ઉપાય કરવા તે ઈન્દ્રિયોના વિષયો તરફ ઝુકાવ કરે છે. તૃષ્ણારૂપી રોગની પીડા સહન નહીં થવાથી તે આકળ-વિકળ બની સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, અને શબ્દ એવા વિષયો તરફ ઝૂકે છે, વિષયોમાં જ ઝંપલાવે છે. પરંતુ અરેરે! આ વિષયો તો મૃગજળ જેવા છે.
જેમ ખારી જમીનમાં સૂર્યનાં કિરણો પડે તો તે પાણી જેવું દેખાય પાણી છે નહીં, માત્ર દેખાય છે. તેમ પંચેન્દ્રિયના વિષયો રમ્ય છે નહીં, માત્ર દેખાય છે. તેથી આ વિષયો તો મૃગજળ જેવા છે, દેખાવમાત્ર રમ્ય છે. આ જાણી લઉં, આ ખાઈ લઉં, આ સાંભળી લઉં, આ ભોગવી લઉં, સ્ત્રી, મકાન ઈત્યાદિ ભોગવી લઉં એમ એકસાથે વિષયોના સમૂહમાં કૂદી પડે છે. અહા! સિત્તેર, સિત્તેર વર્ષના આયુષ્ય વીતી ગયાં તેમાં રાગ-દ્વેષ, પુણ્ય-પાપના વિકલ્પોની મજૂરી જ એણે કરી છે. કરોડપતિ અને અબજોપતિ મોટા તૃષ્ણારૂપી રોગના દાહને શમાવવા મૃગજળ જેવા વિષયોને સેવે છે, પણ તેમાં ક્યાંય સુખ મળે એમ નથી. મફતનો મિથ્યા ફાંફાં જ મારે છે.
વળી તે જીવો પરસ્પર આચાર્યપણું પણ કરે છે. એટલે કે બીજાને કહી તે પ્રમાણે અંગીકાર કરાવે છે. આચાર્યપણું કરે છે એટલે એકબીજાને સમજાવે છે, શિખામણ આપે છે કે આપણે આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ, છોકરાંને ભણાવવાં જોઈએ, મોટાં કરવા જોઈએ, પરણાવવાં જોઈએ. વ્યવહારમાં તો બધું કરવું જોઈએ ને? ધર્મ તો વૃદ્ધાવસ્થામાં કરશું હમણાં તો આપણી ફરજ બજાવવી જોઈએ, ઈત્યાદિ પરસ્પર આચાર્યપણું કરે છે. આવા જીવલોકને મિથ્યાત્વરૂપી ભ્રમણા થઈ રહી છે. જેમ વંટોળિયામાં તણખલું ઊડીને ક્યાં જઈ પડશે તેની ખબર નથી તેમ આ સંસારમાં રખડતા જીવો મરીને કાગડે, કૂતરે,.. . ક્યાં ચાલ્યા જશે? અરે! ચોરાશીના અવતાર કરી-કરીને જીવો દુઃખી દુઃખી થઈ રહ્યા છે, દુઃખમાં પીલાઈ રહ્યા છે.
અંદર આનંદનો નાથ પોતે છલોછલ સુખથી ભરેલો છે તેની સામે નજર કોઈ દિવસ કરી નહીં. આનંદના નિધાન પ્રભુ પરમાત્માની સામે નજર ન કરતાં ઈચ્છા અને ઈચ્છાનું ભોગવવું એમ કામભોગની કથા અનંતવાર સાંભળી, પરિચયમાં લીધી અને અનુભવમાં પણ લીધી. તેથી આ કામભોગ બંધની કથા સૌને સુલભ છે એટલે કે સૌને સહેલાઈથી પ્રાપ્ત થાય તેવી છે.
કામભોગની કથા કહેતાં વિષયો સંબંધી રાગની અને રાગના ભોગવવાની કથા અનંતવાર સાંભળી છે. વિષયભોગ લેવો તે એકલો કામભોગ નથી. જીવ સ્ત્રીના શરીરને ભોગવતો નથી. શરીર તો હાડ, માંસ, ચામડાં છે. એ તો અજીવ છે, જડ છે. એને તે ઈષ્ટ ગણીને રાગ કરે છે. તે રાગને અનુભવે છે, ભોગવે છે, શરીરને નહીં. એમ મેસુબ, પાક વગેરે