Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 720 of 4199

 

૨૦૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૩

(शार्दूलविक्रीडित)
वर्णाद्यैः सहितस्तथा विरहितो द्वेधास्त्यजीवो यतो
नामूर्तत्वमुपास्य पश्यति जगज्जीवस्य तत्त्वं ततः।
इत्यालोच्य विवेचकैः समुचितं नाव्याप्यतिव्यापि वा
व्यक्तं व्यञ्जितजीवतत्त्वमचलं चैतन्यमालम्ब्यताम्।। ४२ ।।

_________________________________________________________________

શ્લોકાર્થઃ– [यतः अजीवः अस्ति द्वेधा] અજીવ બે પ્રકારે છે- [वर्णाद्येः सहितः]

વર્ણાદિસહિત [तथा विरहितः] અને વર્ણાદિરહિત; [ततः] માટે [अमूर्तत्वम् उपास्य] અમૂર્તપણાનો આશ્રય કરીને પણ (અર્થાત્ અમૂર્તપણાને જીવનું લક્ષણ માનીને પણ) [जीवस्य तत्त्वं] જીવના યથાર્થ સ્વરૂપને [जगत् न पश्यति] જગત દેખી શક્તું નથી;- [इति आलोच्य] આમ પરીક્ષા કરીને [विवेचकैः] ભેદજ્ઞાની પુરુષોએ [न अव्यापि अतिव्यापि वा] અવ્યાપ્તિ અને અતિવ્યાપ્તિ દૂષણોથી રહિત [चैतन्यम्] ચેતનપણાને જીવનું લક્ષણ કહ્યું છે [समुचितं] તે યોગ્ય છે. [व्यक्तं] તે ચૈતન્યલક્ષણ પ્રગટ છે, [व्यञ्जित–जीव–तत्त्वम्] તેણે જીવના યથાર્થ સ્વરૂપને પ્રગટ કર્યું છે અને [अचलं] તે અચળ છે-ચળાચળતા રહિત, સદા મોજૂદ છે. [आलम्ब्यताम्] જગત તેનું જ અવલંબન કરો! (તેનાથી યથાર્થ જીવનું ગ્રહણ થાય છે.)

ભાવાર્થઃ– નિશ્ચયથી વર્ણાદિભાવો-વર્ણાદિભાવોમાં રાગાદિભાવો આવી ગયા-જીવમાં

કદી વ્યાપતા નથી તેથી તેઓ નિશ્ચયથી જીવનાં લક્ષણ છે જ નહિ; વ્યવહારથી તેમને જીવનાં લક્ષણ માનતાં પણ અવ્યાપ્તિ નામનો દોષ આવે છે કારણ કે સિદ્ધ જીવોમાં તે ભાવો વ્યવહારથી પણ વ્યાપતા નથી. માટે વર્ણાદિભાવોનો આશ્રય કરવાથી જીવનું યથાર્થ સ્વરૂપ ઓળખાતું જ નથી.

અમૂર્તપણું જોકે સર્વ જીવોમાં વ્યાપે છે તોપણ તેને જીવનું લક્ષણ માનતાં અતિવ્યાપ્તિ નામનો દોષ આવે છે, કારણ કે પાંચ અજીવ દ્રવ્યોમાંના એક પુદ્ગલદ્રવ્ય સિવાય ધર્મ, અધર્મ, આકાશ અને કાળ-એ ચાર દ્રવ્યો અમૂર્ત હોવાથી, અમૂર્તપણું જીવમાં વ્યાપે છે તેમ જ ચાર અજીવ દ્રવ્યોમાં પણ વ્યાપે છે; એ રીતે અતિવ્યાપ્તિ દોષ આવે છે. માટે અમૂર્તપણાનો આશ્રય કરવાથી પણ જીવનું યથાર્થ સ્વરૂપ ગ્રહણ થતું નથી.

ચૈતન્યલક્ષણ સર્વ જીવોમાં વ્યાપતું હોવાથી અવ્યાપ્તિદોષથી રહિત છે, અને જીવ સિવાય કોઈ દ્રવ્યમાં નહિ વ્યાપતું હોવાથી અતિવ્યાપ્તિદોષથી રહિત છે; વળી તે પ્રગટે છે; તેથી તેનો જ આશ્રય કરવાથી જીવના યથાર્થ સ્વરૂપનું ગ્રહણ થઈ શકે છે. ૪૨.

હવે, ‘જો આવા લક્ષણ વડે જીવ પ્રગટ છે તોપણ અજ્ઞાની લોકોને તેનું અજ્ઞાન કેમ રહે છે?’-એમ આચાર્ય આશ્ચર્ય તથા ખેદ બતાવે છેઃ-