Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 80 of 4199

 

ભાગ-૧ ] ૭૩

શુભભાવ અને રળવું, કમાવું, પરિગ્રહ રાખવો, અને વિષયવાસના આદિ પાપભાવોનું પરાવર્તન જીવે અનંત વાર કર્યું છે. આવા પંચપરાવર્તનરૂપ અનંત પરાવર્તોને લીધે જીવને ચાર ગતિમાં પરિભ્રમણ થયું છે. તેથી સંસારચક્રના ચક્રાવામાં પીસાઈ રહ્યો છે, દુઃખી થઈ રહ્યો છે.

હવે કહે છે કે સમસ્ત વિશ્વને એકછત્ર રાજ્યથી વશ કરનાર મોટું મોહરૂપી ભૂત તેની પાસે બળદની જેમ ભાર વહેવડાવે છે. જેનું રાજ્ય હોય તેનો સિક્કો (ચલણ) તે રાજ્યમાં ચાલે છે. અહીં પરમાત્મા કહે છે કે અકેન્દ્રિયથી માંડીને બધા સંસારી અજ્ઞાની જીવોમાં મિથ્યાત્વરૂપી વિપરીત માન્યતાનો સિક્કો ચાલે છે. મિથ્યાત્વનું એકછત્ર રાજ્ય વિશ્વમાં ચાલી રહ્યું છે. હજારો રાણી છોડીને નગ્ન દિગંબર સાધુ થયો, પણ અંતરમાં શુદ્ધ જ્ઞાનને ગ્રહ્યું નહીં. મિથ્યા અભિમાન કરીને ભ્રમણાને વશ થયો. એકછત્ર રાજ્યથી વશ કરનાર વિપરીત શ્રદ્ધા અર્થાત્ પરમાં સાવધાનીરૂપ મોટા મોહના ભૂતને આધીન થયો. આ મોહનું ભૂત તેની પાસે બળદની જેમ ભાર વહેવડાવે છે.

નવો આખલો હોય તે ગાડાની ધૂંસરી નીચે જલદી આવે નહીં, એને પલોટવો પડે; પણ અભ્યાસ થઈ ગયા પછી બળદ હોય તે ઝટ દઈને ધૂંસરી નીચે દાખલ થઈ જાય છે. તેમ જીવને અનાદિનો અભ્યાસ-આદત થઈ ગયેલ છે. અમારે બૈરાંછોકરાં પાળવાં જોઈએ, અમારે વ્યવહાર પાળવો જોઈએ, ધંધામાં ધ્યાન રાખવું જોઈએ એમ નિરંતર પરસન્મુખ થઈ રાગદ્વેષ કર્યા કરે છે. આનંદસ્વરૂપ ભગવાન આત્મા પ્રત્યે રુચિ કરવાને બદલે અનેક પ્રકારના પુણ્ય-પાપના ભાવોમાં રોકાઈ બળદની જેમ ભાર ઉપાડે છે, રાગ-દ્વેષનો બોજો ઉપાડે છે. વીતરાગી સંતો તેને કરુણા કરી માર્ગ બતાવે છે.

પુણ્ય-પાપના વિકલ્પોની એકતામાં બળદની જેમ મજૂરી કરે છે. પાંચ- પચીસલાખ રૂપિયા (ધૂળ) હોય, તેને મેળવવાની, સાચવવાની, અને આપવા-લેવાની એ બધી મજૂરી છે. મોહરૂપી ભૂત આ બધી મજૂરી કરાવે છે. પાપ કરીને સ્ત્રી-પુત્રને પોષે, છોકરા-છોકરી પરણાવે ઈત્યાદિ. ભાઇ! આ તો વીતરાગી સંતોની વાત. તે જગતને જાહેર કરે છે કે આ મોહરૂપી ભૂત જગત પાસે બળદની જેમ ભાર વહેવડાવે છે.

વળી તેને જોરથી ફાટી નીકળેલા તૃષ્ણારૂપી રોગના દાહથી અંતરંગમાં પીડા પ્રગટ થઈ છે, તેથી આકળો બનીને મૃગજળ જેવા વિષયગ્રામને ઘેરો ઘાલે છે. મોહવશ, વસ્તુના સ્વરૂપની ભ્રમણાને લીધે, આ જોઈએ અને તે જોઈએ એમ તૃષ્ણારૂપી રોગ તેને થયો છે. આ તૃષ્ણારૂપી રોગથી તે અત્યંત પીડિત છે. આ પીડાનો દાહ તેને બાળે છે. બળતરાનો