૧૭૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૩ છે એની ૯૩ પ્રકૃતિ છે. એમાં એક એવી પ્રકૃતિ છે કે જે પર્યાપ્તાદિને ઉપજાવે છે. એ જીવને ઉપજાવે છે એમ નથી. પંચાસ્તિકાયમાં આવે છે કે છ કાય તે જીવ નથી, પરંતુ એમાં જે જ્ઞાનમાત્ર સ્વરૂપ છે તે જીવ છે. અહીં કહે છે કે છ કાયના શરીરની ઉત્પત્તિ એ કાર્ય છે અને એ, કરણ એવા પુદ્ગલથી થયું છે. પર્યાપ્ત-અપર્યાપ્ત આદિ જીવસ્થાનના ભેદની ઉત્પત્તિરૂપ કાર્ય કરણ એવા પુદ્ગલથી થયું છે. બેસવું ભારે કઠણ પણ ભાઈ! ભગવાન આત્મા તો જ્ઞાનઘન ચૈતન્યબિંબ પ્રભુ છે. એમાંથી આ પર્યાપ્ત-અપર્યાપ્ત આદિ ભેદ કયાંથી રચાય?
પ્રશ્નઃ– આ શરીર સારું હોય તો ધર્મ થાય ને? કહ્યું છે ને કે ‘शरीरमाद्यम् खलु धर्मसाधनम्। ’
ઉત્તરઃ– ધૂળેય થતું નથી, સાંભળને ભાઈ! આ શરીર તો જડ-માટી-ધૂળ અજીવ છે. એનાથી વળી તારામાં શું કામ થાય? જડ અચેતનથી વળી ચેતનમાં શું કાર્ય થાય? અહીં એમ કહેવું છે કે જીવના જે પર્યાપ્ત, અપર્યાપ્ત, સૂક્ષ્મ, બાદર, ઇત્યાદિ જે ભેદ પડે છે તે નામકર્મની પ્રકૃતિને લઈને છે અને તે કર્મનું કાર્ય છે, આત્માનું નહિ. બહુ સૂક્ષ્મ વાત, ભાઈ.
ભગવાન! તું કોણ છો અને તારામાં શું કાર્ય થાય છે એની તને ખબર નથી. બહારની મોટપ આડે તને ભગવાન આત્માની મોટપ ભાસતી નથી. અનુકૂળ સંયોગો મળતાં, બહારની મોટપની તને અધિક્તા આવી ગઈ છે. પરંતુ ભાઈ, એથી તું દુઃખી થઈને મરી રહ્યો છે. બધાય ભેદથી અને રાગથી અધિક નામ જુદો ભગવાન આત્મા ચૈતન્યસ્વરૂપ મહાપ્રભુ છે. તેનું માહાત્મ્ય તને કેમ આવતું નથી? ભાઈ! પરનો મહિમા મટાડીને અનંત મહિમાવંત નિજ સ્વરૂપનો મહિમા કર. દયા, દાન, વ્રત, તપ, ઇત્યાદિ શુભભાવ કરે ત્યાં તો તને એમ થઈ જાય કે મેં ઘણું કર્યું, મને ધર્મ થઈ ગયો. પરંતુ જરાય ધર્મ થયો નથી. બાપુ! જરા સાંભળ. આ પૈસા, મકાન, આદિ જડ તો કયાંય ગયા, પણ એ પૈસાને રળવાનો અને રાખવાનો જે પાપભાવ થાય છે એ પાપભાવ પણ તું નથી. અરે, તેને દાનમાં ખર્ચવાનો જે શુભભાવ-રાગની મંદતાનો ભાવ થાય છે તે ભાવ પણ તું નથી. એ રાગ તારો નહિ અને તું એ રાગનો નહિ. એ રાગ પુદ્ગલનું કાર્ય છે, અને પુદ્ગલ એનું કારણ છે.
અહાહા! જૈન પરમેશ્વર એમ કહે છે કે કરણ અને કર્મ અર્થાત્ કારણ અને કાર્ય બન્ને એક જાતના અભિન્ન હોય છે. જેમ સોનું કારણ છે અને પાનું થવું એ એનું કાર્ય છે, સોનીનું એ કાર્ય નથી; તેમ રાગ છે એ પુદ્ગલનું કાર્ય છે, જીવનું નહિ. રાગનું કારણ પુદ્ગલ છે, ચૈતન્યમય જીવ નહિ. જગતથી તદ્ન જુદી વાત છે! ભગવાન! આ જે સોનાના અક્ષરો છે એનું કારણ સોનું છે અને જે અક્ષરો થયા છે એ સોનાનું કાર્ય છે,