જીવ ખાતો (ભોગવતો) નથી, એ ક્રિયા તો જડની છે. એ ઉપર લક્ષ જાય એટલે રાગને ભોગવે છે. જડને શું ભોગવે? આત્મા તો અરૂપી છે, રૂપીને તે કઈ રીતે ભોગવે? અરે! કોઈ દિવસ સાંભળ્યું નથી. જેમ કૂતરો સૂકું હાડકું ચાવે ને દાઢમાં લોહી નીકળે. ત્યાં એને એમ થાય કે હાડકામાંથી લોહી આવે છે. તેમ અજ્ઞાની દેહ, વાણી, લાડું, દાળ, ભાત ખાય ત્યાં એના રાગનો સ્વાદ જણાય છે, પણ તે એમ માને કે દેહ, વાણી આદિમાંથી સ્વાદ આવે છે. એને ખબર નથી કે શું ભોગવાય છે. આંધળે આંધળો હાલ્યો જાય છે. એણે કદી આત્માની વાત સાંભળી જ નથી.
અરે! આ સાંભળવાની જે ઈચ્છા છે એ પણ વિષય છે. ત્યાં એની પ્રીતિમાં રોકાઈ જાય છે એ પણ વિષય છે. ભાઈ! ઊંડી વાત છે. આ તો અધ્યાત્મની કથા છે. બાપુ! જીવની ભૂલ શું છે અને એ કેમ થાય છે એ બતાવે છે. એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના જીવો-દેવો, શેઠિયા, કરોડપતિઓ, જે બધા ધૂળના (સંપત્તિના) ધણી કહેવાય છે તે બધાએ રાગની વાતો સાંભળી છે અને રાગને ભોગવી રહ્યા છે. તેથી તે તો એ સૌને સુલભ છે. પરંતુ રાગથી ભિન્ન સહજ શુદ્ધ આત્માનું એકપણું સુલભ નથી.
નિર્મળ ભેદજ્ઞાનરૂપ પ્રકાશથી સ્પષ્ટ ભિન્ન દેખવામાં આવે છે એવું આ ભિન્ન આત્માનું એકપણું જ સુલભ નથી. જુઓ, રાગથી ભિન્ન અને પરલક્ષી જ્ઞાનથી પણ ભિન્ન અને પોતાથી અભિન્ન એવા આત્માનું એકપણું, નિર્મળ ભેદજ્ઞાનરૂપ પ્રકાશથી સ્પષ્ટ ભિન્ન દેખવામાં આવે છે. જીવે પરલક્ષી જ્ઞાન પણ અનંત વાર કર્યું છે. અગિયાર અંગ અને નવપૂર્વનું જ્ઞાન છે એ પણ પરલક્ષી જ્ઞાન છે, એનાથી આત્માનું એકપણું ભિન્ન દેખાતું નથી. રાગ અને પરનું લક્ષ છોડી સ્વદ્રવ્યના ધ્યેય અને લક્ષે જે ભેદજ્ઞાન થાય એ ભેદજ્ઞાનથી આત્માનું એકપણું દેખવામાં આવે છે. જેમ પ્રકાશમાં જ ચીજ સ્પષ્ટ દેખાય તેમ ભેદજ્ઞાનપ્રકાશમાં જ આત્મવસ્તુ સ્પષ્ટપણે ભિન્ન દેખાય છે. નિર્મળ ભેદજ્ઞાનપ્રકાશ વડે આત્માનું એકપણું સ્પષ્ટ દેખવું એ મુદની વાત છે, ભાઈ! બાકી દયા પાળો, ભક્તિ કરો, વ્રત કરો ઈત્યાદિ બધાં થોથાં છે.
અહો! માત્ર આ ભિન્ન આત્માનું એકપણું સ્વભાવથી જ સદા પ્રગટપણે અંતરંગમાં પ્રકાશમાન છે, તે ભેદજ્ઞાનપ્રકાશથી દેખાય છે. આનંદનો નાથ ચૈતન્યચમત્કાર પ્રભુ અંદરમાં પ્રકાશમાન છે તેને ભેદજ્ઞાનપ્રકાશથી જોવા કદી દરકાર કરી નથી. આવું અંદરમાં ચકચકાટ કરતી આત્મવસ્તુનું એકપણું કષાયચક્ર સાથે એકરૂપ જેવુું કરવામાં આવતું હોવાથી અત્યંત તિરોભાવ પામ્યું છે, ઢંકાઈ ગયું છે. દયા. દાન, ભક્તિ આદિ શુભ વિકલ્પો અને હિંસાદિ અશુભ વિકલ્પોમાં એકરૂપ થતાં (માનતાં) ભગવાન આત્માનું એકપણું ઢંકાઈ ગયું છે.