૨૧૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૩ છે, તેઓ અનુભવમાં આવતા નથી, એ ત્રીજી વાત. માટે તેઓ સદાય અચેતન પુદ્ગલ જ છે એમ સિદ્ધ થાય છે. ગંભીર તત્ત્વ છે, ભાઈ! ધીરેથી, શાંતિથી એને સમજવું જોઈએ.
અહા! વિશુદ્ધિસ્થાન એટલે કે અસંખ્ય પ્રકારના જે પ્રશસ્ત શુભભાવ છે તે પુદ્ગલના વિપાકપૂર્વક થયા હોવાથી, જવના કારણથી જેમ જવ જ થાય છે તેમ, પુદ્ગલ જ છે. આગમ પણ શુભભાવને પુદ્ગલ જ કહે છે. અને ચૈતન્યસ્વભાવથી વ્યાપ્ત ભગવાન આત્માનો અનુભવ કરનારને શુભભાવ પોતાથી ભિન્ન જ ભાસે છે અર્થાત્ અનુભૂતિમાં એ શુભભાવ આવતા નથી, ભિન્ન જ રહી જાય છે. માટે શુભભાવ પુદ્ગલ જ છે એમ સિદ્ધ થાય છે. થોડામાં પણ ઘણું કહ્યું છે. અહો! શ્રી કુંદકુંદાચાર્યે અને શ્રી અમૃતચંદ્રાચાર્યે જૈનધર્મનો ધોધ વહેવડાવ્યો છે! કહે છે કે શુભભાવનો રાગ એ કાંઈ જૈનધર્મ નથી, જૈનધર્મ તો એક વીતરાગભાવ જ છે. વીતરાગી પરિણતિ એ જૈનધર્મ છે, પરંતુ વીતરાગી પરિણતિની સાથે ધર્મીને જે શુભભાવનો રાગ છે એ પુદ્ગલ છે કેમકે એ પુદ્ગલના વિપાકપૂર્વક થાય છે. વસ્તુ આત્મા તો સ્વભાવથી શુદ્ધ ચૈતન્યમય છે. એમાં રાગ નથી તો એનું કાર્ય કેમ હોય? (ન જ હોય). તેથી તે રાગનું કાર્ય પુદ્ગલના વિપાકપૂર્વક થયું હોવાથી પુદ્ગલનું જ છે એમ કહ્યું છે.
પ્રશ્નઃ– રાગ તો આત્માની વ્યાપ્ય અવસ્થા છે ને? વ્યાપક આત્માની રાગ વ્યાપ્ય અવસ્થા છે ને?
ઉત્તરઃ– ભાઈ! અહીં ચૈતન્યસ્વભાવી આત્માની દ્રષ્ટિ કરાવવી છે, તેથી પુદ્ગલકર્મના વિપાકપૂર્વક થતો હોવાથી રાગને પુદ્ગલ જ કહ્યો છે, કેમકે પુદ્ગલ કારણ થઈને જે થાય તે પુદ્ગલ હોય છે. આગમ-સિદ્ધાંત પણ એને પુદ્ગલ કહે છે. તથા ચૈતન્યસ્વભાવી આત્માનો અનુભવ કરનાર જ્ઞાનીને રાગ સ્વયં ભિન્નપણે જણાય છે. જ્ઞાનની પર્યાય અંતરમાં વળતાં એટલે કે ચૈતન્યસ્વભાવી આત્માનો અનુભવ થતાં, એમાં રાગનો અનુભવ આવતો નથી પણ તે ભિન્નપણે સ્વયં ઉપલભ્યમાન છે. એટલે શું કહ્યું? કે અનુભવ થતાં, રાગ કે જે પુદ્ગલ છે તે જ્ઞાનમાં સ્વતઃ ભિન્નપણે જણાઈ જાય છે. બહુ સૂક્ષ્મ વાત, ભાઈ! વસ્તુની સ્થિતિ જ આવી સૂક્ષ્મ છે.
આ રીતે તેમનું-ગુણસ્થાન આદિનું સદાય અચેતનપણું સિદ્ધ થાય છે. એટલે કે ચૈતન્યસ્વભાવથી વ્યાપ્ત ભગવાન આત્માનો અનુભવ કરતાં તેઓ ભિન્ન રહી જાય છે, અનુભૂતિમાં આવતા નથી માટે તેઓ સદાય અચેતન જ છે એમ સિદ્ધ થાય છે. અનુભવ છે એ શુદ્ધ જ્ઞાન-દર્શનના પરિણામ છે. એ અનુભવમાં, આ ભગવાનની સ્તુતિ, વંદના, ભક્તિ અને પ્રભાવનાનો રાગ ઇત્યાદિ બધી હા-હો આવતાં નથી પણ ભિન્ન રહી જાય છે તેથી તે પુદ્ગલના જ પરિણામ છે. આવી વાત છે, ભાઈ!
પ્રશ્નઃ– તો બહારમાં ધર્મનો પ્રચાર કરવો કે નહિ?