સમયસાર ગાથા-૬૮ ] [ ૨૨૩ રાગના પ્રેમમાં અજ્ઞાનીએ ચૈતન્યસ્વભાવી આત્માને મરણતુલ્ય કરી નાખ્યો છે. પરંતુ પોતાની નિર્મળ પરિણતિ દ્વારા જ્યારે તે જાણવામાં આવે ત્યારે તે જીવતી જ્યોત પ્રગટ જ છે-એમ કહે છે, આવી વાત છે જૈનદર્શનની! અહો! જૈનદર્શન અલૌકિક છે! જૈનધર્મ એટલે શું? જૈનધર્મ અનુભૂતિસ્વરૂપ એટલે કે વીતરાગતાસ્વરૂપ છે. અહાહા! જૈન એને કહેવાય કે જેણે રાગને જીત્યો છે અને પર્યાયમાં વીતરાગતા પ્રગટ કરી છે. આવો જૈનધર્મ! પણ આવ્યો વાણિયાને હાથ, વાણિયા વેપારમાં કુશળ એટલે બસ ધંધામાં જ ગરી ગયા. બિચારાઓને સમજવાની ફુરસદ નહિ, એટલે આ કર્યું અને તે કર્યું-એમ બહારની ક્રિયાઓ કરી; પણ ભાઈ! એ બધી અજ્ઞાનની હોળી છે.
રંગ-રાગ અને ભેદના ભાવો તો પુદ્ગલ છે. તો એ સર્વથી ભિન્ન ભગવાન આત્મા કેવો છે? તો કહે છે ‘इदं चैतन्यम्’ આ એટલે આ પ્રગટ ચૈતન્યસ્વભાવમય જ આત્મા છે. અહાહા! ભગવાન આત્મા એકલા ચૈતન્યસ્વભાવથી ભરેલો છે. અર્થાત્ ચૈતન્યસ્વભાવ એ જ આત્મા છે. આ (૬૮ મી) ગાથાની ટીકામાં આવે છે કે ચૈતન્યસ્વભાવથી વ્યાપ્ત આત્મા છે. આત્મામાં ચૈતન્યસ્વભાવ વ્યાપ્ત છે એમ ન કહેતાં ચૈતન્યસ્વભાવથી વ્યાપ્ત આત્મા છે એમ કહી શું સિદ્ધ કરવું છે? એ કે ચૈતન્યસ્વભાવ ત્રિકાળ કાયમ રહેલો છે અને એ વ્યાપક છે અને આત્મા એનું વ્યાપ્ય છે. મોક્ષ અધિકારની ગાથા ર૯૮-ર૯૯ ની ટીકામાં પણ આવે છે કે ચેતનાથી વ્યાપ્ત આત્મા છે, અર્થાત્ ચેતના વ્યાપક અને ચેતન આત્મા એનું વ્યાપ્ય છે, આથી ચૈતન્યસ્વભાવ કાયમી છે એમ સિદ્ધ કર્યું છે.
આત્મા રંગ-રાગ-ભેદથી વ્યાપ્ત નથી, ભિન્ન છે, તો તે શું છે? તો કહે છે કે ચૈતન્યસ્વભાવથી વ્યાપ્ત આત્મા છે. આવો ચૈતન્યસ્વભાવ સદાય પ્રગટ છે, સ્ફુટ છે, પ્રત્યક્ષ છે. અહાહા! શુદ્ધ ચૈતન્યની પરિણતિથી જણાય એવો તે વર્તમાનમાં પ્રત્યક્ષ છે. મતિ-શ્રુતજ્ઞાનની પર્યાયમાં એ જણાય એવો વર્તમાનમાં પ્રત્યક્ષ, પ્રગટપણે બિરાજમાન છે. રાગની અપેક્ષાએ તે ચૈતન્યસ્વરૂપ આત્મા ગુપ્ત છે, ઢંકાયેલો છે, કેમકે રાગમાં તે આવતો નથી, જણાતો નથી. પરંતુ નિર્મળ પરિણતિ દ્વારા તે સ્ફુટ-પ્રગટ જ છે, છૂપાયેલો નથી. શું કહ્યું? કે દયા, દાન, વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિના વિકલ્પકાળે વસ્તુ પ્રસિદ્ધ નથી, ગુપ્ત છે કેમકે એ વિકલ્પોમાં વસ્તુ આવતી નથી. વસ્તુ તો નિર્વિકલ્પ ચૈતન્યમય શુદ્ધ છે, અને તે શુદ્ધ પરિણતિની અપેક્ષાએ પ્રગટ-પ્રત્યક્ષ જ છે. ચૈતન્યતત્ત્વ નિર્મળ પરિણતિથી પ્રસિદ્ધ-પ્રગટ જ છે. અહા! શૈલી તો જુઓ! કેવી સ્પષ્ટ વાત છે!
જુઓ, આ આત્મા ચૈતન્યની નિર્મળ પરિણતિ દ્વારા જણાય છે અને તે જણાય છે ત્યારે તે પ્રત્યક્ષ છે, પ્રગટ છે એમ જણાય છે. તે પરોક્ષ છે, અપ્રગટ છે-એ તો જે રાગની રમતમાં (પ્રેમમાં) બેઠો છે એને માટે છે. જે વ્યવહારરત્નત્રયની રમતમાં (પ્રેમમાં) પડયો છે તેને તો ભગવાન આત્મા અપ્રત્યક્ષ-ગુપ્ત છે, કેમકે તેને એ જણાતો જ નથી.