૨૨૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૩ ચકચકાટ પ્રકાશી રહ્યું છે. જેમ સૂર્ય જાજ્વલ્યમાન પ્રકાશે છે તેમ આ ભગવાન આત્મા ચૈતન્યના પ્રકાશ વડે અતિશયપણે ચકચકાટ પ્રકાશી રહ્યો છે.
પ્રશ્નઃ– તો એ દેખાતો તો નથી?
ઉત્તરઃ– ભાઈ! રાગના અંધારામાં એ તને દેખાતો નથી. રાગનાં અંધારાં તો અચેતન છે. દયા, દાન, વ્રત, ભક્તિ-ઇત્યાદિ જે રાગ છે એ તો અંધારું છે. એ અંધારામાં ચૈતન્ય કેમ દેખાય? અચેતનમાં ચૈતન્ય કેમ જણાય? એ તો ચકચકાટ જ્ઞાનસ્વભાવની વીતરાગી પરિણતિ દ્વારા જણાય છે. અને ત્યારે વ્યવહાર-રાગનું પણ જ્ઞાન થાય છે. આવો વીતરાગનો માર્ગ યથાર્થ સમજ્યા વિના લોકો બિચારા કંઈકનું કંઈક માનીને, કંઈકનું કંઈક કરીને જીવન અફળ કરીને સંસારમાં-અનંતકાળની રખડપટ્ટીમાં ચાલ્યા જાય છે!
ચકચકાટ પ્રકાશી રહ્યું છે એ ચૈતન્ય ‘स्वयं जीवः’ સ્વયં જીવ છે. જેમ રંગ-રાગ અને ભેદને પુદ્ગલ સિદ્ધ કર્યા તેમ અતિશય ચકચકાટ પ્રકાશી રહેલું આ ચૈતન્ય છે તે સ્વયં જીવ છે એમ સિદ્ધ કરે છે. એકલો ચૈતન્યસ્વભાવ અહીં સિદ્ધ નથી કરવો, જીવ સિદ્ધ કરવો છે. એટલે કહે છે કે અનાદિ, અનંત, ચળાચળતારહિત, સ્વસંવેદ્ય, પ્રગટ અને બહુ ઊંચેથી અત્યંતપણે ચકચકાટ પ્રકાશી રહેલી આ ચૈતન્યસ્વભાવમય વસ્તુ છે તે સ્વયં જીવ છે. લોકો તો ચાલે તે ત્રસજીવ અને સ્થિર રહે તે સ્થાવર જીવ એમ માને છે. અરે ભગવાન! જીવની એ વ્યાખ્યા જ ખોટી છે. પ્રભુ! તું ત્રસેય નથી અને સ્થાવરેય નથી. તું રાગીય નથી અને દ્વેષીય નથી. તું પુણ્યવાળો કે પાપવાળો, કર્મવાળો કે શરીરવાળો એ કાંઈ તું નથી. તો તું છો કોણ? પ્રભુ! કે હું તો ચૈતન્યસ્વભાવી જીવ છું આમ જ્યારે અંદર પ્રતીતિમાં આવે અને જ્ઞાનમાં જણાય ત્યારે જીવને યથાર્થ માન્યો અને જાણ્યો કહેવાય. નવતત્ત્વમાં ભિન્નપણે રહેલા આત્માને ત્યારે જાણ્યો કહેવાય.
નવતત્ત્વમાં અજીવ તત્ત્વ તો ભિન્ન છે. પુણ્ય, પાપ, આસ્રવ અને બંધ તત્ત્વ પણ ભિન્ન છે. જ્યારે જીવ બીજા તત્ત્વોથી ભિન્ન છે તો તે કેવો છે? કે એ તો ચૈતન્યસ્વભાવમય સ્વયં જીવ છે. આ (શુદ્ધ જીવ) સમ્યગ્દર્શનનો વિષય છે. આવો ચૈતન્યસ્વભાવી જીવ જ્યારે સ્વસંવેદન જ્ઞાનમાં જણાય ત્યારે રાગાદિ ભાવો વ્યવહારે જાણેલા પ્રયોજનવાન છે-જે વાત બારમી ગાથામાં લીધેલી છે.
આ અતિશયપણે ચકચકાટ પ્રકાશમાન વસ્તુ સ્વયં જીવ છે, જાણે જગતનો સૂર્ય. સ્વયં પ્રકાશે અને બીજી ચીજને પણ ‘છે’ એમ પ્રકાશે છે. ધર્માસ્તિ, અધર્માસ્તિ ઈત્યાદિ ‘છે’,રાગાદિ ‘છે’-એમ સર્વને છેપણે આ ભગવાન ચૈતન્યસ્વભાવ જાણે છે. ભગવાન આત્મા જેને જણાયો છે તે જાણે છે કે આ બીજી ચીજ છે. પરંતુ તે અન્ય સર્વને પરજ્ઞેય તરીકે જાણે છે. રાગાદિને પણ પરજ્ઞેય તરીકે જાણે છે.