Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 779 of 4199

 

સમયસાર ગાથા ૬૯-૭૦ ] [

માન છે; પુણ્ય-પાપ આદિ પર પદાર્થોના પ્રેમની આડમાં ચૈતન્યસ્વભાવમય નિજ આત્માનો ઈન્કાર કરવો તે અનંતાનુબંધી માયા છે તથા સ્વભાવને ભૂલીને પુણ્ય-પાપ આદિ પર પદાર્થોની અભિલાષા-વાંછા કરવી તે અનંતાનુબંધી લોભ છે.

અહાહા....! નિર્મળાનંદનો નાથ ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યનો દરિયો છે. તેને દ્રષ્ટિમાં ન લેતાં હું એક કર્તા છું અને અંદર જે પુણ્ય-પાપના ક્રોધાદિ વિકાર થાય છે તે મારું એકનું (એક સ્વભાવી આત્માનું) કર્તવ્ય છે એવી જે માન્યતા છે તે અજ્ઞાન છે, મિથ્યાદર્શન છે.

અહીં કહે છે કે આ લોકમાં અનાદિથી અજ્ઞાનીઓને આ અજ્ઞાનમય કર્તાકર્મપ્રવૃત્તિ છે. દયા, દાન, વ્રત, તપ, આદિ શુભ પરિણામ અને હિંસાદિ અશુભ પરિણામ-એમ શુભાશુભ પરિણામોનો હું કર્તા છું અને તે મારાં કાર્ય છે, કર્તવ્ય છે-એવી અજ્ઞાનીઓની કર્તાકર્મની પ્રવૃત્તિ છે.

આ જે અજ્ઞાનમય કર્તાકર્મપ્રવૃત્તિ છે તેને ‘अभितः शमयत्’ બધી તરફથી શમાવતી (મટાડતી) ‘ज्ञानज्योतिः’ જ્ઞાનજ્યોતિ ‘स्फुरति’ સ્ફુરાયમાન થાય છે.

અહાહા....! આ શરીર, મન, વાણી, ઇન્દ્રિય ઇત્યાદિ પર પદાર્થોની અવસ્થા તો મારાં કાર્ય નથી પણ અંદર જે પુણ્ય-પાપના શુભાશુભ ભાવો થાય છે તે પણ મારાં કાર્ય-કર્તવ્ય નથી. એમ સર્વ પરભાવોથી ભિન્ન પડી જ્યાં નિર્દોષ, પવિત્ર ચૈતન્ય-સ્વભાવમાં એકાગ્ર થયો ત્યાં કર્તા-કર્મની પ્રવૃત્તિને મટાડતી જ્ઞાનજ્યોતિ પ્રગટ થાય છે. જે ભાવે સર્વાર્થસિદ્ધનો ભવ મળે કે જે ભાવે તીર્થંકરગોત્ર બંધાય તે ભાવ મારું-આત્માનું કાર્ય નથી. ભાઈ! સ્વભાવની દ્રષ્ટિમાં સર્વ શુભાશુભ વિકલ્પોનું સ્વામિત્વ સહજ છૂટી જાય છે. અહાહા....! ઇન્દ્ર-અહમિંદ્રાદિ પદ કે ચક્રવર્તીપદ ઇત્યાદિ બધું ધૂળ છે, પરમાણુનું કાર્ય છે, આત્માનું નહિ. આમ બધી તરફથી કર્તા-કર્મની પ્રવૃત્તિને મટાડતી જ્ઞાનજ્યોતિ પ્રગટ થાય છે.

હવે કહે છે-કેવી છે તે જ્ઞાનજ્યોતિ? ‘परम–उदात्तम्’ પરમ ઉદાત્ત છે અર્થાત્ કોઈને આધીન નથી. અહાહા....! સહજ જ્ઞાન અને આનંદની લક્ષ્મીવાળો મારો અપરિમિત-બેહદ જ્ઞાનાનંદસ્વભાવ છે તે પરમ ઉદાત્ત છે, સ્વાધીન છે. આમ જ્ઞાની જ્ઞાનમાં પોતાને જાણતો કર્તા-કર્મની પ્રવૃત્તિને મટાડી દે છે. જ્ઞાનાનંદસ્વભાવી આત્માનું જેને ભાન નથી એવો અજ્ઞાની કર્મને આધીન થઈને-વિકારી ભાવને પોતાનો માનીને રાગનો-વિકારનો કર્તા થાય છે. સ્વાધીનપણે વિકારનો નાશક મારો સ્વભાવ છે એનું એને ભાન નથી. અહીં કહે છે કે પરમ ઉદાત્ત જે આત્મા જ્ઞાનાનંદસ્વભાવમય વસ્તુ-તેને લક્ષ કરીને, તેની સન્મુખ ઝુકીને વા તેમાં ઢળીને જે સ્વાધીન જ્ઞાનપરિણતિ પ્રગટ થઈ તે પરમ ઉદાત્ત છે, સ્વાધીન છે, પરાધીન નથી. પરની કે રાગની તેને અપેક્ષા નથી.