Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 695 of 4199

 

સમયસાર ગાથા-૬પ-૬૬ ] [ ૧૭૭ સોનીનું કે કારીગરનું એ કાર્ય નથી. સર્વજ્ઞ પ્રભુનો માર્ગ બહુ ઝીણો છે, ભાઈ! અહીં તો સર્વજ્ઞદેવ એમ કહે છે કે પ્રભુ! તું સર્વજ્ઞસ્વભાવી આત્મા છો ને! એ સર્વજ્ઞસ્વભાવી આત્મા શું કાર્ય કરે? માત્ર જ્ઞાનનું કાર્ય કરે. સર્વજ્ઞસ્વભાવ કારણ થઈને વર્તમાન જાણવા-દેખવાના ભાવ કરે એ જીવનું-ચૈતન્યનું કાર્ય છે. દયા, દાન, ભક્તિ, આદિ રાગ છે એ તો અજીવ છે, એમાં ચૈતન્યનો અંશ નથી. માટે એ પુદ્ગલનું કાર્ય છે, ચૈતન્યમય જીવનું નહિ. પરમાત્માએ જીવ- અજીવનું આવું સ્વરૂપ કહ્યું છે.

ભાઈ! તું પરનું કાંઈ કરી શક્તો નથી. માત્ર રાગ કરે છે અને એ રાગનું કાર્ય પોતાનું-ચૈતન્યનું છે એમ માને છે. પરંતુ જે રાગનું કાર્ય ચૈતન્યનું છે એમ માને છે તે મૂઢ, મિથ્યાદ્રષ્ટિ છે. ચાર ગતિમાં રખડનારો છે.

પ્રશ્નઃ– કોઈનું કાંઈક સારું-ભલું કરવું એમ તો કહો?

ઉત્તરઃ– ભાઈ! સારું-ભલું કોને કહેવાય? ભગવાન તો, સર્વજ્ઞસ્વભાવી આત્મામાં નિર્મળ શ્રદ્ધા-જ્ઞાન-શાંતિ (ચારિત્ર)ના વીતરાગ પરિણામ થાય એને સારું કહે છે. વીતરાગસ્વરૂપ, અકષાયસ્વરૂપ જિનસ્વરૂપ ભગવાન આત્મા છે. તેની પર્યાયમાં અકષાયી પરિણામ થાય એ આત્માનું કાર્ય છે, આત્માનું ભલું એ કાર્ય અને એનું કારણ પોતે જ છે, અન્ય નહિ. અજ્ઞાની ભક્તિ આદિનો ભાવ જેને અહીં જડ પુદ્ગલમય કહ્યો છે તેને પોતાનું કાર્ય માને છે. પરંતુ એ માન્યતા મિથ્યાદર્શન છે અને એથી તે પોતાનું બુરું જ કરે છે.

આચાર્યદેવે શું સરસ દાખલો આપીને વાત કરી છે! સોનું કારણ અને તેનું પાનું થયું તે તેનું કાર્ય. કારણ કે સોનું (વસ્તુ) સ્વતંત્ર છે. માટે સોનું જ પલટીને-બદલીને પાનું થયું છે. કાંઈ સોની બદલીને પાનું થાય? (ના). તેવી જ રીતે જે ચોખા રંધાય છે તે ચોખા કારણ છે અને રંધાવું કાર્ય તે ચોખાનું છે. ચોખો જે ચઢે છે તે ચઢવાના કાર્યનો ર્ક્તા ચોખો જ છે. તે કાર્ય પાણી, સ્ત્રી, કે અગ્નિ આદિ બીજી ચીજનું નથી કેમકે કરણ અને કાર્ય બન્ને અભિન્ન હોય છે. ચોખા ચઢવાનું કાર્ય પાણી કે સ્ત્રી કરે છે એમ ત્રણકાળમાં નથી. ભાઈ! વીતરાગની વાણી લોકોને આશ્ચર્ય પમાડે એવી છે.

છ કાયની હું દયા પાળી શકું છું એમ માનનાર, હું ર્ક્તા અને જડનું કાર્ય એ મારું કર્મ છે એમ માનતો હોવાથી અજ્ઞાની છે. પણ તે કાર્યના કાળે, હું ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપ છું એવી જેને દ્રષ્ટિ થઈ છે તેવા જ્ઞાનીને જાણવાની દશા થાય છે. અને તે જાણવાની દશા એ જ્ઞાનીનું કાર્ય (કર્મ) છે. પરંતુ દયાનો ભાવ કે જડની ક્રિયા જ્ઞાનીનું કાર્ય નથી. ભાઈ! વસ્તુની સ્થિતિ જ આવી છે. એમાં કાંઈ પંડિતાઈ કામ કરે એમ નથી.