૧૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૪
પરિણમવાની પૌદ્ગલિક કર્મ-રજકણોની લાયકાત છે તેથી સ્વકાળે તે કર્મની અવસ્થા થાય છે. જીવના શુભાશુભ પરિણામને લઈને નવું કર્મ બંધાય છે એમ નથી. શુભાશુભ પરિણામ તો બાહ્ય નિમિત્તમાત્ર છે. કર્મ રજકણો પોતાની મેળે સ્વતંત્ર પરિણમી જાય છે. અહો! સમયસારની ટીકા અદ્ભુત અને અજોડ છે! આવી વાત સાંભળવા મળે એ જીવનું મહા સૌભાગ્ય છે. અને તેનો ભાવ સમજે એ તો ન્યાલ થઈ જાય એવી આ ચીજ છે.
અહા! જ્ઞાનરૂપે ન પરિણમતાં રાગરૂપે પરિણમ્યો-એ તેનો સ્વકાળ છે માટે રાગરૂપે પરિણમ્યો છે. કર્મનો ઉદય છે માટે રાગરૂપે પરિણમ્યો છે એમ નથી. તથા જ્ઞાનરૂપે પરિણમતાં કર્મનો અભાવ થયો માટે કર્મનો અભાવ થયો તેથી જ્ઞાનરૂપે પરિણમ્યો એમ પણ નથી. જ્ઞાન અને આત્મા એક છે-એમ જે જ્ઞાનમાં પોતાપણે વર્તતો પરિણમ્યો તે દર્શનમોહનો અભાવ છે માટે પરિણમ્યો છે એમ નથી. તથા દર્શનમોહનો ઉદય છે માટે મોહભાવે પરિણમ્યો છે એમ પણ નથી. (બન્નેની પરિણમનધારા સ્વતંત્ર છે). નિમિત્ત છે, બસ એટલી વાત છે. પરમાણુમાં કર્મરૂપ અવસ્થા થવાનો તેનો સ્વકાળ છે તેથી પોતાની યોગ્યતાથી કર્મરૂપ પરિણમે છે.
જીવના વિકારી ભાવને નિમિત્તમાત્ર કરીને કર્મ પોતે પોતાથી જ પરિણમતું ત્યાં એકઠું થાય છે. ‘આ રીતે જીવ અને પુદ્ગલનો પરસ્પર અવગાહ જેનું લક્ષણ છે એવા સંબંધરૂપ બંધ સિદ્ધ થાય છે.’ અહીં ટીકામાં ત્રણ પ્રકારના સંબંધ કહ્યા-
૧. જ્ઞાન અને આત્માનો તાદાત્મ્યસિદ્ધ સંબંધ. ૨. રાગ અને આત્માનો સંયોગસિદ્ધ સંબંધ. ૩. કર્મ અને આત્માનો પરસ્પર અવગાહસિદ્ધ સંબંધ.
વસ્તુનો સ્વભાવ જ્ઞાન અને વસ્તુ ધ્રુવ આત્મા એ બેનો તાદાત્મ્યસિદ્ધ સંબંધ છે અને તેમાં અભેદભાવે પરિણમવું તે ધર્મ છે.
રાગ અને આત્માનો સંયોગસિદ્ધ સંબંધ છે છતાં બેને એક માનીને પરિણમવું તે અજ્ઞાન છે.
કર્મ અને આત્માનો એક ક્ષેત્રાવગાહ સંબંધ છે. એટલે કે કર્મ અને આત્મા પરસ્પર એક જ્ઞેત્રમાં વ્યાપીને સંનિકટ રહે એવા સંબંધરૂપ બંધ છે. જીવના પરિણામનું નિમિત્ત પામીને કર્મના પુદ્ગલો એક ક્ષેત્રે અવગાહીને રહે છે તોપણ ભાવથી તદ્ન જુદા છે. એક ક્ષેત્રે રહે છે તેને પરસ્પર અવગાહ જેનું લક્ષણ છે એવા સંબંધરૂપ બંધ કહેવાય છે.
હવે કહે છે-‘અનેકાત્મક હોવા છતાં (અનાદિ) એક પ્રવાહપણે હોવાથી જેમાંથી ઈતરેતરાશ્રય દોષ દૂર થયો છે એવો તે બંધ, કર્તાકર્મની પ્રવૃત્તિનું નિમિત્ત જે અજ્ઞાન તેનું નિમિત્ત છે.’