સમયસાર ગાથા-૬૭ ] [ ૧૯૯ રાગાદિને પુદ્ગલના પરિણામ કહ્યા છે. જુઓ, ‘પુદ્ગલસ્વરૂપ’ છે, એમ સ્પષ્ટ લખ્યું છે. ભગવાન આત્મા વિજ્ઞાનઘનનો પિંડ પ્રભુ છે. એમાં રાગાદિ નથી અને રાગાદિ કરે એવી શક્તિ નથી. તેથી એ રાગાદિ સર્વ ભાવો અજીવ પુદ્ગલના જ છે એમ કહ્યું છે. ભાઈ આ કાંઈ વાદવિવાદે પાર પડે એમ નથી. જિનવાણીમાં તો વિવિધ અપેક્ષાથી કથન હોય છે તે યથાર્થ સમજવાં જોઈએ.
અહીં તો એમ કહ્યું છે કે-પુદ્ગલ જડ કર્મ છે તે કરણ-સાધન છે અને દયા, દાન, આદિ પુણ્યભાવ એ એનું કાર્ય છે. તેથી કોઈ એમ કહે કે જુઓ, નિમિત્તને લઈને રાગાદિ થયા કે નહિ? તો એમ નથી. ભગવાન! તું અપેક્ષા સમજ્યો નથી. ભાઈ! રાગાદિ થયા છે તો પોતાની પર્યાયના ઊંધા પુરુષાર્થથી, પણ તે સ્વભાવમાં નથી તથા નિમિત્તના લક્ષે થયા છે તેથી તેમને નિમિત્તમાં નાખ્યા છે. નિમિત્ત એક વ્યવહાર છે અને રાગાદિ અશુદ્ધતા પણ વ્યવહાર છે. તેથી બન્નેને એક ગણીને નિમિત્ત કરણ અને અશુદ્ધતા એ એનું કાર્ય એમ કહ્યું છે. આવી વાત યથાર્થ સમજે નહિ તો સત્ય કેમ મળે? ભાઈ! જીવ તો એને કહીએ જે ત્રિકાળ ધ્રુવ ચૈતન્યઘનસ્વરૂપ જ્ઞાનસ્વરૂપ જ છે.