૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૪
અલંકાર કર્યો છે. આ સમયસાર નાટક છે ને? જીવ-અજીવ છે તો બન્નેય ભિન્ન-ભિન્ન, પરંતુ બન્નેય જાણે એક હોય તેમ કર્તાકર્મનો સ્વાંગ રચીને પ્રવેશ કરે છે.
કર્તાકર્મનો સ્વાંગ એટલે હું આત્મા કર્તા અને આ રાગાદિ ભાવ તે મારું કર્મ-એમ સ્વાંગ રચીને પ્રવેશ કરે છે. આ સ્વાંગ જૂઠો છે કેમકે આત્મા ચૈતન્યપ્રકાશનો પુંજ, એકલા જ્ઞાનનો રસકંદ પ્રભુ તે દયા, દાન આદિ વિકારી પરિણામને કેમ કરે? એ તો સર્વને જાણે- બંધને જાણે, ઉદયને જાણે, નિર્જરાને જાણે અને મોક્ષને જાણે-એવો જ્ઞાનસ્વરૂપી ભગવાન છે. (જુઓ સમયસાર ગાથા ૩૨૦) તથાપિ હું કર્તા અને રાગાદિ અચેતન વિકાર તે મારું કર્મ એમ અજ્ઞાનીને ભાસે છે. અહાહા! હું અખંડ એક જ્ઞાયકસ્વભાવી આત્મા છું-એવો જે વિકલ્પ ઊઠે તેનો કર્તા અજ્ઞાની થાય છે, જ્ઞાની નહિ. શુભાશુભ બન્નેય ભાવનો અજ્ઞાની કર્તા થાય છે, જ્ઞાની નહિ.
હવે પ્રથમ, તે સ્વાંગને જ્ઞાન યથાર્થ જાણી લે છે તેથી તે જ્ઞાનના મહિમાનું કાવ્ય કહે છેઃ તે સ્વાંગને જ્ઞાન યથાર્થ જાણી લે છે એટલે જે સમયે અવસ્થામાં રાગ છે તે સમયે જ્ઞાનની પર્યાય સ્વને સ્વપણે અને રાગને પરપણે જાણવારૂપે જ પ્રગટ થાય છે. અહાહા....! રાગનો કર્તા તો જીવ નથી, પણ રાગ છે માટે રાગસંબંધી જ્ઞાન થયું છે એમ પણ નથી. રાગનું જ્ઞાન એ તો કથનમાત્ર છે. જ્ઞાનનું જ્ઞાન છે અને તે જ્ઞાન આત્માનું કર્મ છે, રાગ આત્માનું કર્મ નથી અને જ્ઞાન રાગનું કર્મ નથી. અહાહા! આમ સ્વાંગને યથાર્થ જાણનારું જ્ઞાન તે જ્ઞાનના મહિમાનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-
આ કર્તાકર્મ અધિકારનો પહેલો કળશ છે. શું કહે છે એમાં? કે-‘इह, ’ આ લોકમાં ‘अहम् चिद्’ હું ચૈતન્યસ્વરૂપ આત્મા તો ‘एकः कर्ता’ એક કર્તા છું અને ‘अमी कोपादयः’ આ ક્રોધાદિ ભાવો ‘मे कर्म’ મારાં કર્મ છે ‘इति अज्ञानाम् कर्तृकर्म–प्रवृत्तिम्’ એવી અજ્ઞાનીઓની જે કર્તાકર્મની પ્રવૃત્તિ છે તેનેઃ શું કહ્યું? અજ્ઞાની એમ માને છે કે હું કર્તા અને આ ક્રોધાદિ મારાં કર્મ છે. ક્રોધાદિ કહ્યાં એમાં પ્રથમ ક્રોધ કેમ લીધો? કારણ કે મુનિરાજ છે તે (ક્રોધના અભાવપૂર્વક) ઉત્તમક્ષમાના ભંડાર છે. અહાહા....! મુનિરાજ તો ચૈતન્યસ્વભાવમય ભગવાન આત્માની રુચિ અને રમણતાના સ્વામી છે. ભાઈ! આત્મા શુદ્ધ ચિદાનંદમય અખંડ એકરૂપ વસ્તુ છે. તેનો જેને પ્રેમ નથી, રુચિ નથી તેને પોતાના આત્મા પ્રતિ ક્રોધ છે. દ્વેષ અરોચક ભાવ. સ્વભાવની અરુચિ-અણગમો તે અનંતાનુબંધી ક્રોધ છે. પુણ્ય-પાપના ભાવો અને દેવ-શાસ્ત્ર-ગુરુ ઇત્યાદિ પર પદાર્થોની રુચિ અને સ્વસ્વરૂપની અરુચિ તે આત્મા પ્રત્યેનો દ્વેષ છે અને તે અનંતાનુંબંધી ક્રોધ છે. તેવી રીતે પુણ્ય-પાપ આદિ પર પદાર્થોમાં અહંબુદ્ધિ થવી એ અનંતાનુબંધી