Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 793 of 4199

 

સમયસાર ગાથા ૬૯-૭૦ ] [ ૨૧

કર્તા-એ વાત તો અહીં છે જ નહિ, કેમકે પરદ્રવ્ય તો ભિન્ન સ્વતંત્ર છે. એની ક્રિયાનો કર્તા તો અજ્ઞાની પણ નથી.

અરે! જીવને પોતાની દરકાર નથી કે અરે! મારું શું થશે? રાત-દિવસ રળવું-કમાવું, ખાવું-પીવું, હરવું-ફરવું ઇત્યાદિમાં જ સમય વીતી જાય છે. આ તો સમય (કલ્યાણ કરવાનો) વીતી જાય છે. ભાઈ! તું મરીને તત્ત્વની દ્રષ્ટિ વિના કયાં જઈશ? ત્રણલોકના નાથ દેવાધિદેવ પરમાત્મા કહે છે કે-તું આત્મા છો, પુણ્ય-પાપના ભાવ એ તો આસ્રવ છે. એ આસ્રવ તું નથી. આમ બન્નેની ભેદદ્રષ્ટિ કરી જ્ઞાનસ્વરૂપી નિજ આત્મતત્ત્વને ગ્રહણ કર, કેમકે તે સ્વભાવભૂત ક્રિયા છે, ધર્મની ક્રિયા છે.

તદ્ન સીધી સરળ વાત છે. સમજવા માગે તો સમજાય એમ છે. આત્મા અને આસ્રવનો જ્યાં લગી ભેદ જાણે નહિ ત્યાં સુધી કર્તાકર્મની પ્રવૃત્તિ પર્યાયમાં રહ્યા કરે છે.

ક્રોધાદિરૂપ પરિણમતો તે પોતે કર્તા છે અને ક્રોધાદિ તેનું કર્મ છે. ખરેખર તો તે સમયની પર્યાય તે જ કર્તા અને તે જ એનું કર્મ છે. જે શુભાશુભ રાગ પરિણામ છે એનો કર્તા એ પર્યાય, કર્મ પણ એ પર્યાય, સાધન-સંપ્રદાન, અપાદાન અને અધિકરણ -એ પર્યાય છે. પર્યાયનાં ષટ્કારક સ્વતંત્ર છે. એનાથી તે પરિણામ સ્વતંત્ર ઉત્પન્ન થાય છે. અજ્ઞાની તે વિકારી પરિણામનો પોતાને કર્તા માની વિકારીકર્મપણે પરિણમે છે અને તે સંસાર છે. એનાથી નવો બંધ થાય છે.

ધર્મી જીવ આત્મા અને રાગને ભિન્ન જાણતો જ્ઞાનની ક્રિયારૂપ પરિણમે છે. જ્ઞાનની ક્રિયાનો હું કર્તા અને જ્ઞાનની ક્રિયા તે મારું કર્મ એમ ધર્મી માને છે. ખરેખર તો જ્ઞાનની નિર્મળ પર્યાયનો કર્તા એ પર્યાય પોતે, એનું કર્મ પણ એ પર્યાય પોતે છે. નિર્મળ પર્યાય પણ એના ષટ્કારકથી સ્વતંત્રપણે ઉત્પન્ન થાય છે. ધ્રુવમાં એકાગ્ર થતાં જે સ્વભાવપર્યાય થઈ તે ધર્મ છે. એ પર્યાયનો કર્તા પર્યાય છે. અહીં આત્મા એનો કર્તા છે એમ કહ્યું તે અભેદથી વાત કરી છે.

‘અનાદિ અજ્ઞાનથી કર્તાકર્મની પ્રવૃત્તિ છે, કર્તાકર્મની પ્રવૃત્તિથી બંધ છે અને તે બંધના નિમિત્તથી અજ્ઞાન છે; એ પ્રમાણે અનાદિ સંતાન છે, માટે તેમાં ઈતરેતરાશ્રય દોષ આવતો નથી.’

જુઓ! સ્વરૂપના ભાન વિના વિકારનો સ્વામી થઈ જીવ પોતે વિકાર કરે ત્યારે નવો કર્મ-બંધ થાય છે. જે કર્મ બંધાય છે તે સ્વયં સ્વતઃ પોતાના કારણે બંધાય છે. કર્મરૂપે બંધાવાની લાયકાતવાળા પરમાણુ સ્વયં પોતાથી કર્મરૂપે પરિણમે છે. ત્યાં જીવ અને કર્મનું એકક્ષેત્રાવગાહે રહેવું એ સંબંધ છે, પણ એકબીજાના કર્તાકર્મપણે થવું એવો સંબંધ નથી.