સમયનું (આત્માનું) એકપણું ઊભું છે, છતાં તે એકપણામાં ઊભા ન રહેતાં (તેમાં સન્મુખ ન થતાં) કર્મના પ્રદેશમાં સ્થિત થાય છે એટલે કે રાગદ્વેષમાં એકપણું કરે છે તે પરસમયપણું છે, અને તે જ વિસંવાદ છે, દુઃખ છે, અનંત સંસારનું મૂળ છે. ભાઈ! એ દુઃખના ઘેરાવામાં ઘેરાવાનું છે. ભલે એમ માને કે અમે સુખી છીએ, પણ એ તો તેનો મૂઢભાવ છે.
સ્વસમયપણે પરિણમે એ તો સુંદર છે. પણ એના ઠેકાણે પરસમયપણે પરિણમન થયું ત્યાં જ એકમાં બીજી વાત ઊભી થઈ. એક જીવ નામનો સમય, તેને સ્વસમયરૂપ-પરસમયરૂપ દ્વિવિધપણું કેમ હોય? ન જ હોય. બેપણું અનાદિથી પોતે ઊભું કર્યું છે. પોતાના આત્માને છોડીને, શુભરાગ કે અશુભરાગ સાથે એકત્વપણું કર્યું એ બેપણું છે. એ પરસમય છે અને પોતાના શુદ્ધ આત્મા સાથે એકત્વપણે નિર્મળ પરિણમે તે સ્વસમય છે, તે સુંદર છે.
જગતમાં બધા પદાર્થો ભિન્ન ભિન્નપણે પોતાના સ્વરૂપે રહ્યા છે. ત્યારે ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ શુદ્ધ છે તેને વળી આ બંધપણું શું? માટે (ખરેખર તો) સમયનું એકપણું હોવું જ સિદ્ધ થાય છે. રાગપણે પરિણમવું અને એમાં ટકવું એવું જે પરસમયપણું એ વિસંવાદ છે, ઝઘડો છે. તેમાં જીવની શોભા, સુંદરતા નથી.
નિશ્ચયથી સર્વ પદાર્થો પોતપોતાના સ્વભાવમાં સ્થિત રહ્યે જ શોભા પામે છે. પરંતુ જીવ નામના પદાર્થની અનાદિ કાળથી પુદ્ગલકર્મ સાથે નિમિત્તરૂપ બંધઅવસ્થા છે. બીજી ચીજ સાથે નિમિત્તરૂપે અવસ્થા થવી તે બંધઅવસ્થા છે. તે બંધઅવસ્થાથી જીવમાં વિસંવાદ ખડો થાય છે, અસત્યાર્થપણું ઉત્પન્ન થાય છે. આત્માને રાગ સાથે એકત્વ થતાં, આત્માનું એકપણું કે સુખપણું ઉત્પન્ન થતું નથી; પણ દુઃખપણું ઉત્પન્ન થાય છે. તેથી તે શોભા પામતું નથી. માટે વાસ્તવિકપણે વિચારવામાં આવે તો એકપણું જ સુંદર છે, એકમાં એકત્વ થવું એ જ સુંદર છે. ધ્રુવસ્વરૂપ ભગવાન આત્મા-એમાં પર્યાયને વાળતાં આનંદની દશા ઉત્પન્ન થાય છે તે આત્માની શોભા છે. એથી ઊલટું રાગમાં એકત્વ થવું તે આત્માની અશોભા અને દુઃખરૂપ દશા છે.