૨૪૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૩
અભ્યાસ તેને ‘नाटयित्वा’ નચાવીને, -એટલે શું? કે જ્ઞાનની એકાગ્રતાનો-અનુભવનો વારંવાર અભ્યાસ કરતાં અર્થાત્ જ્ઞાનસ્વરૂપ પ્રભુ આત્માની એકાગ્રતાનો અભ્યાસ વારંવાર કરતાં રાગ જુદો પડી જાય છે. અભ્યાસ કહો કે અનુભવ કહો, બન્ને એક જ ચીજ છે. આનંદનો નાથ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્મા છે. એની દ્રષ્ટિ કરી એમાં અંતર-એકાગ્ર થતાં રાગ ભિન્ન પડી જાય છે, દુઃખની દશા ભિન્ન પડી જાય છે અને આનંદની દશા પ્રગટ થાય છે. જ્ઞાન તે આત્મા છે એવો એનો અભ્યાસ-અંતરઅનુભવ કરવો તે જ્ઞાનરૂપી કરવત છે.
જેમ કરવત બે ફાડ પાડે છે તેમ અંતરનો અનુભવ જ્ઞાન અને રાગની બે ફાડ કરી નાખે છે. અહા! આઠ-આઠ વર્ષના બાળકો કેવળજ્ઞાન લેતા હશે તે કેવું હશે? ભલે આઠ વર્ષનો રાજકુમાર હોય પણ અંતરમાં એકાગ્રતા-અનુભવ દ્વારા આત્માના આનંદનો સ્વાદ આવ્યો છે ને? એ સ્વાદનો વારંવાર તે અભ્યાસ કરે છે અને એકાગ્ર-સ્થિત થઈ અંતર્મુહૂર્તમાં પરમાત્મા થાય છે. આત્મા જ્ઞાન અને આનંદની ઉત્કૃષ્ટ લક્ષ્મીનું નિધાન ત્રિકાળ પરમાત્મસ્વરૂપ પદાર્થ છે. એવા આત્માને રાગથી ભિન્ન પાડીને સ્વરૂપમાં એકાગ્ર થવાનો વારંવાર અભ્યાસ કરવો-એમ અહીં કહે છે. રાગને અને આત્માને પૂરા જુદા પાડવા છે ને? એટલે કહે છે કે જ્ઞાનરૂપી કરવતનો વારંવાર અભ્યાસ નચાવવો. વારંવાર અંતર-અનુભવ વડે આનંદના પરિણમનમાં સ્થિત થવું. કયાં સુધી? કે ‘यावत्’ જ્યાં સુધી ‘जीवाजीवौ’ જીવ અને અજીવ બન્ને ‘स्फुट–विघटनं न एव प्रयातः’ પ્રગટપણે જુદા ન થાય. આનો ભાવાર્થમાં બે રીતે અર્થ કરશે.
જેમ ગુલાબની કળી સંકોચરૂપ હોય અને પછી વિકાસરૂપ થાય એમ ભગવાન આત્મા જે જ્ઞાન-દર્શન-આનંદની શક્તિરૂપે છે તે અંદરમાં ખીલે-વિકસે છે. માર્ગ તો આવો છે, ભાઈ! કોઈ કથા-વાર્તા સાંભળીને રાજી થાય છે પણ એ કાંઈ ધર્મ નથી. પ્રભુ! તને તારી મોટપની ખબર નથી. અહાહા! તું અતીન્દ્રિય આનંદનો નાથ સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન છે. એમાં અંતર્મુખ થવાનો અભ્યાસ કર. પુણ્ય-પાપ મારાં છે એવો અભ્યાસ તો તેં અનાદિથી કર્યો છે. પણ એ તો દુઃખનો અભ્યાસ છે. હવે આ આનંદના નાથનો અભ્યાસ કર. કહે છે કે-અંદર ચિન્માત્રશક્તિરૂપે ભગવાન આત્મા છે તેનો અનુભવ જ્યાં કર્યો ‘तावत्’ ત્યાં ‘ज्ञातृद्रव्यं’ જ્ઞાતાદ્રવ્ય ‘प्रसभ–विकसत्–व्यक्त–चिन्मात्रशक्तया’ અત્યંત વિકાસ પામતી પોતાની પ્રગટ ચિન્માત્ર-શક્તિ વડે ‘विश्वं व्याप्य’ વિશ્વને વ્યાપીને, ‘स्वयम्’ પોતાની મેળે જ ‘अतिरसात् उच्चैः चकाशे’ અતિવેગથી ઉગ્રપણે ચકાશી નીકળ્યું. શું કહ્યું? જ્ઞાનાનંદસ્વરૂપ ભગવાન આત્મા અનંત શક્તિઓથી પરિપૂર્ણ પ્રભુ છે.