પરનું લક્ષ છોડી ધ્રુવસ્વભાવમાં લક્ષ કરવું, શુદ્ધાત્મામાં એકપણારૂપ પરિણમન કરવું એવી વાત કદી સાંભળી નથી તેથી પરિચયમાં અને અનુભવમાં પણ આવી નથી, તેથી તે એકની પ્રાપ્તિ સુલભ નથી.
આવા એક ધ્રુવસ્વભાવને દ્રષ્ટિનો વિષય ન માનતાં દ્રવ્ય-પર્યાય બેને દ્રષ્ટિનો વિષય માને છે તે ભૂલ છે. (દ્રષ્ટિનો વિષય તો એક ત્રિકાળ ધ્રુવ દ્રવ્ય છે) નિયમસારમાં કહ્યું છે કે અંતઃતત્ત્વસ્વરૂપ ભગવાન આત્મા અને બહિઃતત્ત્વ એવી નિર્મળ પર્યાય એ બેની માન્યતા (શ્રદ્ધાન) એ વ્યવહાર સમકિત છે. બેને વિષય કરે એ રાગ છે. (તેથી જીવને રાગ જ ઉત્પન્ન થાય) વ્યવહાર સમકિત એ રાગરૂપ પરિણામ છે. બેપણું જેનો વિષય છે તે રાગ છે અને એકપણું (નિજ ધ્રુવસ્વભાવ) તે સમ્યક્દર્શનનો વિષય છે. અહીં કહે છે કે આવી એકપણારૂપ પરિણમનની વાત અનંતકાળમાં સાંભળી જ નથી તેથી તે સુલભ નથી.
આ સમસ્ત જીવલોકને, કામભોગસંબંધી કથા એકપણાથી વિરુદ્ધ હોવાથી અત્યંત વિસંવાદી છે તોપણ, પૂર્વે અનંતવાર સાંભળવામાં આવી છે, અનંતવાર પરિચયમાં આવી છે અને અનંતવાર અનુભવમાં પણ આવી ચૂકી છે. અહીં સમસ્ત જીવલોક લીધો છે. એમાં એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીનાં બધાં જ સંસારી પ્રાણીઓ આવી ગયાં. એ બધા જીવોએ, કામ કહેતાં શુભાશુભ ઈચ્છાનું થવું અને ભોગ કહેતાં એનું ભોગવવું-એ સંબંધી વાત-જે એકપણાથી વિરુદ્ધ છે અને આત્માનું અત્યંત બૂરું કરનારી છે તોપણ અનંતવાર સાંભળી છે. અહીં સર્વ જીવલોકમાં પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, વનસ્પતિકાય એમ સઘળા એકેન્દ્રિય જીવો પણ એમાં આવી ગયા.
બટાટાની એક રાઈ જેટલી કટકીમાં નિગોદના જીવોનાં અસંખ્ય ઔદારિક શરીર છે, એકેક શરીરમાં અનંત નિગોદના જીવ છે. કહે છે કે આ નિગોદના જીવોએ પણ રાગની એકતાની વાત (કામભોગની વાત) અનંત વાર સાંભળી છે. પણ એમને તો કાનેય નથી તો કેમ કરી સાંભળી છે? ભાઈ, એ વિકલ્પને અનુભવે છે ને? એકેન્દ્રિયાદિ જીવો કર્ણેન્દ્રિય ન હોવા છતાં અનંતકાળથી રાગ વેદે છે. રાગ સાથે એકતા અનુભવે છે તેથી બંધકથા સાંભળી છે એમ કહેવામાં આવે છે. અનાદિથી કેટલાક જીવો એવાછે કે જે નિગોદમાં પડયા છે અને કદી બહાર નીકળ્યા નથી અને નીકળશે નહીં; એવા જીવોએ પણ રાગના એકત્વની વાત સાંભળી છે એટલે કે રાગનો અનુભવ એકત્વપણે કરી રહ્યા છે અને તેનો જ પરિચય છે.
અહા! આ રાગના એકત્વની બંધકથા વિસંવાદી છે, જીવનું અત્યંત બૂરું કરનારી છે, અકથ્ય દુઃખો આપનારી છે. રાગ વિકલ્પ છે-પુણ્યનો કે પાપનો. એને કરવો