૧૭૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૩
પ્રશ્નઃ– પૈસાનું દાન તો આપી શકાય ને?
ઉત્તરઃ– કોણ આપે કે કોણ દે? ભાઈ! તને શું ખબર નથી કે કારણ અને કાર્ય જુદા ન હોય? કાર્યનું કારણ અને કારણનું કાર્ય સદાય એકમેક અભિન્ન જ હોય છે. આ જે પૈસા જવાની ક્રિયા થાય છે તેનું કારણ જડ રજકણો છે અને જે જવાની ક્રિયા છે તે જડ રજકણોનું કાર્ય છે, એ આત્માનું કાર્ય નથી.
પ્રશ્નઃ– પરંતુ એમાં આત્મા નિમિત્ત તો છે ને?
ઉત્તરઃ– નિમિત્ત નિમિત્તમાં છે. નિમિત્તથી એ કાર્ય થયું છે એમ નથી. જુઓને, શું કહ્યું છે? કે નિશ્ચયનયે એટલે કે સત્યદ્રષ્ટિએ એટલે કે સત્યને સત્ય તરીકે જાણવું હોય તો, કર્મ એટલે કાર્ય અને કરણ અર્થાત્ કારણ બન્ને એક હોય છે. અહા! નિમિત્તકારણની તો અહીં વાત જ કરી નથી. એની તો અહીં ઉપેક્ષા જ કરી છે.
જુઓ, આ લાકડી છે તે પુદ્ગલ છે અને એનું ઊંચું થવું એ તેનું કાર્ય છે. એ પુદ્ગલનું કાર્ય છે પરંતુ આંગળી જે નિમિત્ત છે એનું એ કાર્ય નથી. આંગળી તો જુદી-ભિન્ન ચીજ છે. ભાઈ! ગળે ઉતરવું કઠણ પડે એવી વાત છે કેમકે સત્ય કયારેય સાંભળ્યું નથી ને જે સાંભળ્યું છે તે બધોય કુધર્મ સાંભળ્યો છે અને અજ્ઞાની એમાં જ ધર્મ માનીને સંતોષ લે છે. અહીં તો ભગવાન કહે છે કે સમોસરણમાં ત્રણલોકના નાથનાં દર્શન થાય એવો જે શુભભાવ છે તે મારું ર્ક્તવ્ય છે એમ માનનાર મૂઢ મિથ્યાદ્રષ્ટિ છે. મહાવિદેહ ક્ષેત્રમાં સીમંધરાદિ વીસ તીર્થંકર- ભગવાન બિરાજે છે. તેમની પૂજાનો ભાવ આવે તે રાગ છે. એ રાગ આત્માનું કર્મ નથી. આવી વાત છે. ભાઈ! તું કયારે સમજીશ? આ સમજ્યા વિના અનાદિથી નરક અને નિગોદના ભવ કરી કરીને તું રખડી મર્યો છે. એ નિગોદમાં એક શ્વાસમાં અઢાર ભવ કર્યા છે. ભાઈ! તને તારા ભાન વિના આવા ભવ થયા છે. અહીં તો કહે છે કે નિશ્ચયથી ભવ અને ભવના ભાવ થવા એ તારું-ચૈતન્યમય જીવનું કાર્ય નથી. હવે પછી કલશમાં કહેશે કે એમાં તો પુદ્ગલ જ નાચે છે.
નિશ્ચય નામ સત્યદ્રષ્ટિએ અર્થાત્ વસ્તુનું જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપની દ્રષ્ટિએ જોઈએ તો કારણ અને કાર્ય બન્ને એકમેક છે.
પ્રશ્નઃ– એમાં નિમિત્તકારણ તો આવ્યું નહિ?
ઉત્તરઃ– ભાઈ! નિમિત્તનું કાર્ય અને નિમિત્તનું કરણ એનામાં (નિમિત્તમાં) છે.
પ્રશ્નઃ– પણ નિમિત્ત તો મેળવવું પડે ને?
ઉત્તરઃ– બાપુ! નિમિત્તને કોણ મેળવે? ભાઈ! તું તો ચૈતન્યસૂર્ય છો ને! તો એ ચૈતન્યસૂર્ય શું કરે? જે થાય તેને પોતાનામાં એટલે નિજ ચૈતન્યસ્વભાવમાં રહીને જાણે. આવું જે કોઈ માને તેનો સંસાર ટકી શકે જ નહિ.