સમયસાર ગાથા ૬૯-૭૦ ] [ ૯
અહાહા....! આ જ્ઞાનજ્યોતિ અત્યંત ધીર છે. ગમે તેવા પ્રતિકૂળ સંજોગો હોય તોપણ એમાં મુંઝવણ નથી, આકુળતા નથી. જ્ઞાનજ્યોતિ પ્રગટ થતાં ધર્મી જીવ એમ જાણે છે કે હું પરનું કાંઈ (પરિણમન) કરી શકું નહિ તથા પર મારું કાંઈ (પરિણમન) કરી શકે નહિ. પ્રત્યેક પરિણમનને જાણવાનો મારો સ્વભાવ છે, બદલવાનો નહિ. આવી જ્ઞાનજ્યોતિ પ્રગટ થતાં અજ્ઞાનભાવે જે કર્તાકર્મની પ્રવૃત્તિ થતી હતી તે સહેજે દૂર થઈ જાય છે, અને નિરાકુળ આનંદ પ્રાપ્ત થાય છે.
પ્રશ્નઃ– શાસ્ત્રોમાં એમ આવે છે કે જેટલું રાગનું પરિણમન થાય તેટલા પરિણમનનો હું કર્તા છું એમ જ્ઞાની જાણે છે. તો આ કેવી રીતે છે?
ઉત્તરઃ– ભાઈ! એ જ્ઞાનપ્રધાન કથન છે. સમ્યગ્જ્ઞાન થયા પછી ધર્મી જાણે છે કે જેટલું રાગનું પરિણમન છે એ મારા પોતાના (પર્યાયરૂપ) અસ્તિત્વમાં છે અને તે મારે લઈને છે, એમાં પરની સાથે શું સંબંધ છે? આમ તે જ્ઞાનમાં જાણે છે. પરંતુ દ્રષ્ટિના વિષયની અપેક્ષાએ રાગનું કર્તૃત્વ ત્રિકાળી જ્ઞાનસ્વરૂપ દ્રવ્યમાં છે જ નહિ. ત્રિકાળી દ્રવ્યસ્વભાવમાં રાગ કે રાગનું કર્તાપણું છે જ નહિ. આવા ત્રિકાળી શુદ્ધ આત્મદ્રવ્યને જાણનારી જ્ઞાનની પર્યાય, પર્યાયમાં અંશે રાગાદિ છે એને પણ જાણે છે, અને તે પોતાનું કાર્ય છે, પરિણમન છે અને પોતે એનો કર્તા છે એમ વ્યવહારે જાણે છે.
ભાઈ! નિશ્ચયથી વિકારનું કર્તા-કર્મપણું જ્ઞાનીને નથી; તથાપિ પર્યાય અપેક્ષાએ વ્યવહારથી તે વર્તમાન વિકારનો કર્તા-ભોક્તા છે. જ્યાં જે અપેક્ષાથી કથન હોય તે અપેક્ષા લક્ષમાં લઈ તેનો ભાવ બરાબર સમજવો જોઈએ.
વિકાર થવામાં પરદ્રવ્યની સાથે શું સંબંધ છે? પરદ્રવ્ય તો પોતાથી તદ્ન ભિન્ન છે. પર્યાયમાં જે વિકાર થયો તે પોતાનો જ અપરાધ છે. તથાપિ તે કરવા લાયક છે એવી બુદ્ધિ જ્ઞાનીને છૂટી ગઈ છે. પર્યાયમાં પરિણમન છે એ અપેક્ષાએ ત્યાં વ્યવહારથી કર્તા કહેવામાં આવે છે, પણ સ્વભાવ દ્રષ્ટિએ એનું સ્વામિત્વ જ્ઞાનીને નથી. (એ અપેક્ષાએ જ્ઞાની રાગનો અકર્તા છે.)
આત્મામાં વિકારને-રાગને ન કરે એવો અકર્તા નામનો ગુણ છે. દયા, દાન, વ્રત, ભક્તિ આદિના રાગને ન કરે એવી આત્મામાં અકર્તૃત્વ નામની શક્તિ છે. જ્ઞાનમાં જ્યાં જ્ઞાયકભાવને પકડયો ત્યાં શુભાશુભ વિકારભાવોનું કર્તાપણું મટી જાય છે; આ અકર્તૃત્વ શક્તિનું નિર્મળ પરિણમન છે. આ પ્રમાણે જ્ઞાયકના લક્ષે ઉત્પન્ન થયેલી જ્ઞાનજ્યોતિ અજ્ઞાનરૂપ કર્તા-કર્મની પ્રવૃત્તિને બધી તરફથી મટાડી દે તેવી ધીર છે, અનાકુળ છે. ભાઈ! આવી જૈનધર્મની સૂક્ષ્મ વાત દિગંબર ધર્મ સિવાય બીજે કયાંય નથી, અને આ જ વાત સત્ય છે. લોકોએ બહારથી કલ્પ્યો છે એવો જૈનધર્મ છે જ નહિ. અહીં