સમયસાર ગાથા-૬પ-૬૬ ] [ ૧૮પ આશ્રયે ઉત્પન્ન થતા સમ્યગ્દર્શન વિના વ્રત, તપ, દાન, ભક્તિના શુભભાવ એ ચારિત્ર નથી. ભાઈ! કરોડો રૂપિયા દાનમાં આપી મંદિર બંધાવે, ભગવાનની પ્રતિષ્ઠા કરાવે અને ભગવાનની પૂજા-ભક્તિ કરે, પણ એ બધો શુભભાવ રાગ છે, ચારિત્ર નથી. અહીં તો એને પુદ્ગલના કાર્યરૂપ કહ્યો છે.
ભગવાન! એકવાર સાંભળ. ભેદમાં અને રાગમાં તારો મહિમા નથી. ભગવાનની ભક્તિ-પૂજાના ભાવમાં તારો મહિમા નથી. હું ભગવાનનો મોટો ભક્ત, પૂજારી અને આરતી ઉતારનારો એમ તું તારો બહારથી મહિમા કરે, પણ ભાઈ! અંદર તારા આનંદના નાથનો મહિમા એથી મટી જાય છે એ તો જો. બહુ ઝીણી વાત, ભાઈ! અનંતકાળમાં ૮૪ના અવતાર કરતાં કરતાં હજી સુધી આ વાત સમજ્યો નથી. અનંતવાર કાગડા અને કૂતરાના ભવ કર્યા અને મનુષ્ય થઈ કદાચિત્ બહારથી સાધુ પણ થયો, પણ અંદર રાગની ક્રિયાથી જ ધર્મ માન્યો તેથી દ્રષ્ટિ મિથ્યા જ રહી અને તેના ફળમાં નરક-નિગોદના જ ભવ પ્રાપ્ત થયા. ભાઈ! એ રાગ અને ભેદના ભાવોથી ચિદાનંદ ભગવાન હાથ નહીં આવે. એ રંગથી માંડી ગુણસ્થાન પર્યંતના ર૯ બોલથી કહેલા સર્વ ભાવો ‘एकस्य हि पुद्गलस्य’ એક પુદ્ગલની જ રચના છે એમ કહ્યું છે.
પ્રશ્નઃ– આમાં એકાંત નથી થતું? પંચાસ્તિકાયની ૬૨મી ગાથામાં તો રાગ થાય છે તે પોતાથી જ થાય છે એમ આવે છે; તથા જયસેનાચાર્યની ટીકામાં તો એમ આવે છે કે જીવનું અશુદ્ધ ઉપાદાન અને કર્મ નિમિત્ત એમ બે કારણોથી રાગ થાય છે?
ઉત્તરઃ– પંચાસ્તિકાયની ૬૨મી ગાથામાં તો રાગની પર્યાયનું સ્વતંત્ર અસ્તિત્વ સિદ્ધ કર્યું છે. રાગ જીવની પર્યાયમાં થાય છે એ પર્યાયનું ત્યાં અસ્તિત્વ જણાવ્યું છે. તથા શ્રી જયસેનાચાર્યે ઉપાદાન-નિમિત્ત એમ જે બે કારણ કહ્યાં તે પ્રમાણજ્ઞાન કરાવવા કહ્યાં છે. જ્યારે અહીં તો સ્વભાવની દ્રષ્ટિની અપેક્ષાએ એ બન્ને વાતને બાજુએ મૂકીને વર્ણાદિ ભાવોને પુદ્ગલના કહ્યા છે. દ્રવ્યસ્વભાવ બતાવવો છે ને!
વળી જ્ઞાની ર્ક્તાનયની અપેક્ષાએ એમ જાણે છે કે જે રાગનું પરિણમન છે તે મારામાં છે, મારા કારણે છે. એ તો જ્ઞાન એમ જાણે છે કે મારી પર્યાયનું એટલું અસ્તિત્વ છે. પરંતુ એ ત્રિકાળી દ્રવ્યનું કાર્ય છે કે એ દ્રવ્યનું સ્વરૂપ છે એમ નથી. અહા! એક બાજુ આત્મા રાગનો અર્ક્તા છે એમ કહે અને વળી પાછું રાગનું પરિણમન છે તે પોતાનું છે એમ જ્ઞાની-સમક્તિી જાણે! કેવી વાત! વળી અહીં કહે છે કે રાગના જે પરિણામ છે તે પુદ્ગલની સાથે સંબંધ રાખે છે તેથી એકલા પુદ્ગલથી રચાયા છે. ભાઈ! જ્યાં જે અપેક્ષાથી કથન હોય ત્યાં તે અપેક્ષાથી સમજવું જોઈએ. જે અપેક્ષા હોય તેને ન સમજે અને એકાંત જ પકડીને બેસે તો સત્ય હાથ નહિ આવે, ભાઈ!