૨૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૪
એ બંધના નિમિત્તથી અજ્ઞાન છે. એટલે કે એ બંધના ઉદયકાળે પોતે સ્વતંત્રપણે નવું અજ્ઞાન કરે છે ત્યારે પૂર્વકર્મનો બંધ નિમિત્ત છે. બંધને લઈને અજ્ઞાન છે એમ નથી પણ પોતે સ્વયં અજ્ઞાનરૂપે પરિણમે છે ત્યારે પૂર્વના બંધના ઉદયને તેનું નિમિત્ત કહેવામાં આવે છે. બંધનું તો નિમિત્ત છે, ઉપાદાન સ્વયં પોતાનું અજ્ઞાન (પર્યાય) છે. આ પ્રમાણે અનાદિ સંતાન છે, પ્રવાહ છે. નવા કર્મબંધનું નિમિત્ત અજ્ઞાનભાવ છે અને એ અજ્ઞાનભાવનું નિમિત્ત તો જૂનાં પૂર્વનાં કર્મનો ઉદય છે. આ પ્રમાણે અનાદિ પ્રવાહ છે, માટે એમાં ઇતરેતરાશ્રય દોષ આવતો નથી.
પ્રશ્નઃ- ‘मोहावरणक्षयात्’–શાસ્ત્રમાં તો એમ આવે છે ને?
ઉત્તરઃ– ‘મોહાવરણક્ષયાત્’ એટલે મોહનો સર્વથા ક્ષય થવાથી સર્વજ્ઞપદ પ્રગટ થાય છે. પરંતુ ત્યાં જે સ્વદોષ છે તે નિશ્ચયથી આવરણ છે અને કર્મનું નિમિત્ત છે તે વ્યવહારથી આવરણ છે.
વળી જ્યાં એમ આવે કે બે કારણોથી કાર્ય થાય છે-૧. ઉપાદાનકારણ અને ૨. સહકારીકારણ. ત્યાં એનો અર્થ એ છે કે સહકારી (નિમિત્તપણે) એક ચીજ છે તેનું જ્ઞાન કરાવ્યું છે, પણ સહકારી કારણથી ઉપાદાનમાં કાર્ય થાય છે એમ બીલકુલ નથી. રાગની ઉત્પત્તિ આત્મા સ્વતઃ પોતાના અજ્ઞાનભાવથી કરે છે અને કર્મનો બંધ પણ સ્વતઃ (રજકણોની) પોતાની યોગ્યતાથી થાય છે. વિકાર થવાની પોતાની યોગ્યતા છે અને જે કર્મ બંધાયાં તે એની યોગ્યતાથી બંધાયાં છે. વિકાર કર્યો માટે કર્મને બંધાવું પડયું એમ નથી, તથા કર્મના ઉદયના કારણે વિકાર થયો એમ પણ નથી. સર્વત્ર યોગ્યતા જ કાર્યની સાક્ષાત્ સાધક છે. નિમિત્ત એ વાસ્તવિક કારણ નથી, ઉપચારથી કારણ કહેવાય છે.
આ રીતે જ્યાં સુધી આત્મા અજ્ઞાનથી ક્રોધાદિ કર્મનો કર્તા થઈ પરિણમે છે ત્યાંસુધી કર્તાકર્મની પ્રવૃત્તિ છે અને ત્યાંસુધી કર્મનો બંધ થાય છે.