સમયસાર ગાથા-૬પ-૬૬ ] [ ૧૭૯
પ્રશ્નઃ– તો પછી અમારે ધંધો-વેપાર કરવો કે નહિ?
ઉત્તરઃ– એ કરે છે જ કયાં? અજ્ઞાનથી એમ માને છે કે હું ધંધો-વેપાર કરી શકું છું. ધંધો-વેપાર કે તે સંબંધી જે પાપભાવ થાય તે તારું-આત્માનું કાર્ય જ નથી. પછી કરવું કે ન કરવું એ સવાલ જ કયાં રહ્યો? અહો! વીતરાગ પરમેશ્વરનો માર્ગ કોઈ અલૌકિક છે!
જેમ સુવર્ણનું પાનું સુવર્ણ વડે જ કરાતું હોવાથી સુવર્ણ જ છે, બીજું કાંઈ નહીં. બીજું કાંઈ નહિ એટલે કે તે સોની વગેરેનું નથી એમ અનેકાન્ત છે. તેમ આ બધા જીવસ્થાનના ભેદો નામકર્મની પ્રકૃતિ વડે કરાતા હોવાથી પુદ્ગલ જ છે, જીવ નથી. ભગવાન આત્મા તો જ્ઞાયકસ્વરૂપી ચૈતન્યમૂર્તિ પ્રભુ છે. તેના પરિણામ તો તેના આશ્રયે સમ્યક્દર્શન-જ્ઞાન-ચારિત્રના નિર્મળ પરિણામ થાય તે છે. અહા! મોક્ષનો માર્ગ તે કાર્ય અને ભગવાન આત્મા કારણ છે. તેમ વ્યવહારરત્નત્રયનો રાગ કાર્ય અને પુદ્ગલ તેનું કારણ છે, પણ જીવ નહીં. બાપુ! આ તો વીતરાગ પરમેશ્વરનો માર્ગ છે. આવી વાત બીજે કયાંય નથી.
આ પર્યાપ્ત, અપર્યાપ્ત આદિ જીવના જે ભેદો પડે છે તે બધાયનું કારણ નામકર્મની પ્રકૃતિ છે. એ ભેદો નામકર્મનું કાર્ય છે પણ ભગવાન આત્માનું-ચૈતન્યનું એ કર્મ નથી. જીવ માતાના ઉદરમાં આવ્યા પછી આહાર, શરીર, આદિ છ પર્યાપ્તિ બાંધે છે. અહીં કહે છે કે એ પર્યાપ્તિ આદિનું કાર્ય આત્માનું નથી પણ એ નામકર્મની પ્રકૃતિનું કાર્ય છે. સમ્યગ્દ્રષ્ટિ જીવ માતાના ઉદરમાં આવે છે ત્યારે તે એમ જાણે છે કે આ પર્યાપ્તિ બાંધવાનું કામ મારું નથી. મારું કાર્ય તો માત્ર જાણવાનું છે. અહા! હું ત્યાં પર્યાપ્તિમાં નથી અને જે વિકલ્પ થયો છે એમાં પણ હું નથી. એ વિકલ્પ પણ મારું કાર્ય નથી, પણ પુદ્ગલનું કાર્ય છે.
અને આ વાત તો આગમપ્રસિદ્ધ છે એમ કહે છે. અર્થાત્ સિદ્ધાંતમાં વીતરાગદેવે આમ જ કહ્યું છે. ત્રિલોકનાથ પરમેશ્વરે દિવ્યધ્વનિમાં જે કહ્યું છે એના પરથી આગમ-પરમાગમની રચના થઈ છે. તે સર્વજ્ઞદેવના કહેલા આગમમાં એમ કહ્યું છે કે નામકર્મને કારણે પર્યાપ્ત- અપર્યાપ્ત આદિ ભેદ છે. આત્માને લઈને એ ભેદ નથી. તથા અનુમાનથી પણ આમ જાણી શકાય છે. જડનાં કાર્ય જડને કારણે છે એમ અનુમાનથી પણ જાણી શકાય છે, કારણ કે પ્રત્યક્ષ દેખવામાં આવતા શરીરાદિ જે ભાવો છે તે મૂર્તિક છે અને તે મૂર્ત પુદ્ગલમય એવી કર્મપ્રકૃતિઓનું કાર્ય છે. જે મૂર્ત છે એનું કારણ મૂર્ત હોય એમ કહે છે. આવો ઉપદેશ કઠણ પડે, પણ ભાઈ! આ મનુષ્યપણું ચાલ્યું જાય છે, હોં! અને જો આ ભેદજ્ઞાનનું કામ મનુષ્યના અવતારમાં ન કર્યું તો ઢોરના અવતારમાં અને મનુષ્યના અવતારમાં ફેર શું રહ્યો? આવું દુર્લભ મનુષ્યપણું પામીને ભવના અભાવની વાત જાણ્યા વિના ભવના ભાવો કર્યા જ કરીશ તો અવતાર એળે જશે, ભાઈ!