૨૨૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૩ કરીને ‘विवेचकैः’ ભેદજ્ઞાની પુરુષોએ ‘न अव्यापि अतिव्यापि वा’ અવ્યાપ્તિ અને અતિવ્યાપ્તિ દૂષણોથી રહિત ‘चैतन्यम्’ ચેતનપણાને જીવનું લક્ષણ કહ્યું છે. ભેદજ્ઞાનીઓએ એટલે ધર્મી જીવોએ અનુભવ કરીને રાગ અને અમૂર્તપણાથી ભિન્ન એવા ચેતનપણાને જીવનું લક્ષણ કહ્યું છે. રાગાદિ ભાવો જીવની સર્વ અવસ્થાઓમાં વ્યાપતા નથી. માટે રાગાદિને જીવનું લક્ષણ માનતાં અવ્યાપ્તિનો દોષ આવે છે. જ્યારે અમૂર્તપણું અન્ય દ્રવ્યોમાં પણ છે, તેથી તેને જીવનું લક્ષણ કહેતાં એમાં અતિવ્યાપ્તિનો દોષ આવે છે.
આવું સમજવા મળે નહિ એટલે લોકો તો દયા પાળો, વ્રત કરો અને ઉપવાસ કરો-એમ ક્રિયાઓ કરવાથી આત્મલાભ થશે એમ માને છે. પણ ભાઈ! એ તો બધી રાગની ક્રિયાઓ છે. એ ક્રિયાઓ તો અચેતન જડ છે, એ ક્રિયાઓ વડે ચૈતન્યનો-આત્માનો લાભ કેમ થાય? વળી અમૂર્તપણા વડે પણ આત્મા જાણી શકાતો નથી કેમકે અમૂર્તપણું તો ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ એમ અન્ય દ્રવ્યોમાં પણ છે. તેથી આમ જાણીને ધર્મી જીવોએ ચૈતન્યપણાને જીવનું નિર્દોષ લક્ષણ કહ્યું છે.
જાણવું, જાણવું, જાણવું-એ જાણક એવા ચૈતન્યતત્ત્વનું લક્ષણ છે. અર્થાત્ જ્ઞાનલક્ષણ વડે આત્માને લક્ષ કરીને તેનો અનુભવ થઈ શકે છે, સમ્યગ્દર્શન પામી શકાય છે. અહાહા! જ્ઞાનલક્ષણ વડે લક્ષ્ય એવા આત્માને પકડતાં તેનો અનુભવ થાય છે અને તે ધર્મ છે. પરંતુ દયા, દાન, વ્રત કે ભક્તિથી આત્મા પકડાય એમ નથી કેમકે તે કોઈ આત્માનું લક્ષણ નથી. એ તો સર્વ રાગ છે અને રાગની આત્મામાં અવ્યાપ્તિ છે. આત્માની સર્વ અવસ્થાઓમાં એ રાગ વ્યાપીને રહેતા નથી, કદાચિત્ સંસાર અવસ્થામાં તે હો, પણ મોક્ષ અવસ્થામાં તે સર્વથા નથી. માટે રાગ આત્માનું લક્ષણ નથી. તેથી ગમે તેવો મંદ રાગ હોય તોપણ તે વડે ભગવાન આત્મા જણાતો નથી. તેવી રીતે અમૂર્તપણા વડે પણ ભગવાન આત્મા જાણી શકાતો નથી, કેમકે અમૂર્તપણા વડે આત્માને જાણતાં અતિવ્યાપ્તિનો દોષ આવે છે. આમ વિચારીને ભેદજ્ઞાની જીવોએ ચૈતન્યપણાને જીવનું લક્ષણ કહ્યું છે. અહાહા! જ્ઞાનના પરિણમનની જે દશા છે તે લક્ષણ છે અને તે દ્વારા આત્મા જાણી શકાય છે. ત્રિકાળી ચૈતન્યતત્ત્વને લક્ષ કરી જ્ઞાનનું જે પરિણમન થાય છે તે પરિણમનની દશામાં ભગવાન આત્મા જણાય છે અને એ જ્ઞાનના પરિણમનની ક્રિયા તે ધર્મ છે.
હવે કહે છે કે ‘समुचितम्’ તે યોગ્ય છે. શું? કે ચૈતન્યપણાને જીવનું લક્ષણ કહેવું તે સમુચિત એટલે યોગ્ય છે, બરાબર છે. કેમ? કેમકે તે અવ્યાપ્તિ અને અતિવ્યાપ્તિ દોષથી રહિત છે. અહા! ન્યાયથી-યુક્તિથી વાત કરે છે. કહે છે કે આત્મા જ્ઞાન દ્વારા જણાય એમ છે કેમકે ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાનસ્વરૂપ છે. રાગ એ તારું લક્ષણ નહિ, કેમકે તે સર્વ અવસ્થાઓમાં વ્યાપતો નથી તેથી તેની આત્મામાં અવ્યાપ્તિ છે. પરંતુ જ્ઞાન એ તારું-આત્માનું લક્ષણ છે કેમકે આત્મા ત્રિકાળ જ્ઞાનસ્વરૂપ છે. જીવની સર્વ અવસ્થાઓમાં જ્ઞાન પ્રસરે છે, તેથી જ્ઞાનલક્ષણ અવ્યાપ્તિ-દોષરહિત છે. વળી આત્માને