સમયસાર ગાથા ૬૯-૭૦ ] [ ૧૭
પરિણમતો નથી. હું રાગાદિનો કર્તા છું એમ એને રાગાદિનું સ્વામિત્વ નથી. એ તો પર્યાયમાં થતા રાગાદિને જાણવાપણે જ પરિણમે છે. જુઓ! મુનિરાજ અમૃતચંદ્રાચાર્યને ટીકાના કાળમાં ટીકા કરવાનો વિકલ્પ ઉત્પન્ન થયો છે, પણ તે વિકલ્પના કર્તાપણે પરિણમ્યા નથી, પણ સહજ જાણવાપણે-જ્ઞાતાપણે પરિણમ્યા છે. અહીં કહે છે કે અજ્ઞાની સહજ ઉદાસીન જાણનક્રિયાનો ત્યાગ કરીને, રાગમાં એકત્વ સ્થાપીને રાગાદિ ક્રિયામાં પ્રવર્તે છે અને તેથી તે રાગાદિનો કર્તા છે. તેને જ્ઞાન પ્રતિભાસવાને બદલે એકલા રાગાદિ જ પ્રતિભાસે છે અને તેથી રાગાદિમાં પ્રવર્તતો તે રાગાદિનો કર્તા છે. ‘અને જ્ઞાનભવનવ્યાપારરૂપ પ્રવર્તનથી જુદાં, જે ક્રિયમાણપણે અંતરંગમાં ઉત્પન્ન થતાં પ્રતિભાસે છે એવાં ક્રોધાદિક તે, (તે કર્તાનાં) કર્મ છે.’ નિર્મળ જ્ઞાનના પરિણમનથી જુદા-વિરુદ્ધ લક્ષણવાળા જે પોતાથી (હું કરું છું એવા અભિપ્રાયથી) કરાય છે એવા અંતરંગમાં ઉત્પન્ન થતા ક્રોધાદિક ભાવ તે મારાં કર્મ છે એમ અજ્ઞાની માને છે. આત્મા કર્તા અને ક્રોધાદિક ભાવ તે મારું કર્મ-આ પ્રમાણે અનાદિકાળની અજ્ઞાનથી થયેલી આ આત્માની કર્તાકર્મની પ્રવૃત્તિ છે. અને આ જ સંસારનું કારણ છે. આત્મા પરનો અકર્તા છે, કેમકે તે પરથી ભિન્ન છે. બીજાને સુધારવા-બગાડવા એ તો અજ્ઞાનભાવે પણ આત્માનું કર્મ નથી. બાપુ! આ સમજ્યે જ છૂટકો છે હો. જોતા નથી! ક્ષણવારમાં દેહ છોડીને ચાલ્યા જાય છે. ભાઈ! આ સમજ્યા વિના તે કયાં જશે? કયાં ઉતરશે? સ્વરૂપને સમજ્યા વિના આ કર્તાકર્મની પ્રવૃત્તિ ઊભી જ રહે છે, અને ત્યાં સુધી જન્મ-મરણની પરંપરા ઊભી જ રહે છે. સ્વરૂપ સમજ્યે જ જન્મ-મરણનો અંત આવે તેવો છે. હવે કહે છે-‘એ રીતે પોતાના અજ્ઞાનને લીધે કર્તાકર્મભાવ વડે ક્રોધાદિમાં વર્તતા આ આત્માને, તે જ ક્રોધાદિની પ્રવૃત્તિરૂપ પરિણામને નિમિત્તમાત્ર કરીને પોતે પોતાના ભાવથી જ પરિણમતું પૌદ્ગલિક કર્મ એકઠું થાય છે.’ જુઓ! આત્મા અજ્ઞાનભાવે ક્રોધાદિનો કર્તા થાય છે. ત્યાં તે ક્રોધાદિ પરિણામને નિમિત્તમાત્ર કરીને પોતાના ભાવથી જ પુદ્ગલકર્મ બંધાય છે. નિમિત્તમાત્ર કરીને-એમ કહ્યું છે. એનો અર્થ એ કે નિમિત્તની ઉપસ્થિતિ છે, બસ એટલું જ. જીવને ક્રોધાદિ ભાવ થાય છે માટે ત્યાં કર્મ એકઠું થાય છે એમ નથી. કર્મ, કર્મના રજકણના સામર્થ્યથી બંધાય છે. રજકણમાં પરિણમવાનું સામર્થ્ય છે. લખ્યું છે ને કે ‘પોતે પોતાના ભાવથી જ પરિણમતું પૌદ્ગલિક કર્મ એકઠું થાય છે.’ અહો! આ તો સ્વતંત્રતાનો ઢંઢેરો છે! આવી સ્વતંત્રતાની વાત દિગંબર ધર્મ સિવાય બીજે કયાંય નથી. અરે! દિગંબરમાં પણ આ કાળે એને સમજનારા બહુ અલ્પ જીવો છે! જીવ અજ્ઞાનવશ શુભાશુભ વિકારભાવે પરિણમે છે ત્યારે તે વખતે કર્મપણે