Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 72 of 4199

 

ભાગ-૧ ] ૬પ

હોવા છતાં ગુણ ગુણપણે ત્રિકાળ કાયમ રહે છે તેથી તે અવિરુદ્ધ છે. આવું વિરુદ્ધ- અવિરુદ્ધ વસ્તુનું સ્વરૂપ જ છે.

આત્મામાં વિરુદ્ધધર્મત્વ નામની એક શક્તિ છે. આ ત્રિકાળ શક્તિની વાત છે જે વડે આત્મામાં તદ્રૂપમયપણું અને અતદ્રૂપમયપણું હોય છે. એટલે કે આત્મા સ્વપણાને છોડે નહીં અને પરપણાને ગ્રહે નહીં એવી શક્તિ છે. પણ અહીં તે વાત નથી.

અહીં તો એક સમયમાં પર્યાયમાં જે ઉત્પાદ-વ્યય છે તે પરસ્પર વિરુદ્ધભાવ છે એમ કહ્યું છે. અને ગુણ કાયમ રહે તે અવિરુદ્ધભાવ છે. આમ વિરુદ્ધ અને અવિરુદ્ધ કાર્ય એટલે અનંત દ્રવ્યોના ઉત્પાદ-વ્યયરૂપ વિરુદ્ધભાવ અને ગુણરૂપ અવિરુદ્ધભાવ; એ બન્નેના હેતુપણાથી તેઓ હંમેશા વિશ્વને ઉપકાર કરે છે. એટલે કે દ્રવ્યના ગુણપર્યાયરૂપ સ્વરૂપવડે વિશ્વના સમસ્ત પદાર્થો જેમ છે તેમ ટકી રહે છે. અહા! વિશ્વમાં અનાદિથી દરેક વસ્તુ એમ ને એમ ટકી રહી છે. ‘ઉત્પાદવ્યયધ્રુવયુક્તં સત્’ તે સત્ અનાદિથી એમ ને એમ ટકી રહ્યું છે. (ઉત્પાદવ્યયરૂપ પર્યાયથી સમયે સમયે બદલતા સમસ્ત પદાર્થો પોતાના સ્વરૂપે ટકી રહ્યા છે).

આ પ્રમાણે સર્વ પદાર્થોનું ભિન્ન ભિન્ન એકપણું સિદ્ધ થવાથી જીવ નામના સમયને બંધની કથાથી વિસંવાદની આપત્તિ આવે છે. હવે અહીં જીવની વિશેષ વાત કરે છે. જીવ નામના સમયને કર્મના નિમિત્તથી વિભાવભાવરૂપ બંધભાવથી વિસંવાદ ખડો થાય છે, આપત્તિ આવી પડે છે. એકડે એક અને બગડે બે. બે થયા એટલે બગડયું. બે થયા ત્યાં બંધ થયો. એક સ્વભાવભાવ અને એક વિભાવભાવ એમ બે થયા એ બંધકથાથી-બંધભાવથી વિસંવાદની આપત્તિ આવે છે. બંધ જેનું મૂળ છે એવું જે પુદ્ગલકર્મના પ્રદેશોમાં સ્થિત થવું એટલે કે વિભાવ-રાગદ્વેષ-તેમાં સ્થિત થવું તે પરસમયપણું છે. એક સમયમાં આત્મામાં વિભાવનું ઉત્પન્ન થવું તે પરસમયપણું છે. જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્માને સ્વભાવથી વિરુદ્ધ રાગનું ઉત્પન્ન થવું તે દ્વિવિધપણું છે. આનંદસ્વરૂપ ભગવાન આત્મા વિભાવમાં આવી પડે તે દુઃખરૂપ છે, તેથી તે સુંદર નથી. શોભાસ્પદ નથી.

ભગવાને આ જગતમાં છ દ્રવ્યો જોયાં છે. તે છયે દ્રવ્યો પોતપોતામાં છે; પણ જીવ નામના સમયને બંધકથાથી જ એટલે કે કર્મના -નિમિત્તના સંબંધના ભાવથી જ અર્થાત્ દુઃખરૂપ ભાવથી હોવાથી વિસંવાદ આવે છે, એટલે કે અસત્યપણું ઊભું થાય છે.

આત્મા જ્ઞાનાનંદ સ્વરૂપ સમય છે. તેને કર્મના નિમિત્તના સંબંધની અપેક્ષા આવતાં પરિણમનમાં વિકાર ઉત્પન્ન થાય છે- એ જ વિસંવાદ છે અને દુઃખ ઉત્પન્ન કરનાર છે.