અને ભોગવવો એ જીવને અત્યંત દુઃખદાયક છે, કેમકે એકપણાથી વિરુદ્ધ છે. અરેરે! તો પણ અનાદિકાળથી જીવને તેની જ વાત અનંતવાર સાંભળવામાં આવી છે. ભગવાન આત્મા ધ્રુવ ચૈતન્ય અને આનંદસ્વરૂપ છે, અને ઈન્દ્રિયો તરફના વલણનો ભાવ એ કામભોગસંબંધી કથા છે, -માત્ર દુઃખની કથા છે. એ પૂર્વે અનંતવાર સાંભળવામાં આવી છે, પરિચયમાં આવી છે અને અનુભવમાં આવી ગઈ છે. પરંતુ રાગથી ભિન્ન ભગવાન ધ્રુવ ત્રિકાળ છે એનું લક્ષ કરીને વેદન થવું જોઈએ તે વેદન એને કદી આવ્યું નથી.
હવે વિશેષ કહે છે કે કેવો છે આ જીવલોક? ‘સંસારરૂપી ચક્રના મધ્યમાં સ્થિત છે.’ જેમ ઘંટીના બે પડની વચ્ચે જે દાણો હોય તે પીસાઈ જાય છે તેમ આ સમસ્ત જીવલોક અનાદિથી સંસારરૂપી ચક્ર કહેતાં પુણ્ય અને પાપ એમ બે ભાવરૂપ ચક્રની મધ્યમાં પીસાઈ રહ્યો છે, દુઃખી દુઃખી થઈ રહ્યો છે.
વળી તેને ‘નિરંતરપણે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવરૂપ અનંત ભ્રમણ પ્રાપ્ત થયું છે.’ નિરંતરપણે વિકારમાં સ્થિત હોવાથી તેને પાંચ પરાવર્તનરૂપ ભ્રમણ અનાદિથી છે. દ્રવ્યપરાવર્તન કહેતાં આ જગતમાં જે અનંત અનંત પુદ્ગલ પરમાણુઓ છે તેનો સંબંધ એને અનંતવાર થઈ ચૂક્યો છે. આ શરીરનાં રજકણો માટી (પુદ્ગલ) છે, અને આ પૈસા, ધન, ભવન ઈત્યાદિ (કર્મ નોકર્મ) પણ ધૂળ (પુદ્ગલ) નાં રજકણો છે, કહે છે કે એ બધા પુદ્ગલો અનંતવાર સંબંધમાં આવી ગયા છે. આ ધનસંપત્તિ, રૂપાળું શરીર, ભવન ઈત્યાદિનો સંબંધ એ કાંઈ નવું નથી, અપૂર્વ નથી; એકમાત્ર શુદ્ધ આત્માની અનુભૂતિ એ જ અપૂર્વ છે. એવાય અનંત પુદ્ગલો છે જે જીવના સંબંધમાં આવ્યા નથી, છતાં તેનું લક્ષ રાગ ઉપર છે તેથી અનંત પરાવર્તનમાં બધાય પુદ્ગલથી સંબંધની લાયકાતવાળો જીવ છે એમ કહ્યું છે.
વળી જીવ નિરંતરપણે અનંત ક્ષેત્રપરાવર્તન કરી ચૂક્યો છે. ચૌદ બ્રહ્માંડનું ક્ષેત્ર છે. તેમાં દરેક પ્રદેશમાં અનંતવાર જન્મ્યો અને મર્યો છે. અનાદિની ચીજ છે ને? તેથી દરેક ક્ષેત્રે અનંત વાર પરિભ્રમણ કરી ચૂક્યો છે. ભાવપાહુડમાં આવે છે કે હજારો રાણીઓ છોડી, નગ્ન દિગંબર મુનિપણું ધારણ કર્યું, અગિયાર અંગ અને નવ પૂર્વ ભણી ગયો, પરંતુ આનંદનો નાથ ત્રિકાળી ભગવાન જે આત્મા તેની દ્રષ્ટિ અને અનુભવ કરવાં જોઈએ તે ન કર્યા. એવાં દ્રવ્યલિંગ ધારણ કરી મુનિપણાં લઈને પણ દરેક પ્રદેશે અનંતવાર જન્મ- મરણ કરી ચૂક્યો છે. જ્યાં સિદ્ધ ભગવાન બિરાજે છે ત્યાં પણ અનંતવાર જન્મ્યો, મર્યો છે; કોઈ ક્ષેત્ર બાકી નથી. આમ જીવે અનંત ક્ષેત્રપરાવર્તન કર્યાં છે.
વળી જીવે નિરંતરપણે અનંત કાળપરાવર્તન કર્યાં છે. કાળચક્રના ઉત્સર્પિણી અને અવસર્પિણી એમ બે ભાગ છે. તે દરેક દશ કોડાકોડી સાગરોપમ છે. એક સાગર અસંખ્ય