૧૯૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૩ અને ઘડો માટીમય જ છે. તેવી રીતે વર્ણ, પર્યાપ્તિ, ઇન્દ્રિયો ઇત્યાદિ સાથે એકક્ષેત્રાવગાહરૂપ સંબંધવાળા જીવને સૂત્રમાં વ્યવહારથી ‘પંચેન્દ્રિય જીવ, પર્યાપ્ત જીવ, બાદર જીવ, દેવ જીવ, મનુષ્ય જીવ ‘ઇત્યાદિરૂપે કહેવામાં આવ્યો છે, છતાં નિશ્ચયથી જીવ તે-સ્વરૂપ નથી. દેવસ્વરૂપે, મનુષ્યસ્વરૂપે ખરેખર જીવ નથી. જીવનું એ વાસ્તવિક સ્વરૂપ નથી.
દેવગતિ કે જે ઉદયભાવ છે તે જીવ છે એમ વ્યવહારથી કહ્યું છે કારણ કે અજ્ઞાનીને તેની પ્રસિદ્ધિ છે. પરંતુ ‘આ દેવ જે જીવ છે તે જ્ઞાનમય છે, દેવમય નથી’ એમ અહીં કહે છે. આ દેવ-મનુષ્ય આદિ ગતિની અર્થાત્ ઉદયભાવની વાત છે, શરીરની નહિ. દેવ-મનુષ્ય આદિના શરીર સાથે તો જીવને કાંઈ સંબંધ નથી, એ તો પ્રત્યક્ષ જડ છે. એની વાત નથી. અંદર જે ગતિની યોગ્યતા દેવ-મનુષ્યાદિની છે તેને વ્યવહારથી આ દેવ જીવ, મનુષ્ય જીવ, એકેન્દ્રિય જીવ, દ્વિઇન્દ્રિય જીવ, પર્યાપ્ત જીવ, અપર્યાપ્ત જીવ ઇત્યાદિ જીવપણે કહેવામાં આવે છે. છતાં નિશ્ચયથી જીવ તે-સ્વરૂપ નથી. અરે, સંયમલબ્ધિસ્થાનના ભેદરૂપ પણ જ્ઞાયક નથી. જો તે લબ્ધિસ્થાનના ભેદથી તન્મય હોય તો કયારેય એનાથી ભિન્ન પડે નહિ. પરંતુ અનુભૂતિમાં તો એ ભેદ આવતા નથી, ભિન્ન રહે છે. માટે જીવ રાગ કે ભેદના સ્વરૂપે છે જ નહિ, એ તો એકમાત્ર શુદ્ધ વિજ્ઞાનઘન જ છે.
પ્રશ્નઃ– આ તો બહુ ઊંચી વાત છે.
ઉત્તરઃ– બાપુ! તારી મોટપ આગળ આ કાંઈ ઊંચી વાત નથી. ભાઈ! તારી મોટપની શી વાત કહેવી? સર્વજ્ઞદેવની વાણીમાં પણ તારું પૂરું સ્વરૂપ આવી શકયું નથી. આવો તું ભગવાન આત્મા અનંત જ્ઞાનમય, દર્શનમય, આનંદમય, વીતરાગતામય, સ્વચ્છતામય, પ્રભુતામય છે. એને વર્ણાદિના ભેદવાળો કહેવો એ વ્યવહાર છે, જૂઠી દ્રષ્ટિ છે. અહા! એક સમય માટે ભેદાદિપણે પર્યાય જણાય છે તોપણ ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય ભેદાદિપણે થયું જ નથી. આત્મા ત્રિકાળી જ્ઞાનમય ભૂતાર્થ વસ્તુ છે. એ રાગથી કદીય તન્મય થયો જ નથી, રાગથી સદા ભિન્ન જ છે, માટે ‘રાગવાળો જીવ’ એમ કહીને તેને ‘જ્ઞાનમય’ જણાવ્યો છે. આ જે દયા, દાન, વ્રત, ભક્તિ આદિ વિકલ્પ-રાગ છે એમાં ચૈતન્યપણું નથી અને એ પુદ્ગલના સંગે થયેલા ભાવો છે તેથી એને પુદ્ગલની જાતના ગણીને પુદ્ગલમય જ કહ્યા છે.
એક બાજુ પ્રવચનસારના જ્ઞેય અધિકારમાં રાગ નિશ્ચયથી જીવનો છે એમ કહ્યું છે અને અહીં એને પુદ્ગલમય કહ્યો છે. તો એ કેવી રીતે છે?
નિશ્ચયથી રાગ-મિથ્યાત્વ જીવના છે, કેમકે પર્યાયમાં સ્વ-આશ્રિત પોતાના ઊંધા પુરુષાર્થથી રાગ-મિથ્યાત્વ થયાં છે. તેથી સ્વાશ્રિત પરિણામને નિશ્ચય ગણીને તેને જીવના કહ્યા છે. ત્યાં પર્યાયની સ્વતંત્રતા-સ્વાયત્તતા સિદ્ધ કરવા એમ કહ્યું છે. જ્યારે અહીં દ્રવ્યસ્વભાવ સિદ્ધ કરવો છે. કારણ કે દ્રવ્યના સ્વભાવમાં રાગાદિ છે નહિ તેથી સ્વભાવની દ્રષ્ટિએ