૧૮૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૩
ભાઈ! અંદર તું અનંતગુણનો ભંડાર પૂર્ણાનંદનો નાથ પ્રભુ છો ને! પણ કેમ બેસે? કારણ કે અનાદિકાળથી એક સમયની પર્યાય ઉપર જ એની દ્રષ્ટિ પડી છે. એક સમયની દશાને જ એણે પોતાનું સ્વરૂપ માન્યું છે. પણ પર્યાય છે એ તારું તત્ત્વ નથી. પર્યાય આત્મા નથી. વ્યવહારનય ભલે એને આત્મા કહે, પણ નિશ્ચયથી ભગવાન પૂર્ણ-ચૈતન્યઘન, એકલા આનંદનું દળ, અનાકુળ શાંતિનો રસકંદ જે ત્રિકાળ ધ્રુવપણે છે તે આત્મા છે. અનાદિ-અનંત ધ્રુવ ચૈતન્યપણે ટક્તા તત્ત્વને ભગવાન આત્મા કહે છે. એની દ્રષ્ટિ કરવી એ સમ્યગ્દર્શન છે. ભાઈ! એની દ્રષ્ટિ કરવા માટે તારે નિમિત્ત પરથી, રાગ ઉપરથી અને ભેદના ભાવ ઉપરથી દ્રષ્ટિ ઉઠાવી લેવી પડશે. અંદરમાં એકમાત્ર અખંડ અભેદ એકરૂપ ચૈતન્યમૂર્તિ ચિદાકાર ભગવાન છે એની દ્રષ્ટિ કરવી એ સમ્યગ્દર્શન છે. ધર્મની શરૂઆત જ અહીંથી (સમ્યગ્દર્શનથી) થાય છે. ભાઈ! ચારિત્ર તો બહુ દૂરની વાત છે. અહાહા! દ્રષ્ટિમાં જે અભેદ ચિદાનંદમય ચીજ પ્રતીતિમાં આવી એમાં જ રમવું, ઠરવું, સ્થિત થઈ જવું એનું નામ ચારિત્ર છે. દેહની ક્રિયા કે વ્રતાદિના ક્રિયાકાંડ એ કાંઈ ચારિત્ર નથી. એ તો સૌ પુદ્ગલનાં કાર્ય છે અને પુદ્ગલ એમનું કારણ છે એમ અહીં કહે છે.
ત્રણલોકના નાથ તીર્થંકરદેવ પરમાત્મા શ્રી સીમંધર ભગવાન હમણાં મહાવિદેહમાં બિરાજે છે. તેમનું એક કરોડ પૂર્વનું આયુષ્ય છે અને પ૦૦ ધનુષ્યનો દેહ છે. લાખો જીવોની સભામાં તેઓ આ જ વાત ફરમાવે છે. સંવત ૪૯ માં શ્રી કુંદકુંદાચાર્યદેવ ત્યાં ગયા હતા અને આઠ દિવસ રહીને દિવ્યધ્વનિ સાંભળી હતી. તેઓ તો જ્ઞાની, ધર્મી અને નિર્મળ ચારિત્રવંત હતા. પોતાની પાત્રતાને લઈને વિશેષ નિર્મળતા થઈ હતી, ત્યાંથી ભરતક્ષેત્રમાં પાછા આવીને તેમણે આ શાસ્ત્રો રચ્યાં છે. બાપુ! માર્ગ તો આ જ છે, ભાઈ! સનાતન વીતરાગનો પંથ આ જ છે. બાકી બધા તો વાડા બાંધીને બેઠા છે અને પોતપોતાની માન્યતામાં જે આવ્યો તેને ધર્મ માને છે. પણ એ કાંઈ ધર્મ નથી. આકરી વાત છે, પણ શું થાય!
અહીં કહે છે કે વર્ણાદિકથી માંડીને ગુણસ્થાન સુધીના બધાય ભાવો, અરે ચોથું, પાંચમું અને તેરમા ગુણસ્થાન સુધીના બધા ભેદો પણ, પુદ્ગલના કારણે છે. અહાહા! ભગવાન આત્મા અનંતગુણધામ અનાદિ-અનંત સ્વસંવેદ્ય અવિચળ પ્રભુ છે. તે અતીન્દ્રિય આનંદ અને જ્ઞાનના વેદનથી જણાય એવી ચીજ છે, પણ ભેદના કે રાગના આશ્રયે જણાય એવી ચીજ નથી. મૂળ ચીજ જે અભેદ ચૈતન્યમય નિત્યાનંદ પ્રભુ છે તેની દ્રષ્ટિ થયા વિના કોઈને પણ ત્રણકાળમાં સમ્યગ્દર્શન થતું નથી. તથા જ્યાં સમ્યગ્દર્શન નથી ત્યાં સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્ર હોતાં નથી. વિના સમ્યગ્દર્શન જેટલા પણ વ્રત, તપાદિના શુભરાગના ક્રિયાકાંડ છે તે બધા થોથેથોથાં છે, એકડા વિનાનાં મીંડાં જેવા છે, વા વર વિનાની જાન જેવા છે. જેમ વર વિનાની જાન તે જાન નથી, તેમ ત્રિકાળી સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્માના