૧૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૪
વિકાર તે હું એમ માને છે અને તેથી રાગાદિ વિકારમાં પોતાપણે વર્તે છે. પણ ભાઈ! રાગ એ તો ઝેર છે બાપુ! ઝેર પીતાં પીતાં અમૃત (આત્મા)નો સ્વાદ ન આવે, રાગ છે એ રોગ છે અને રાગ મારો એવો મિથ્યાત્વભાવ મહાન રોગ છે. કહ્યું છે ને કે ‘આત્મ-ભ્રાન્તિ સમ રોગ નહિ, સદ્ગુરુ વૈદ્ય સુજાણ.’ અનાદિનો એને આત્મભ્રાન્તિનો રોગ લાગુ પડયો છે. તેને મટાડવાની આ વાત ચાલે છે.
આત્મા અંતરમાં સ્વભાવથી ભગવાન સ્વરૂપે બિરાજે છે. તેને ભૂલીને અજ્ઞાની નિઃશંક રીતે ક્રોધાદિ વિભાવોમાં પોતાપણે વર્તે છે. ‘અને ત્યાં (ક્રોધાદિમાં પોતાપણે) વર્તતો તે, જોકે ક્રોધાદિ ક્રિયા પરભાવભૂત હોવાથી નિષેધવામાં આવી છે તોપણ તે સ્વભાવભૂત હોવાનો તેને અધ્યાસ હોવાથી ક્રોધરૂપ પરિણમે છે, રાગરૂપ પરિણમે છે, મોહરૂપ પરિણમે છે.’
શું કહ્યું? ક્રોધાદિ ક્રિયા પરભાવભૂત હોવાથી નિષેધવામાં આવી છે. વ્યવહાર રત્નત્રયના પરિણામ, દયા, દાન, વ્રતાદિના પરિણામ સંયોગીભાવ હોવાથી પરભાવભૂત છે. તેથી તે વિકારી ક્રિયા નિષેધવામાં આવી છે. છતાં તે રાગની ક્રિયા મારી પોતાની ક્રિયા છે એમ માનવાનો તેને ચિરકાળથી અધ્યાસ છે. અહા! રાગ છે તે મારો સ્વભાવ છે એમ માનવાની અજ્ઞાનીને ટેવ-આદત થઈ ગઈ છે. તેથી જેમ વિષ્ટાના કીડાને ફરી ફરીને વિષ્ટામાં જવાની ટેવ પડી ગઈ હોય છે તેમ અજ્ઞાનીને વારંવાર ક્રોધરૂપે, રાગરૂપે અને મોહરૂપે પરિણમવાની ટેવ પડી ગઈ છે. તે પ્રમાણે તે નિઃશંક ક્રોધરૂપે પરિણમે છે, રાગરૂપે પરિણમે છે, મોહરૂપે પરિણમે છે. આ રીતે તે રાગાદિમાં એકપણે પરિણમતો મિથ્યાત્વના ભાવરૂપે પરિણમે છે.
‘હવે અહીં, જે આ આત્મા પોતાના અજ્ઞાન ભાવને લીધે, જ્ઞાનભવનમાત્ર જે સહજ ઉદાસીન (જ્ઞાતા-દ્રષ્ટા માત્ર) અવસ્થા તેનો ત્યાગ કરીને અજ્ઞાનભવન વ્યાપારરૂપ અર્થાત્ ક્રોધાદિ વ્યાપારરૂપ પ્રવર્તતો પ્રતિભાસે છે તે કર્તા છે.’ જ્ઞાનવ્યાપારથી ભિન્ન લક્ષણવાળા પુણ્ય-પાપના જે ક્ષણિક વિકારો પર્યાયમાં થાય છે એ જ જાણે પોતાનો સ્વભાવ હોય એમ અજ્ઞાની માને છે. આમ રાગાદિ વિકારથી એકત્વ માનનારો અજ્ઞાની, જ્ઞાતાદ્રષ્ટાની સહજ ઉદાસીન અવસ્થાને છોડી દઈને રાગાદિ વિકારનો કર્તા થાય છે. અહાહા....! વસ્તુનો સહજ ચૈતન્યસ્વભાવ તો એવો છે કે એમાંથી જ્ઞાતાદ્રષ્ટાની સહજ ઉદાસીન નિર્મળ અવસ્થા જ થાય વિકારની નહિ, કેમકે વસ્તુમાં વિકાર છે જ કયાં? જ્ઞાનભવનમાત્ર એટલે જાણવું, જાણવું, જાણવું-એમ સહજ જાણનરૂપ જ્ઞાતાદ્રષ્ટાના પરિણમનની ક્રિયા થવી જોઈએ. પરંતુ અજ્ઞાન વડે તેનો ત્યાગ કરીને અજ્ઞાની ક્રોધાદિ ક્રિયામાં એકત્વપણે પ્રવર્તે છે અને તેથી ક્રોધાદિમાં પ્રવર્તતો તે ક્રોધાદિનો કર્તા છે.
પ્રશ્નઃ- જ્ઞાનીને પણ પર્યાયમાં રાગાદિ થાય છે ને?