૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૪
આ બધું કરવું, કરવું, કરવું, -એવો જે ભાવ છે તે રાગ છે, અને રાગ મારો એ માન્યતા મિથ્યા દર્શન છે. આ મિથ્યાદર્શનયુક્ત જે કર્તાકર્મની પ્રવૃત્તિ છે તેને જ્ઞાનજ્યોતિ મટાડે છે. કેવી છે તે જ્ઞાનજ્યોતિ? તો કહે છે-ત્રિકાળી જ્ઞાનાનંદરૂપ સ્વરૂપલક્ષ્મી તે આત્મસ્વભાવ છે અને તે પરમ ઉદાત્ત છે. આવા દ્રવ્યસ્વભાવમાં અભેદ થઈ, અર્થાત્ એમાં ઢળીને એકાગ્ર થઈ જે નિર્મળ જ્ઞાનપરિણતિ પ્રગટ થઈ તે એમ જાણે છે કે હું પરમ ઉદાત્ત છું, પૂર્ણાનંદનો નાથ, પરમ ઉત્કૃષ્ટ પદાર્થ છું અહાહા....! જ્ઞાનીને પોતાની વર્તમાન અલ્પજ્ઞ દશામાં હું સર્વજ્ઞસ્વભાવી પરિપૂર્ણ આત્મદ્રવ્ય છું એમ જણાય છે અને એમ તે માને છે.
અરે! લોકોને આવી વાત સાંભળવા મળે નહિ એટલે બિચારા શું કરે? બહારની પ્રવૃત્તિ અને ક્રિયાકાંડના કર્તૃત્વના ફંદમાં ફસાઈ જાય છે. દયા કરો, દાન કરો, તપ કરો ઇત્યાદિ કરો-કરો-કરો એમ કરવાના-કર્તૃત્વના ફંદમાં ફસાઈ જાય છે. પરંતુ બાપુ! કરવું એ તો વસ્તુના (આત્માના) સ્વરૂપમાં જ નથી. (કેમકે આત્મા તો સર્વજ્ઞસ્વભાવી છે). અહાહા....! જેમાં બેહદ જ્ઞાનસ્વભાવ તિરછો (તિર્યક્, સર્વ પ્રદેશે) ભર્યો પડયો છે, એવો આનંદ, એવી શ્રદ્ધા, એવી કર્તા-કર્મ-કરણ ઇત્યાદિ અનંત અપરિમિત્ત શક્તિઓનો જે ભંડાર છે તે પરમાનંદનો નાથ પ્રભુ આત્મા છે. આવા આત્માને અંતર્મુખ થઈ અંદરથી પકડતાં- ગ્રહતાં જે જ્ઞાનજ્યોતિ પ્રગટ થઈ એમાં જ્ઞાનીએ જાણ્યું કે હું પરમ ઉદાત્ત છું, ઉદાર છું, સ્વાધીન છું, કોઈને આધીન નથી. અહાહા....! વસ્તુ (આત્મા) સ્વાધીન અને તેને ગ્રહનારી- જાણનારી જ્ઞાનજ્યોતિ પણ (પરની અપેક્ષા રહિત) સ્વાધીન!
આવું વસ્તુસ્વરૂપ ભૂલીને રાગાદિ ક્રિયાનો જ્યાં સુધી કર્તા થાય ત્યાં સુધી જીવ અજ્ઞાની છે, મિથ્યાદ્રષ્ટિ છે. અજ્ઞાનભાવે તે વિકારનો-દોષનો કર્તા છે. વિકારનો કર્તા કોઈ જડ કર્મ છે એમ નથી. પરંતુ વસ્તુસ્વરૂપના અભાનમાં અજ્ઞાની જીવ વિકારનો કર્તા છે. આ બધી અજ્ઞાનમય કર્તાકર્મની પ્રવૃત્તિને બધી તરફથી શમાવતી જે જ્ઞાનજ્યોતિ પ્રગટ થઈ તે પરમ ઉદાત્ત છે, સ્વાધીન છે એની વાત થઈ.
વળી કેવી છે તે જ્ઞાનજ્યોતિ? તો કહે છે-‘अत्यन्त धीरं’ અત્યંત ધીર છે અર્થાત્ કોઈ પ્રકારે આકુળતારૂપ નથી. અજ્ઞાનીઓ પરનાં કાર્યો કરવામાં અને પરનું પરિણમન બદલવાના વિકલ્પોમાં ઘણી બધી આકુળતા કરે છે. કુટુંબનું આ કરું અને સમાજનું આ કરું-એમ કુટુંબનાં, સમાજનાં, દેશનાં કાર્યો કરવાના વિકલ્પોથી તેઓ ખૂબ આકુળ-વ્યાકુળ થતા હોય છે. પરંતુ ભાઈ! એક રજકણ પણ બદલવાનું તારું-આત્માનું સામર્થ્ય નથી. તારો તો જ્ઞ-સ્વભાવ છે અને તેના આશ્રયે ઉત્પન્ન થયેલી જ્ઞાનજ્યોતિ ધીર છે, અનાકુળસ્વરૂપ છે, અત્યંત આનંદરૂપ છે. ચૈતન્યમય જ્ઞાનજ્યોતિ સાથે અતીન્દ્રિય આનંદ પણ ભેગો જ છે.