અહાહા! ભેદજ્ઞાનપ્રકાશથી સ્પષ્ટ દેખવામાં આવે છે એવી અંતરંગમાં ચકચકાટ કરતી જ્ઞાનરૂપી પ્રકાશની મૂર્તિ અસંખ્ય પ્રકારના શુભાશુભ વિકલ્પો સાથે એકરૂપ જેવી માનવામાં આવતાં ઢંકાઈ ગઈ છે, રાગની એકત્વબુદ્ધિ આડે એ નજરમાં આવતી નથી.
રાગના વિકલ્પો અને પરલક્ષી જ્ઞાન એ જ જાણે મારી ચીજ છે એવી માન્યતાને આડે જ્ઞાયક પ્રકાશમાન ચૈતન્યજ્યોતિ ઢંકાઈ ગઈ છે. પોતામાં અનાત્મજ્ઞપણું હોવાથી અર્થાત્ પોતાને આત્માના જ્ઞાનનો અભાવ હોવાથી અંદર પ્રકાશમાન ચૈતન્યચમત્કાર વસ્તુ પડી છે તેને કદીય જાણી કે અનુભવી નથી. પોતે આત્માનું એકપણું નહીં જાણતો હોવાથી તથા આત્માને જાણનારા સંતો-જ્ઞાનીઓની સંગતિ-સેવા નહીં કરી હોવાથી ભિન્ન આત્માનું એકપણું કદી સાંભળ્યું નથી, પરિચયમાં આવ્યું નથી અને તેથી અનુભવમાં પણ આવ્યું નથી. આત્મજ્ઞ સંતોએ રાગથી અને પરલક્ષી જ્ઞાનથી ભિન્ન આત્માનું એકપણું કહ્યું, પણ તે એણે માન્યું નહીં તેથી તેમની સંગતિ-સેવા કરી નહીં એમ કહ્યું છે. ગુરુએ જેવો આત્મા કહ્યો તેવો માન્યો નહીં, પરંતુ બાહ્ય પ્રવૃત્તિમાં જીવ રોકાઈ ગયો. દયા, દાન, વ્રત, તપ, ભક્તિ ઈત્યાદિના શુભરાગમાં ધર્મ માનીને રોકાઈ ગયો.
ભાઈ! લોકો માને છે તેનાથી માર્ગ તદ્ન જુદો છે. સમ્યગ્દર્શન અને તેનો વિષય જેનાથી જન્મ-મરણનો અંત આવે એ વાત તદ્ન જુદી છે. દિગંબર સંતોએ અને કેવળીઓએ તે કહી છે, તેણે સાંભળી પણ છે, પરંતુ માની નથી તેથી સંગતિ- સેવા કર્યાં નહીં એમ કહે છે. સાંભળવા તો મળ્યું છે કેમકે સમોસરણમાં અનંત વાર ગયો છે. સમોસરણમાં એટલે ત્રણલોકના નાથ દેવાધિદેવ અરિહંત પરમાત્માની ધર્મસભામાં, જ્યાં ઈન્દ્રો અને એકાવતારી પુરુષો, વાઘ અને સિંહ આદિ બેઠા હોય છે ત્યાં અનંત વાર ગયો છે. પણ કેવળી આગળ રહી ગયો કોરો, કેમકે કેવળી ભગવાને જેવો શુદ્ધાત્મા ભિન્ન બતાવ્યો તેવો માન્યો નહીં. ભગવાનની દિવ્યધ્વનિનો સાર જે શુદ્ધાત્મા તે અભિપ્રાયમાં લીધો નહીં. માત્ર દ્રવ્યક્રિયાનો અભિપ્રાય પકડી દ્રવ્યસંયમ પાળવામાં મગ્ન થયો. એવો દ્રવ્યસંયમ પાળી અનંતવાર નવમી ગ્રૈવેયકનો દેવ થયો. છ-ઢાળામાં આવે છે ને કેઃ-
દ્રવ્યસંયમ પાળવાનો ભાવ તો શુભભાવ હતો, તેથી સ્વર્ગનો ઋદ્ધિધારી દેવ થયો પણ ત્યાંથી પાછો પટકાયો. બાહ્ય સંયમ ભલે પાળ્યો, પણ આત્મજ્ઞાન વિના જરાપણ સુખ પામ્યો નહીં, ભવભ્રમણથી છૂટયો નહીં.