૨૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૪ પરિણમન જે છે તે ત્યાં (દ્રવ્યદ્રષ્ટિની પ્રધાનતામાં) ગૌણ છે. અને ભેદજ્ઞાનના અભાવમાં જ્યાં એકલું અશુદ્ધતારૂપ પરિણમન ભાસે છે ત્યાં મિથ્યાદ્રષ્ટિને આત્મા શુદ્ધપણે ભાસતો જ નથી. પરની દયા હું પાળું છું એવા કર્તાપણાના ભાવના ભાસનમાં હું શુદ્ધ ચૈતન્યઘન જ્ઞાતાપણે પરિણમું છું એમ હોઈ શક્તું જ નથી. જ્ઞાતા વખતે કર્તા નહિ અને કર્તા વખતે જ્ઞાતા નહિ. અહો! દિગંબર સંતોએ કોઈ અલૌકિક માર્ગ બતાવ્યો છે!
‘આ રીતે આત્માને અને ક્રોધાદિકને નિશ્ચયથી એક વસ્તુપણું નથી.’ આત્માનો સ્વભાવ શુદ્ધ ચૈતન્ય છે. અને ક્રોધાદિ આસ્રવો છે એ આત્માથી વિરુદ્ધ સ્વભાવવાળા છે. તેથી આત્માનો સ્વભાવ અને ક્રોધાદિક વિભાવ એ બન્ને એક વસ્તુ નથી. ક્રોધાદિ ભાવો તો આત્માના સ્વભાવનો અનાદર અને અરુચિ થતાં થયેલા છે. તેથી આત્મા અને ક્રોધાદિક ભાવો એક નથી.
અહાહા...! આત્મા-વસ્તુ શુદ્ધ ચિદ્ઘન અતીન્દ્રિય આનંદનો પિંડ પ્રભુ છે. એની જેને અંતર્દ્રષ્ટિ થઈ તેને તો આત્મા જ્ઞાનપણે, નિરાકુળ આનંદપણે પરિણમેલો ભાસે છે, પરંતુ ક્રોધાદિક વિકારના પ્રેમમાં ફસાઈને જે પર્યાયબુદ્ધિએ વિકારપણે પરિણમ્યો તેને શુદ્ધ ચૈતન્યનું જ્ઞાતાપણે પરિણમન ભાસતું નથી-હોતું નથી. અહાહા...! કોઈ દ્રુર્દ્ધર તપ કરે, મૌન પાળે કે છ કાયના જીવની રક્ષા કરે, પણ જો તેને રાગની-ક્રોધાદિની રુચિ છે તો તેને ચૈતન્યનું શુદ્ધ જ્ઞાતાપણે પરિણમન ભાસતું નથી-હોતું નથી. ભાઈ! જેને પરલક્ષી ક્ષયોપશમવિશેષની પણ અધિકતા (ગૌરવ) ભાસે છે તેને પણ વિકારનું જ પરિણમન ભાસે છે. પરસત્તાવલંબી જ્ઞાનના પ્રેમમાં તેને ચૈતન્યસ્વભાવ પ્રત્યે અનાદર જ રહેલો છે. તેને ચૈતન્યસ્વરૂપી આત્મા અને તેના નિર્મળ જ્ઞાન-પરિણમનની ખબર જ નથી.
લોકોને આવી નિશ્ચયની વાત આકરી પડે છે, પણ શું થાય? એકાંત થઈ ગયું, એકાંત થઈ ગયું-એમ રાડો પાડે છે, પણ ભાઈ! આ તો સમ્યક્ એકાન્ત છે. બાપુ! વીતરાગ ધર્મની વાત જરા ધીરજ રાખીને સાંભળવા જેવી છે, સમજવા જેવી છે. ધર્મ એ કાંઈ બહારની પંડિતાઈનો વિષય નથી, એ તો અંતરની ચીજ છે. અનુભવની ચીજ છે.
કહ્યું નથી કે-વસ્તુનો સ્વભાવ તે ધર્મ? અહાહા...! વસ્તુનો સ્વભાવ શુદ્ધ જ્ઞાન અને આનંદ છે. અને તે એનો ત્રિકાળી ધર્મ છે. હવે તે ત્રિકાળીને લક્ષમાં લઈ નિર્મળ જ્ઞાન અને આનંદપણે પરિણમે તેનું નામ પ્રગટ ધર્મ છે. અને ત્રિકાળીનો અનાદર કરીને દયા, દાન, વ્રત, તપ આદિ પુણ્યભાવના પ્રેમમાં રોકાઈ વિકારપણે પરિણમે છે તે સ્વભાવથી વિરુદ્ધ અધર્મ છે, તેને ચૈતન્યસ્વભાવનું પરિણમન હોતું નથી.
અંતરમાં ચૈતન્યમૂર્તિ આનંદનો નાથ ભગવાન આત્મા નિત્ય બિરાજમાન છે. એનું અસ્તિત્વ જેને પોતાપણે ભાસ્યું નથી તેણે કયાંક તો પોતાપણે અસ્તિત્વ માન્યું છે ને! તેણે પર્યાયમાં જે ક્રોધાદિ કષાય છે તેમાં પોતાનું અસ્તિત્વ માન્યું છે. એટલે તે