સમયસાર ગાથા-૬૭ ] [ ૧૯૭ ભગવાન આત્મા શુદ્ધ વિજ્ઞાનઘનસ્વરૂપ છે અને એને પર્યાયમાં રાગ સાથે એક સમય પૂરતો સંયોગ સંબંધ છે. પરંતુ આ સંબંધ ત્રિકાળી દ્રવ્યમાં નથી. ‘ઘીનો ઘડો’ કહેતાં જેમ ઘડો ઘીમય નથી, માટીમય જ છે તેમ ‘वर्णादिमत् जीव–जल्पने अपि’ ‘વર્ણાદિવાળો જીવ-રંગ-રાગવાળો જીવ એમ કહેવા છતાં પણ ‘जीवः न तन्मयः’ જીવ છે તે વર્ણાદિમય નથી-રંગ-રાગમય નથી, પણ જ્ઞાનઘન જ છે. જેમ ઘડો અને ઘી બે એક નથી, તદ્ન ભિન્ન છે, તેમ રાગ અને ભગવાન આત્મા તદ્ન ભિન્ન છે. રંગ-ગંધ આદિ જે ર૯ બોલ લીધા છે તે બધાયમાં જીવ તન્મય નથી.
પ્રવચનસારમાં કહ્યું છે કે શુભભાવ સાથે જીવ તન્મય છે અને અહીં કહે છે કે ‘जीवः न तन्मयः’ જીવ તન્મય નથી તો એ કેવી રીતે છે?
ભાઈ! એ તો પર્યાયમાં તન્મય છે એની વાત પ્રવચનસારમાં છે. રાગ પર્યાયમાં થાય છે, તે બીજે થાય છે કે અદ્ધરથી છે એમ નથી. રાગ જે થાય છે તે પર્યાયમાં નથી એમ નથી. ત્યાં તો એનું પરિણમન સિદ્ધ કરવું છે તેથી એમ કહ્યું છે કે શુભથી પરિણમતાં શુભ, અશુભે પરિણમતાં અશુભ અને શુદ્ધે પરિણમતાં શુદ્ધ આત્મા છે. ત્યારે અહીં કહે છે કે-પર્યાયમાં રાગ હો તો હો, પરંતુ દ્રવ્યના સ્વભાવમાં રાગ તન્મય નથી. અહાહા! જીવ છે તે રંગ-રાગમય નથી પણ શુદ્ધજ્ઞાનઘન જ છે.
ઘડો જેમ માટીમય જ છે, ‘માટીવાળો’ એમ પણ નહિ. ‘માટીમય’ જ છે, તેમ ભગવાન આત્મા જ્ઞાનમય-જ્ઞાનઘન જ છે. આત્મા જ્ઞાતાદ્રષ્ટાના સ્વભાવથી તન્મય છે, એકમેક છે, પણ રાગથી તન્મય નથી. તેવી રીતે જીવ, જીવસ્થાન, માર્ગણાસ્થાન, સંયમ-લબ્ધિસ્થાન આદિ ભેદોથી તન્મય નથી. અહાહા! ગજબ વાત છે! છેલ્લે ૬૮મી ગાથામાં કહેશે કે ગુણસ્થાનથી પણ તન્મય નથી. અહાહા! રંગ-રાગથી આત્મા તન્મય નથી એ તો ઠીક, પણ સંયમલબ્ધિનાં સ્થાન જે વિકાસરૂપ નિર્મળ ચારિત્રના ભેદરૂપ છે એનાથી પણ આત્મા તન્મય નથી. અભેદ વસ્તુમાં ભેદનો અંશ તન્મય થતો જ નથી. કષાયની મંદતાનાં વિશુદ્ધિસ્થાનો અસંખ્ય પ્રકારનાં છે. ભગવાન આત્મા તે પ્રશસ્ત શુભ રાગનાં સ્થાનોથી તન્મય નથી. અજ્ઞાનીએ શુભ રાગ વિનાનો આત્મા કદી જાણ્યો નથી. તેને કહે છે કે-‘શુભરાગવાળો જીવ છે તે જ્ઞાનમય છે.’ એમ કહીને જીવને યથાર્થ ઓળખાવ્યો છે. જેમ ઘડો માટીમય જ છે તેમ જીવ શુદ્ધજ્ઞાનઘન જ છે. આવી વાત છે.
ઘીથી ભરેલા ઘડાને વ્યવહારથી ‘ઘીનો ઘડો’ કહેવામાં આવે છે. છતાં નિશ્ચયથી ઘડો ઘી-સ્વરૂપ નથી. વ્યવહારથી કહેવાય છે એ તો કથનમાત્ર છે. વ્યવહારથી કહ્યો માટે ઘડો કાંઈ ઘીમય થતો નથી, પણ ઘડો તો માટીમય જ રહે છે. અહા! ઘી ઘી-રૂપ છે