જેના વડે કરાય છે તે, તે જ છે. કર્મ અને કરણ બે જુદાં (દ્રવ્યો) ન હોય. એટલે કે સાધન અને કાર્ય અર્થાત્ કારણ અને કાર્ય બે ભિન્ન નથી, એકમેક જ છે. જે જેના વડે કરાય છે તે, તે જ છે. હવે દ્રષ્ટાંત આપે છેઃ-
સુવર્ણનું પાનું સુવર્ણ વડે કરાય છે માટે તે સુવર્ણ જ છે, બીજું કાંઈ નથી. શું કહે છે? કે સોનાથી જે પાનું થાય છે તે સોનું જ છે. તે પાનું કાંઈ સોનીથી થયું છે એમ નથી. અહાહા! દ્રષ્ટાંત પણ સમજવું કઠણ પડે એમ છે. સોનું વસ્તુ છે. એને ઘડતાં એમાંથી પાનું થાય છે. એ કાર્યનું કરણ-કારણ સોનું છે, સોની નહિ, કારણ કે કરણ અને કાર્ય અભિન્ન હોય છે. કરણ એક હોય અને કાર્ય એનાથી ભિન્ન હોય એમ બની શકે નહિ.
પ્રશ્નઃ– નિમિત્તથી કાર્ય થાય છે ને? નિમિત્ત સાધન હોય છે ને?
ઉત્તરઃ– અહીં તો નિમિત્તની વાત જ નથી લીધી. નિમિત્તનો અર્થ તો એ (નિમિત્ત) ‘છે’ બસ એટલો જ છે. બાકી એ કાંઈ સાધન છે એમ નથી. આકરી વાત, બાપુ! લીધું છે ને કે-‘બીજુ કાંઈ નથી.’ એનો અર્થ જ એ છે કે સોનાના પાનારૂપે થયું છે એ સોનું જ છે, તેને સોનીએ કર્યું છે એમ છે જ નહિ. સોનું એ કરણ છે અને જે પાનું થયું એ એનું કર્મ એટલે કાર્ય છે, કારણ કે કાર્ય અને કરણ બન્ને એક જ વસ્તુમાં હોય છે.