સમયસાર ગાથા-૬૮ ] [ ૨૨૯ છોડીને જ્ઞાન કોઈ અન્ય દ્રવ્યમાં છે નહિ. તેથી આત્માનું જ્ઞાનલક્ષણ અતિવ્યાપ્તિ દોષથી રહિત છે. આ પ્રમાણે ચૈતન્યપણાને જીવનું લક્ષણ કહેવું બરાબર છે, વ્યાજબી છે.
અહાહા! ભગવાન આત્મા અંદર ચૈતન્યનું બિંબ પ્રભુ જ્ઞાનનો ગાંઠડો છે. એમાંથી અનંત અનંત કેવળજ્ઞાનાદિ પ્રગટે તોપણ કાંઈ ખૂટે નહિ એવો એ જ્ઞાનનો રસકંદ છે. એ એ તો જ્ઞાનનું મૂળ છે જેમાંથી જ્ઞાન અખૂટપણે નીકળ્યા જ કરે. આવો આત્મા વર્તમાન જ્ઞાનની પર્યાય વડે જણાય છે. એટલે કે વર્તમાન જ્ઞાનની પર્યાય જ્ઞાયકસ્વભાવી આત્માનું લક્ષ કરે ત્યાં ‘આ જ્ઞાયકબિંબ છે’ એમ આત્મા જણાય છે. આનું નામ સમ્યગ્જ્ઞાન છે. આ જ્ઞાનની ક્રિયા એ ધર્મની ક્રિયા છે. આ પ્રમાણે જ્ઞાનલક્ષણ એ આત્માનું સમુચિત એટલે યોગ્ય લક્ષણ છે.
આગળ કહે છે કે-‘व्यक्तम्’ તે ચૈતન્યલક્ષણ પ્રગટ છે. ચૈતન્યને જાણનારી પર્યાય પ્રગટ છે માટે ચૈતન્યલક્ષણ પ્રગટ છે એમ કહે છે. એ પ્રગટ ચૈતન્યલક્ષણ દ્વારા ‘આત્મા જ્ઞાનસ્વરૂપ ત્રિકાળ’ છે એમ જાણી શકાય છે. ગજબ વાત! અહા! આત્મા તો ‘અજાયબઘર’ છે. તે અનંતગુણોરૂપ અજાયબીઓથી ભરપુર છે. વર્તમાન જ્ઞાનપર્યાય તેને જાણે, પણ ત્યાં જે જણાય છે તે જ્ઞાન (આત્મા) તો અહાહા! અનંત અને અમાપ છે. આમાં ‘મોં-માથું હાથ આવે નહિ’ (સમજણ પડે નહિ) એટલે લોકો બિચારા શું કરે? વ્રત, તપ, ઇત્યાદિમાં જોડાઈ જાય. આમ ને આમ તું અનંતકાળથી કરતો આવ્યો છે, પણ ભાઈ! વ્રત, તપના વિકલ્પ એ આત્માનું (એને જાણવાનું) લક્ષણ નથી. કહે છે કે ઇન્દ્રિયોને બંધ કરી, ઇન્દ્રિયોના જે વિષય થાય છે તેનું લક્ષ છોડી દઈને તથા મનના લક્ષે ઉપજતા વિકલ્પોનું પણ લક્ષ છોડી દઈને અંદર ચૈતન્યસ્વભાવી ભગવાન આત્માને ચૈતન્યલક્ષણ વડે અનુભવવો તે સમ્યગ્દર્શન પામવાની રીત છે. આત્મા ચૈતન્યબિંબ છે. ચૈતન્યની જે પ્રગટ જ્ઞાનદશા તે એનું લક્ષણ છે. માટે પ્રભુ! એ લક્ષણ દ્વારા અંદર જા અને જો તો તેનો અનુભવ થશે. અહાહા! જ્ઞાનની પર્યાય અંતર્મુખ થઈ સ્વને જાણે છે ત્યારે અંદર તો અદ્ભુત અનંતગુણનો ચૈતન્યગોળો જણાય છે. તથા જે અનંતગુણો ભર્યા છે એને પણ જ્ઞાન દેખી લે છે.
બાપુ! વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરે આમ જ કહ્યું છે અને સંતો પણ એમ જ કહે છે. ભાઈ! તું તને પોતાને પકડીને કયારે અનુભવી શકે? કે જ્ઞાનની પર્યાયને-લક્ષણને પકડીને સ્વમાં જાય ત્યારે. આ સિવાય ગમે તેવા મંદરાગથી-દાનાદિ ક્રિયાથી આત્મા જણાય એમ નથી.
પ્રશ્નઃ– તો અમારે દાન કરવું કે નહિ?
ઉત્તરઃ– ભાઈ! એ દાન કરવાનો-રાગની મંદતાનો ભાવો આવે એ જુદી વાત છે.