સમયસાર ગાથા-૬૮ ] [ ૨૨૭
આ શાસ્ત્રજ્ઞાન છે ને એ પરજ્ઞેય છે. જે શાસ્ત્રજ્ઞાનમાં જ નિમગ્ન છે તે પરજ્ઞેય-નિમગ્ન છે અને પરજ્ઞેય-નિમગ્ન છે તે સ્વજ્ઞેયનો (ચૈતન્યસ્વભાવમય શુદ્ધ આત્માનો) અનાદર કરે છે. ગજબ વાત! એને તો એમ થાય કે હું આવો પંડિત, આટલાં તો હું શાસ્ત્ર જાણું અને એ કાંઈ નહિ! હા ભાઈ, સાંભળ. શાસ્ત્રજ્ઞાનને તો બંધ અધિકારમાં શબ્દજ્ઞાન કહ્યું છે. શબ્દજ્ઞાન એ કાંઈ આત્મજ્ઞાન છે? શબ્દજ્ઞાન કહો કે પરજ્ઞેય કહો-એક જ ચીજ છે. જ્ઞાની શાસ્ત્રજ્ઞાનને પણ પરજ્ઞેયપણે જાણે છે.
આમ વર્ણાદિ અને રાગાદિ ભાવો જીવ નથી. પરંતુ ઉપર કહ્યો છે તેવો ચૈતન્યભાવ જ જીવ છે. જ્ઞાનની પર્યાયમાં એને જ્ઞેય બનાવતાં જીવ આવો ચૈતન્યસ્વભાવમય પ્રત્યક્ષ-પ્રગટ છે એમ જણાય છે એ સંક્ષેપમાં એનો ભાવાર્થ છે.
હવે, ચેતનપણું જ જીવનું યોગ્ય લક્ષણ છે એમ કળશરૂપ કાવ્ય દ્વારા સમજાવે છેઃ-
કહે છે કે-‘यतः अजीवः अस्ति द्वेधा’ અજીવ બે પ્રકારે છે-‘वर्णाद्यैः सहितः’ વણાદિસહિત ‘तथा विरहितः’ અને વર્ણાદિરહિત. વર્ણ, રસ, ગંધ, સ્પર્શ, રાગાદિ વર્ણાદિસહિત છે અને બીજાં અમૂર્ત દ્રવ્યો વર્ણાદિરહિત છે. ‘ततः’ માટે ‘अमूर्तत्वम् उपास्य’ અમૂર્તપણાનો આશ્રય કરીને પણ અર્થાત્ અમૂર્તપણાને જીવનું લક્ષણ માનીને પણ ‘जीवस्य तत्त्वं’ જીવના યથાર્થ સ્વરૂપને ‘जगत् न पश्यति’ જગત દેખી શક્તું નથી.
અહા! આ ચૈતન્યસ્વભાવમય જીવ તો જ્ઞાનલક્ષણથી લક્ષિત છે. અર્થાત્ જ્ઞાન વડે જણાય એવી એ ચીજ છે. તે રાગથી કે અમૂર્તપણાથી જણાય એવો નથી. કારણ કે અમૂર્ત તો અન્ય દ્રવ્યો પણ છે તેથી અમૂર્તપણાવડે પણ આત્મા જણાતો નથી. એ તો જ્ઞાનના પરિણમન વડે જ જણાય એવો છે. જે જ્ઞાન વડે નિજ આત્માને જાણે છે તેને ધર્મ થાય છે.
હિંસા, જૂઠ આદિ અશુભ ભાવથી તો આત્મા જણાય નહિ, પણ દયા, દાન, વ્રત, ભક્તિ આદિ વિકલ્પોના શુભભાવથી પણ આત્મા જણાતો નથી. શુભાશુભભાવ તો ચૈતન્યના વિકારો છે. તેઓ અચેતન છે કેમકે શુદ્ધ ચૈતન્યમાં તેઓ વ્યાપતા નથી. તેથી અચેતન એવા તે વિકારો વડે ચૈતન્યવસ્તુ આત્મા કેમ જણાય? રાગાદિ ભાવ એ કાંઈ ચૈતન્યના લક્ષણરૂપ નથી કે તે વડે આત્મા જણાય, તથા અમૂર્તપણું બીજા દ્રવ્યોમાં પણ છે. તેથી અમૂર્તપણા વડે પણ જીવને અન્ય દ્રવ્યોથી ભિન્ન જાણી શકાતો નથી, આત્માને અન્ય દ્રવ્યથી ભિન્ન જાણવો હોય તો એક ચૈતન્યલક્ષણ વડે જ જાણી શકાય છે. પરદ્રવ્યથી ભિન્ન નિજસ્વરૂપનો અનુભવ ચૈતન્યલક્ષણથી જ થાય છે.
જગતના જીવો રાગાદિથી આત્માને જાણી શક્તા નથી, તેમ જ અમૂર્તપણાથી પણ આત્માને જુદો પાડી શક્તા નથી-ઓળખી શક્તા નથી. ‘इति आलोच्य’ આમ પરીક્ષા