Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 799 of 4199

 

સમયસાર ગાથા ૭૧] [ ૨૭

હવે કહે છે-‘અને ક્રોધાદિકનું જે થવું-પરિણમવું તે જ્ઞાનનું પણ થવું-પરિણમવું નથી, કારણ કે ક્રોધાદિકના થવામાં જેમ ક્રોધાદિક થતાં માલૂમ પડે છે તેમ જ્ઞાન પણ થતું માલૂમ પડતું નથી.’ જીવ ક્રોધાદિ કષાયની રુચિપણે પરિણમે તે વખતે ચૈતન્ય-સ્વભાવપણે-જ્ઞાનપણે પણ પરિણમે એમ હોઈ શક્તું નથી એમ અહીં કહે છે.

જુઓ! કર્તાકર્મ સિદ્ધ કરવું છે ને! અહીં બે વાત કરી છે.

૧. જેને ચૈતન્યસ્વભાવમય શુદ્ધ આત્માની દ્રષ્ટિ થઈ તે જીવ (જ્ઞાની)ને પોતે જ્ઞાનપણે, આનંદપણે, શાંતિપણે પરિણમે છે એમ ભાસે છે પણ રાગપણે, આકુળતાપણે, અશાંતિપણે પરિણમે છે એમ માલૂમ પડતું નથી.

૨. અને સ્વભાવના ભાન વિના જ્યારે જીવ (અજ્ઞાની) ક્રોધાદિ કષાયની-રાગની રુચિપણે પરિણમે ત્યારે ક્રોધાદિ કષાયરૂપે થતો માલૂમ પડે છે પણ જ્ઞાનપણે-શુદ્ધપણે પરિણમતો માલૂમ પડતો નથી.

અહીં તો ચૈતન્યસ્વભાવ અને કર્મ વિભાવ એ બન્નેને ભિન્ન પાડયા છે. પર્યાય ઉપરની દ્રષ્ટિ છોડીને જેને દ્રવ્ય ઉપર દ્રષ્ટિ ગઈ એને જ્ઞાન અને આનંદનું જ કર્મ છે. એ જ્ઞાન અને આનંદનો જ કર્તા છે. ખરેખર તો પર્યાય પોતે કર્તા અને પર્યાય પોતે જ કર્મ છે. ૪૭ નયના અધિકારમાં જે એમ કહ્યું છે કે-રાગ છે તે મારું પરિણમન છે એમ જ્ઞાની જાણે છે ત્યાં, રાગમાં ભળીને એને જાણે છે એમ નથી, પણ રાગથી ભિન્ન રહીને જાણે છે. અહીં કહે છે કે ભગવાન પૂર્ણાનંદસ્વરૂપ આત્માનું જેને ભાન થયું તેને જ્ઞાન અને શાંતિનું જ એકલું વેદન છે. અને વ્રત, તપ, ભક્તિ, પૂજા ઇત્યાદિ શુભરાગથી ધર્મ થાય છે એમ જેને રાગની રુચિ છે એવો મિથ્યાદ્રષ્ટિ જીવ પોતે રાગપણે પરિણમતો ભાસે છે, પણ જ્ઞાનપણે પરિણમતો ભાસતો નથી.

પ્રશ્નઃ– તો શું જ્ઞાનીને રાગનું પરિણમન છે જ નહિ?

ઉત્તરઃ– ભાઈ! એમ નથી. પર્યાયમાં જ્યાં સુધી પુરુષાર્થની મંદતા છે ત્યાં સુધી જ્ઞાનીને (યથાસંભવ) રાગનું પરિણમન છે, પણ તે એને જાણે છે. વ્યવહારે જાણેલો પ્રયોજનવાન છે એમ (ગાથા ૧૨ માં) કહ્યું છે ને? એટલે કે રાગ જે અશુદ્ધતાનો અંશ છે તેને તે જાણે છે- જાણવાપણે પરિણમે છે (કર્તાપણે નહિ). ભાઈ! સ્વભાવની રુચિના પરિણમન વખતે વિકારની રુચિનું પરિણમન અને વિકારની રુચિના પરિણમન વખતે સ્વભાવની રુચિનું પરિણમન-એમ બે એક સમયમાં એકસાથે હોઈ શકે નહિ એમ અહીં કહે છે. આવી વાત જે ત્રિલોકીનાથ સર્વજ્ઞ પરમેશ્વરની દિવ્યધ્વનિમાં આવી તે પોતે અનુભવ કરીને સંતોએ જગત સામે જાહેર કરી છે.

કહે છે-માર્ગ તો આ જ છે. રાગથી ભિન્ન પડતાં જ્યાં ભેદજ્ઞાન થયું, સમ્યગ્દર્શન-સમ્યગ્જ્ઞાન થયું ત્યાં હું શુદ્ધપણે પરિણમું છું એમ જ્ઞાનીને ભાસે છે; અલ્પ અશુદ્ધ