સમયસાર ગાથા ૭૧] [ ૨૯ સ્વભાવને ભૂલીને ક્રોધાદિ કષાયપણે વિભાવ-સ્વભાવે પરિણમે છે. એનું આ પરિણમન અધર્મ છે.
અત્યારના લોકો મહા ભાગ્યશાળી છે કે આ કાળે આવી વાત તેમને સાંભળવા મળી છે. પ્રભુ! આ તો સર્વજ્ઞ વીતરાગની વાણી છે. સાંભળીને અંતરમાં નિર્ણય કર, તું ન્યાલ થઈ જઈશ. હવે અડધા કલાક પછી ભક્તિ થશે. પણ અહીં કહે છે-ભગવાનની ભક્તિનો જે ભાવ છે તે રાગ છે. એ રાગપણે હું છું એમ જે ભાસે છે તે અધર્મ છે, કેમકે હું આત્મા જ્ઞાનસ્વરૂપી છું એમ એમાં ભાસતું નથી.
પ્રશ્નઃ- સમકિતી નિરાસ્રવ છે, તેને રાગ હોય નહિ એમ શાસ્ત્રમાં આવે છે ને?
ઉત્તરઃ– હા, આવે છે. પણ કઈ અપેક્ષાએ? દ્રષ્ટિનો વિષય જે પોતાનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ છે એ અપેક્ષાએ જ્ઞાનીને રાગ નથી એમ કહ્યું છે. પરંતુ જ્ઞાનની અપેક્ષાએ જોવામાં આવે તો દશમા ગુણસ્થાને પણ જ્ઞાનીને સૂક્ષ્મ લોભ-પરિણામ છે. જ્ઞાનધારા અને કર્મધારા- સાધકને બન્ને સાથે વહે છે. જ્યારે અજ્ઞાનીને એકલી કર્મધારા, રાગની રુચિના પ્રેમની મિથ્યાત્વધારા જ વહે છે. જ્ઞાનીને એકલી જ્ઞાનધારા છે, પણ સાથે જે સ્વભાવથી વિરુદ્ધ રાગધારા છે તેને તે જાણી લે છે. આ જે રાગધારા છે તેટલું દુઃખ છે, બંધન છે-એમ તે જાણે છે. સમકિતી વિષયના રાગમાં જોડાયો હોય તોપણ તે રાગને જાણવાપણે પરિણમતો, હું રાગથી ભિન્ન જ્ઞાનસ્વરૂપી જ છું-એમ જ્ઞાનરૂપે જ પરિણમે છે. જ્ઞાની બન્નેને ભિન્ન-ભિન્ન પાડી જ્ઞાનરૂપે પરિણમે છે.
અહાહા! અંદરમાં આનંદનું ધામ ભગવાન આત્મા છે. એની એક સમયની જ્ઞાનની પર્યાયમાં આખો ધ્રુવ ભગવાન ભાસે, એની એક સમયની શ્રદ્ધાની પર્યાયમાં પૂર્ણાનંદનો નાથ પ્રતીતિમાં આવે-આનું નામ ધર્મ છે. આવા ધર્મસ્વરૂપે જ્ઞાનનું થવું-પરિણમવું તે મોક્ષમાર્ગ છે. પરંતુ જેમને પોતાના ધ્રુવ ચૈતન્ય સ્વભાવનું ભાન નથી તેઓ વર્તમાન રાગની રુચિમાં રોકાઈ જઈને કૃત્રિમ રાગને અનુભવનારા ક્રોધાદિની જ ક્રિયા કરવાવાળા છે, તે સ્વભાવના અભાવરૂપ વિભાવની જ ક્રિયા કરવાવાળા છે. (તેઓ સંસારમાં રખડનારા છે). આવું નગ્ન સત્ય જગતની પરવા કર્યા વિના દિગંબર સંતોએ જાહેર કર્યું છે. કોઈ માનો, ન માનો; સૌ સ્વતંત્ર છે.
આ રીતે આત્મા અને ક્રોધાદિક નિશ્ચયથી એક વસ્તુ નથી. ભાઈ! જો બન્ને એક હોય તો ભેદજ્ઞાન થતાં જુદી પડે જ કેવી રીતે? પરંતુ આવી સૂક્ષ્મ વાત લોકોને બેસે નહિ એટલે બહારના (વ્રત, તપ, આદિ) વ્યવહારમાં ચઢી જાય અને એનાથી લાભ (ધર્મ) થશે એવું માને પણ એથી તો ધૂળેય ધર્મ નહિ થાય. (પુણ્ય પણ સારા નહીં બંધાય).