૧૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૪
કહે છે કે અંદર જ્યાં જ્ઞાનસ્વભાવી શુદ્ધ આત્માને ગ્રહ્યો ત્યાં જ્ઞાની-ધર્મી એમ જાણે છે કે હું અત્યંત ધીર છું, અનાકુળ આનંદરૂપ છું. આ જૈનધર્મ છે.
દ્રવ્યોને પ્રકાશવાનો જેનો સ્વભાવ હોવાથી ‘विश्वम् साक्षात् कुर्वत्’ સમસ્ત લોકાલોકને સાક્ષાત્ કરે છે-પ્રત્યક્ષ જાણે છે. શું કહ્યું? કે જ્ઞાતાસ્વભાવના આશ્રયે જે જ્ઞાનપર્યાય પ્રગટી તેનો સ્વભાવ જુદાં જુદાં દ્રવ્યોને પ્રકાશવાનો છે. જ્ઞાનનો સવિકલ્પ સ્વભાવ છે. એટલે જેટલાં (અનંત) દ્રવ્ય- ગુણ-પર્યાય છે તે સર્વને ભિન્નભિન્નપણે જાણે એવો એનો સ્વભાવ છે. કેવળજ્ઞાનની પર્યાયમાં કે શ્રુતજ્ઞાનની પર્યાયમાં પરની સહાય વિના જુદાં જુદાં દ્રવ્યોને-દ્રવ્ય-ગુણ-પર્યાય-બધાંને પ્રકાશવાનો સ્વભાવ છે. અહીં કહે છે કે અપરિમિત સ્વભાવથી ભરેલી શુદ્ધ ચૈતન્યપ્રકાશમય વસ્તુ જે આત્મા-એમાં ઢળતાં જ્ઞાનમાં એવું સામર્થ્ય પ્રગટ થયું કે તે દ્રવ્યને-સ્વને જાણે અને લોકાલોકને પણ જાણે. જ્ઞાનની પર્યાયનો આવો સ્વપરપ્રકાશક સ્વભાવ પોતાથી છે. અહો! કરે નહિ કોઈનું (પરિણમન) અને જાણે સૌને-લોકાલોકને એવો જ્ઞાનસ્વભાવી આત્મા છે.
‘આવો જ્ઞાનસ્વરૂપ આત્મા છે તે, પરદ્રવ્ય તથા પરભાવોના કર્તાપણારૂપ અજ્ઞાનને દૂર કરીને, પોતે પ્રગટ પ્રકાશમાન થાય છે.’ જુઓ, શરીર, મન, વાણી, કુટુંબ, દેશ ઇત્યાદિનું હું કરું એ કર્તાપણાનું અજ્ઞાન છે. દેહને આમ સદ્-ઉપયોગમાં વાળું, લક્ષ્મીનો સદુપયોગ કરું, દેશને સુધારી દઉં, દાનાદિ વડે પુણ્ય ઉપજાવું ઇત્યાદિ પ્રવૃત્તિ એ કર્તાપણાનું અજ્ઞાન છે. જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્મા આવા અજ્ઞાનને દૂર કરીને પોતે પ્રગટ પ્રકાશમાન થાય છે. પોતે એટલે પરની અપેક્ષા વિના, રાગની મંદતાની અપેક્ષા વિના, વ્યવહારની અપેક્ષા વિના, ભેદના લક્ષ વિના અભેદ એક નિર્મળ જ્ઞાનસ્વભાવના લક્ષે જ્ઞાનજ્યોતિ પ્રગટ પ્રકાશમાન થાય છે. આ કળશનો ભાવાર્થ છે.
હવે, જ્યાં સુધી આ જીવ આસ્રવના અને આત્માના વિશેષને (તફાવતને) જાણે નહિ ત્યાં સુધી તે અજ્ઞાની રહ્યો થકો, આસ્રવોમાં પોતે લીન થતો, કર્મોનો બંધ કરે છે એમ ગાથામાં કહે છેઃ-
અહા! કુંદકુંદાચાર્યદેવ ગાથાઓમાં કહે છે કે સર્વદર્શી-સર્વજ્ઞ ભગવાન આમ કહે છે.
પ્રશ્નઃ– જો ભગવાન કહે છે તો ભગવાન વાણીના કર્તા છે કે નહિ?
ઉત્તરઃ– પરમાર્થે ભગવાન વાણીના કર્તા નથી. વાણી તો જડ છે. એનો કર્તા આત્મા નથી. ભગવાન આમ કહે છે એમ જે અહીં કહ્યું છે એ તો વ્યવહાર નયનું