Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 742 of 4199

 

૨૨૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૩ છતાં આત્મવસ્તુ તે કાળે રાગરૂપ થઈ જતી નથી. રાગના કાળે આત્મવસ્તુ ગુપ્ત છે, પણ રાગરૂપ થઈ જતી નથી. તથા જ્યારે સ્વસંવેદનજ્ઞાનની નિર્મળ પરિણતિ દ્વારા તે જણાય છે ત્યારે તે પ્રત્યક્ષ જ છે એમ જણાય છે. આવું સ્વરૂપ છે, ભાઈ! તો આવો આત્મા શું જિનદેવનો હશે! ભાઈ, જિનદેવનો એટલે જિનસ્વરૂપી એવા આ ભગવાન આત્માનો. અહાહા! બધાય આત્મા નિશ્ચયે આવા છે. સમયસાર નાટકમાં અંતિમ પ્રશસ્તિમાં ૩૧મા છંદમાં બનારસીદાસે કહ્યું છે ને કે-

“ઘટ ઘટ અંતર જિન બસૈ, ઘટ ઘટ અંતર જૈન;
મત-મદિરાકે પાનસૌં, મતવાલા સમુઝૈ ન.”

ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્માનું આવું સ્વરૂપ છે કે જે પ્રગટ છે, ઢંકાયેલું નથી. અજ્ઞાનદશામાં તે ગુપ્ત હતું પણ હવે તે જ્ઞાનદશામાં પ્રગટ થઈ ગયું છે એમ કહે છે. દયા, દાન, વ્રત, ભક્તિ આદિના રાગની પરિણતિમાં તો તે ચૈતન્યવસ્તુ ગુપ્ત હતી, પણ હવે સ્વ- પરિણતિના વેદનથી તે પ્રત્યક્ષ-પ્રગટ થઈ છે. બહુ ટૂંકા શબ્દોમાં આત્માને પ્રસિદ્ધ કર્યો છે. ટીકાનું નામ પણ આત્મખ્યાતિ છે ને! ભગવાન આત્મા ચૈતન્યસ્વભાવમય વસ્તુ છે. તે સ્વસંવેદ્ય છે. કજાત એવા રાગાદિ વડે તે જણાય એમ નથી, કેમકે રાગાદિ ભાવ ચૈતન્યના- આત્માના નથી, પણ પુદ્ગલના છે. દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ હો તો પણ તેમાં ચૈતન્યનો અંશ નથી તેથી કજાત છે, પુદ્ગલમય છે. તેથી રાગાદિ વડે આત્મા જણાય એવો નથી. છતાં ચૈતન્યસ્વભાવ તો ત્રિકાળ જેવો છે તેવો જ છે. રાગકાળે પણ તેવો જ છે. પરંતુ તેને જાણવાના કાળે-સ્વસંવેદનના કાળે તે જેવો છે તેવો પ્રત્યક્ષ અને પ્રગટ થાય છે એમ કહે છે.

અહાહા! આ તો કળશ ચઢાવ્યો છે કળશ! જેમ મંદિર બનાવીને એના ઉપર કાટ વિનાનો સોનાનો કળશ ચઢાવે છે, તેમ રાગ વિનાનો ચૈતન્ય-ચમત્કારસ્વરૂપ ભગવાન આત્મા નિર્મળ પરિણતિ દ્વારા-શુદ્ધ રત્નત્રય દ્વારા જણાય છે ત્યારે તે પ્રત્યક્ષ-પ્રગટ છે એમ જણાય છે- આમ ટીકા ઉપર કળશ ચઢાવ્યો છે. અરે, ભાઈ! જરા પુરુષાર્થ કરીને મતિ-શ્રુતજ્ઞાનના ઉપયોગને સૂક્ષ્મ કર તો ચૈતન્યતત્ત્વ મળે એવું છે. જ્ઞાનનો ઉપયોગ નિજ ચૈતન્યમાં જોડવો તે સૂક્ષ્મ ઉપયોગ છે. એ સૂક્ષ્મ ઉપયોગ વડે વસ્તુ પ્રગટ છે એમ ભાન થાય છે. સ્થૂળ રાગના ઉપયોગથી ચૈતન્યવસ્તુ નહિ મળે, ભાઈ! કેમકે એ સ્થૂળ ઉપયોગની પર્યાય પુદ્ગલની છે. અહા! આવી વાત લોકોને એકાંત લાગે, પણ ભાઈ! માર્ગ આ જ છે, બાપુ! આ સમ્યક્ એકાંત જ છે.

શ્રીમદ્ રાજચંદ્રે પણ કહ્યું છે કે-‘અનેકાન્ત પણ સમ્યક્ એકાન્ત એવા નિજપદની પ્રાપ્તિ સિવાય અન્ય હેતુએ ઉપકારી નથી.’ સમ્યક્ એકાન્તનું (શુદ્ધ ચૈતન્યમય આત્માનું) ભાન જ્યારે થાય છે ત્યારે પર્યાય અને રાગનું જ્ઞાન થાય છે-હોય છે, અને તેને અનેકાન્તનું