સમયસાર ગાથા-૬૮ ] [ ૨૩૧ શુભભાવ છે તે બંધનું કારણ છે. પર જીવની દયાના ભાવથી કાંઈ આત્મા જણાતો નથી એમ અહીં કહે છે. પર જીવની દયા પાળવાનો ભાવ તો રાગ છે. અને રાગ છે એ તો આકુળતામય દુઃખરૂપ દશા છે. જ્યારે ભગવાન આત્મા તો ત્રિકાળ નિરાકુળ આનંદસ્વરૂપ છે, તો આકુળતાના ભાવથી નિરાકુળ તત્ત્વ કેમ પ્રાપ્ત થાય? (ન થાય). પરંતુ એ રાગના કાળે, રાગથી ભિન્ન જે જ્ઞાનની પર્યાય છે એનાથી આત્મા જણાય એવો છે. અહાહા! જ્ઞાનની પર્યાય રાગને પણ જાણે છે છતાં જ્ઞાન એ રાગનું લક્ષણ નથી. જ્ઞાનનું, રાગ લક્ષણ નથી અને રાગનું, જ્ઞાન લક્ષણ નથી. જ્ઞાન તો ભગવાન ચૈતન્યસ્વભાવમય આત્માનું લક્ષણ છે અને તેણે (જ્ઞાન પર્યાયે) જીવ તત્ત્વને પ્રગટ કર્યું છે. અહાહા! કેવી અજબ વાત!
ઉત્તરઃ– પણ ભાઈ! જ્ઞાનક્રિયાભ્યામ્ એટલે શું? આત્મા જે ત્રિકાળ જ્ઞાનસ્વરૂપ છે એનું જ્ઞાન કરવું અને તે જ્ઞાનમાં ઠરવું એનું નામ ‘જ્ઞાનક્રિયાભ્યામ્ મોક્ષઃ’ છે. અહીં તો સંતો એમ જાહેર કરે છે કે-પ્રભો! તું પોતે પોતાને જ્ઞાનની પર્યાયથી જણાય એવું તારું સ્વરૂપ છે. લાખ વાતની વાત કે ક્રોડ વાતની વાત આ જ છે. જે જ્ઞાનની પર્યાય પરને જાણવાનું કામ કરે છે તે કાંઈ પરનું લક્ષણ નથી. માટે જાણનારી વર્તમાન પર્યાયને, તે જેનું લક્ષણ છે એવા જ્ઞાયકસ્વભાવમાં વાળ. તેથી તને જ્ઞાયકનું સ્વરૂપ વ્યંજિત એટલે પ્રગટ થશે-જણાશે. આવી વાત છે.
અહીં બે વાત કરી છે. જીવતત્ત્વને ચૈતન્યલક્ષણે કરીને જાણવું કેમકે ચૈતન્યપણાને જીવનું લક્ષણ કહ્યું છે અને તે યોગ્ય છે-એક વાત; તથા તે લક્ષણ પ્રગટ છે-બીજી વાત. શું કહ્યું? કે જાણવાની જે પર્યાય પ્રગટ છે તે જાણવાના પરિણામથી આત્મા જણાય છે અને એનાથી જે જણાય છે તે આત્મા પણ પ્રગટ છે. વર્તમાન જ્ઞાનની પર્યાય જે પ્રગટ છે તે દ્વારા જાણતાં જ્ઞાયક જે શક્તિરૂપે છે તે ‘આ પ્રગટ છે’ એમ પ્રગટ જણાય છે. અહાહા! કેટલું સમાવ્યું છે! થોડા શબ્દોમાં ‘ગાગરમાં સાગર’ ભરી દીધો છે. દિગંબર સંતોએ-કેવળીના કેડાયતીઓએ શું ગજબ કામ કર્યાં છે! તેઓ જિનેશ્વરપદ અલ્પભવમાં જ પામવાના છે.
અહીં કહે છે કે-પ્રભુ! તું તને રાગથી નહીં જાણી શકે કારણકે રાગ તારું સ્વરૂપ નથી. તેમ જ તું અમૂર્ત છે તોપણ, અન્ય ધર્માસ્તિકાય આદિ દ્રવ્યો અમૂર્ત છે તેથી અમૂર્તપણા વડે આત્માને જાણવા જતાં અન્ય દ્રવ્યો પણ આત્માની સાથે એક થઈ જશે. તે કારણે અમૂર્તપણાથી પણ આત્માને પરથી ભિન્ન જાણી શકાશે નહિ. માત્ર એક ચૈતન્યલક્ષણ વડે આત્માને ભિન્ન પાડી શકાય છે અને એ ચૈતન્યલક્ષણ તને પ્રગટ છે. તે પ્રગટ લક્ષણ જીવના સ્વરૂપને પ્રગટ કરે છે. માટે એ ચૈતન્યલક્ષણ જે પર્યાયમાં પ્રગટ છે તે વડે આત્માને જાણ તો દ્રવ્ય તને વ્યંજિત એટલે પ્રગટ થશે.